Charchapatra

પ્રભુનો આશ્રય

એક રાજા વેશપલટો કરીને પોતાના નગરમાં ફરી રહ્યો હતો. ફરતાં ફરતાં રાજાની નજર એક બાળક પર પડી. તે સાવ એકલો એકલો માટીનાં રમકડાંઓ સાથે રમી રહ્યો હતો અને રમતમાં તે રમકડાને હાથમાં લેતો કૈંક બોલતો અને પછી તે રમકડાને તોડીને માટીમાં ભેળવી દેતો હતો. રાજાએ અચરજથી નાના બાળકને પૂછ્યું, ‘આ તું શું કરે છે? કેમ આમ રમકડાં તોડી રહ્યો છે?’ બાળક બોલ્યો, ‘હું દરેક રમકડાને પૂછું છું ક્યારેય રામનું નામ લીધું છે? રમકડું રામ નામ બોલતું નથી. કંઈ જવાબ આપતું નથી એટલે હું તેમને તોડીને માટીમાં મેળવી દઉં છું.’ રાજાને વિચાર આવ્યો કે આટલી નાની ઉંમરમાં આટલી જ્ઞાનભરેલી વાતો નક્કી આ કોઈ દિવ્ય બાળક લાગે છે. તેણે બાળકને કહ્યું, ‘તારું ઘર કયાં છે? માતા પિતા ક્યાં છે?’બાળકે કહ્યું, ‘મારું કોઈ નથી. એકલો આવ્યો છું,એકલો રહું છું ,એકલો જઈશ.’બાળકનો બીજો જ્ઞાનભરેલો જવાબ સાંભળી રાજાએ કહ્યું, ‘બાળક, હું આ નગરનો રાજા છું. તું મારી જોડે મારા મહેલમાં રહેવા આવીશ?’

બાળકે જવાબ આપ્યો, ‘હા, હું આવીશ પણ મારી ચાર શરત છે. જ્યારે હું સૂઈ જઈશ તમારે જાગવું પડશે.જયારે હું ભોજન કરીશ તમારે ભૂખ્યા રહેવાનું અને જ્યારે મારી પર કોઈ મુસીબત આવે તમારે તમારો બધો કારભાર અને દરબાર છોડીને મારી પાસે આવવાનું. જો તમને આ ચાર શરત મંજૂર હોય તો હું રાજમહેલમાં આવવા તૈયાર છું.’રાજાએ કહ્યું, ‘આવી વિચિત્ર શરતો પૂરી કરવી અસંભવ છે.’ બાળક બોલ્યો, ‘તો પછી હું મારા પરમાત્માનો આશરો છોડીને તમારી સાથે શું કામ આવું? જે હંમેશા મારા માટે જાગે છે અને હું નિશ્ચિંત બનીને સૂઈ જાઉં છું …હું તેને ખવડાવું કે નહિ તે મને ભોજન કરાવે જ છે અને હું કોઈ મુશ્કેલીમાં હોઉં તો વગર બોલાવ્યે તે મારી પાસે બધું છોડીને દોડી આવે છે.’

નાના બાળકની જ્ઞાનભરેલી વાતોથી રાજાને સમજાયું કે આપણે ભગવાન સર્વ શક્તિમાન છે તે જાણવા છતાં તેને ભૂલીને મોહ-માયા અને વિષય -વિકારોમાં બંધાયેલાં રહીએ છીએ.જે આપણને દરેક ક્ષણે ક્ષણે સંભાળે છે તેને પળે પળે યાદ કરવાને બદલે આપણે તેને ભૂલી જઈએ છીએ. રાજાએ બાળકને કહ્યું, ‘તો હું તારી સાથે રહું?’બાળકે કહ્યું, ‘હા રહો, મારો ભગવાન જેમ મને સાચવે છે તેમ તમને પણ સાચવશે.’ આટલું કહીને બાળક ફરી રમકડાં તોડવાની રમત રમવા લાગ્યો અને પોતાની વાતોથી રાજાને સમજાવી ગયો કે જીવનમાં સાચો આશરો છે ભગવાનનો.           
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top