પ્રતિબિંબ

એક બૌધિક કથા છે.ગામના પાદરે અમુક ઘરડાં લોકો બેઠાં હતાં અને તેમની આજુબાજુ બીજાં ગામલોકો બેઠાં હતાં અને ઘરડા લોકો પોતાના અનુભવની વાતો કરી રહ્યા હતા અને ગામલોકો સાંભળી રહ્યા હતા. એટલામાં એક પ્રવાસી આવ્યો અને એક વૃદ્ધને પૂછવા લાગ્યો કે, ‘તમે બધા આ ગામના છો? અને આ ગામના લોકો કેવા છે?’ તે વૃદ્ધ હસ્યા અને બોલ્યા, ‘તમે ક્યા ગામથી આવો છો?’ પ્રવાસીએ કહ્યું, ‘સવારે બાજુના ગામમાં ગયો હતો પણ થોડી વારમાં જ પરત થયો અને હવે અહીં આવ્યો છું.’ વૃદ્ધે પૂછ્યું, ‘એ ગામનાં લોકો તમને કેવા લાગ્યાં?’ પ્રવાસી મોઢું બગાડી બોલ્યો, ‘જવા દો વાત,એ ગામનાં લોકો સાવ નાલાયક અને નકામાં છે.’ વૃદ્ધ તરત બોલ્યા, ‘પ્રવાસી, તમે આગળ જ વધી જાવ કારણ કે આ ગામના લોકો તો બાજુના ગામના લોકો કરતાં પણ નપાવટ છે.’ પ્રવાસી બોલ્યો, ‘તો તો હું રોકાતો નથી. સીધો જ આગળ ચાલ્યો જાઉં છું.’ વૃદ્ધે કહ્યું, ‘હા, હા, એમ જ કરો.’ પ્રવાસી આગળ વધી ગયો.

થોડી વાર અલકમલકની વાતો ચાલી ત્યાં બીજો પ્રવાસી આવ્યો. તેણે આવીને બધાને રામરામ કર્યા અને પેલા વૃદ્ધને પૂછ્યું, ‘આ ગામમાં થોડા દિવસ વિતાવવાની ઈચ્છા સાથે આવ્યો છું.તમે મને કહો ને આ ગામનાં લોકો કેવાં છે?’ વૃદ્ધે આ પ્રવાસીને પણ પૂછ્યું કે , ‘ તમે ક્યા ગામથી આવો છો અને તે ગામનાં લોકો કેવાં છે?’ પ્રવાસીએ કહ્યું, ‘બાજુના ગામમાં થોડો વખત રહ્યો હતો ત્યાંનાં લોકો બહુ સારાં અને પ્રેમાળ હતા. મને ગામમાં જ રહેવાનો આગ્રહ કરતા હતા પણ હું લાંબો સમય એક સ્થળે રહેતો નથી એટલે તેમની વિદાય લઇ અહીં આવ્યો છું.’ વૃદ્ધ બોલ્યા, ‘તો તો તમે એકદમ સારા સ્થળે આવ્યા છો. આ ગામના લોકો એટલાં પ્રેમાળ છે કે તમે પેલા ગામ લોકોનો પ્રેમ ભૂલી જશો.’ પ્રવાસી બોલ્યો, ‘હવે હું થોડો વખત આ ગામમાં રહીશ.’ અને તે ગામ તરફ આગળ વધી ગયો.પ્રવાસી તો ગયો, પણ ત્યાં બેઠેલાં બધાં લોકો કાનાફૂસી કરવા લાગ્યા કે વૃદ્ધે આમ બે પ્રવાસીને જુદા જુદા જવાબ શું કામ આપ્યા હશે.

વૃદ્ધ બધાના મનની મૂંઝવણ સમજી ગયા હોય તેમ બોલ્યા, ‘તમને એમ થતું હશે કે મેં બે પ્રવાસીને જુદા જુદા જવાબ શું કામ આપ્યા; ખરું ને?’ બધાએ હા પાડી અને કારણ જણાવવા કહ્યું.વૃદ્ધે કહ્યું, ‘આપણું જીવન ,આપણા અનુભવ એ આપણા મનની ભાવના, વિચાર અને વર્તનના પડઘા અને પ્રતિબિંબ હોય છે.પેલા માણસને બાજુના ગામનાં લોકો નાલાયક અને અને નપાવટ લાગ્યાં તો આ ગામના પણ લાગત અને બીજા પ્રવાસીને બાજુના ગામનાં લોકો પ્રેમાળ લાગ્યાં તો આ ગામના પણ પ્રેમાળ લાગશે.જેના મનમાં નફરત અને ધિકકાર ભરેલો હશે તેને ચારે તરફ એ જ દેખાશે અને જેના મનમાં પ્રેમ ભરેલો હશે તેને ચારે તરફ તે જ મળશે. માટે મન અંતરમાં સારી ભાવના રાખો.’ વૃદ્ધે સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top