આપણી આસપાસ,સમાજમાં,દેશમાં જે સારું કે નરસું છે તે આપણું જ પ્રતિબિંબ છે.કોઈ પણ વ્યકિત,સંસ્થા,નેતા,રાજનીતિક પક્ષ,પક્ષના કાર્યકરો કે પછી સરકાર કોઈને પણ પોતાની ખરાબી કે ખામી દેખાતી જ નથી.બધાને જ બીજા તરફ આંગળી ચીંધી જવાબદારીમાંથી છટકી જવું છે.૭૫ વર્ષથી વધુ સમય આઝાદી મળ્યાને થઈ ગયો છે.ઘણી વાર તો લાગે છે કે આઝાદ થયા કે ગુલામ? કહે છે અંગ્રેજોની સામે બોલી શકાતું ન હતું, તો શું આજની સરકારો સામે બોલી શકાય છે?
અંગ્રેજો વિરોધ પ્રદર્શન કરવા નહોતાં દેતા, શું આજની સરકારો કરવા દે છે? જે સમાજના અગ્રણીઓ કે આગેવાનો કહેવાય એમાંથી ૯૯ ટકા આજે ફક્ત ભૌતિકતાની પાછળ પડી શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.જે એક ટકા સાચી વાત કરવાની હિંમત કરે તો એને પ્રજા સ્વીકારવા તૈયાર નથી.કેટલાંય ઉદાહરણ છે રાજનીતિમાં કે ઈમાનદાર અને સ્વચ્છ છબી ધરાવતાં નેતાઓને પ્રજાએ જ કારમી હાર આપી હોય.
આજે આપણી આસપાસ જે પણ બદી, દૂષણ, અનર્થ થાય છે ક્યાંક ને ક્યાંક આપણે બધા જ એના માટે જવાબદાર છીએ.જો આ બધી બાબતો પર ગંભીતાપૂર્વક ચિંતન કરવામાં નહીં આવે તો ઘણું મોડું થઈ જશે.જેમ જૂના સમયમાં લોકો ખોટું થાય તો તેના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા એ પ્રથાને જીવંત રાખવી પડશે.પોતાનાં જ લોકોનો વિરોધ કરવો પડે તો સત્ય માટે કરવો જ જોઈએ . આટલી હિંમત લાવવી પડશે.જે ધર્મની વાત કરો છો એ શું શીખવાડે છે? રામાયણમાં વિભીષણ, મહાભારતમાં અર્જુન આ શું સંદેશો આપે છે? આપણે જેવા હોઈશું તેવું જ પ્રતિબિંબ પડશે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.