અમેરિકામાં જનતાના આરોગ્યને ધ્યાનમાં લઇ ખોરાક અંગેની નવી ગાઈડલાઈન જાહેર થઈ છે. જેમાં ખોરાકમાં ખાંડ તથા પ્રોસેસ ફૂડના ઉપયોગ ઉપર ખૂબ જ અંકુશ મૂકવામાં આવ્યો છે. વધારે પ્રોટીનયુક્ત તથા સારી ચરબીયુક્ત ખોરાકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વધારે પડતા ખાંડ તથા પ્રોસેસ ફુડને કારણે લોકો લાંબા ગાળાના રોગો જેવા કે ડાયાબિટીસ, મેદસ્વિતા, લોહીનું ઊંચું દબાણ, હૃદય રોગ જેવા રોગોના શિકાર બને છે અને જેના કારણે દર્દીઓને તથા દેશને માંદગી પાછળ ઘણો ખર્ચ થાય છે જે દેશની તથા લોકોની આર્થિક પરિસ્થિતિને પણ ભારણરૂપ થાય છે.
જાહેર થયેલી ગાઇડલાઇન મુજબ વધારે પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે કઠોળ, ઈંડાં, માંસાહાર ત્યાર બાદ સારી ચરબીયુક્ત ખોરાક જેવા કે ઓલિવ ઓઇલ તથા માખણનો ઉપયોગ કરવાનો છે. પછી તાજાં ફળ તથા શાકભાજીનો ક્રમ આવે છે. બાદમાં અનાજ જેવા કે ઘઉં ,ચોખા, બાજરીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. એક ટંક ભાણામાં ૧૦ ગ્રામ કરતાં વધારે ખાંડનો ઉપયોગ કરવો નહીં. વધારે પડતા રિફાઈન્ડ ફુડ, પ્રોસેસ ફુડ તથા જંક ફુડ જેવા કે ચિપ્સ, પીણાં વગેરે શક્ય એટલાં ટાળવાં. કૃત્રિમ સેકરીન તથા પ્રિઝરવેટીવ ધરાવતા ખોરાકને પણ ટાળવા જરૂરી છે. રોજનું માત્ર ૨.૩ ગ્રામ કરતાં વધારે મીઠું લેવું નહીં. આ પ્રકારના સ્વસ્થ ખોરાકને જો અપનાવવામાં આવશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે.
અમેરિકા – ડૉ.ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.