Business

લાલ લોહીની લાખેણી લીલા

દોસ્તો, આજથી સો વર્ષો પહેલાં આપણે દેહની આંતરિક રચનાઓ વિષે ખાસ જાણતા નહોતા. પણ હવે મેડિકલ સાયન્સ અને ટૅક્નોલોજીના વિકાસને કારણે એવાં સેંકડો સંશોધનો થયાં છે જેની મદદથી માણસ પોતાની અંદરનાં અંગોની અદ્રશ્ય કામગીરીને પિછાણી શકે છે. અમદાવાદની એક કોલેજકન્યા કહે છે: ‘હું વર્ષોથી થેલેસેમિયા રોગથી પીડાઉં છું. એમાં દર પંદર દિવસે શરીરનું બધું લોહી કાઢી લઈને નવું લોહી લેવું પડે છે. આજે હું માત્ર અને માત્ર બીજાના લોહી વડે  જીવી રહી છું. મારે જીવતા રહેવા માટે લોહિયાળ મજૂરી કરવી પડે છે. આજપર્યંત મેં 550 થી વધુ વાર લોહી લીધું છે. રક્તદાનની શોધ ન થઈ હોત તો હું ક્યારની સ્વર્ગે સીધાવી ગઈ હોત. મારી સલાહ છે કે 18 વર્ષથી નીચેના બધાં જ યુવાનોએ ફરજિયાત લોહીનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ જેથી લોહીમાં કોઈ ઊણપ હોય તો સમયસર તેની સારવાર કરાવી શકાય.’’ કોઈ મોટો ટ્રેન અકસ્માત થાય છે ત્યારે હોસ્પિટલો ફૂલ થઈ જાય છે અને લોહીની તંગી ઊભી થાય છે. એથી હવે રક્તદાન કેમ્પો રાતદિવસ કાર્યરત રહેવા જોઈએ.

અમદાવાદની સાયન્સ કોલેજના NCC અને રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ્સ યોજાતા રહે છે. આરોગ્યમંત્રી કથરિયાએ કહેલું: હું જ્યારે ભારત સરકારમાં આરોગ્યમંત્રી હતો ત્યારે મેં રક્તદાન પ્રવૃત્તિને ઝડપથી વિકસાવવામાં પ્રોત્સાહક ભૂમિકા ભજવી હતી. મારે યુવાનોને એ કહેવું છે કે જે રીતે મૃત્યુ પછી દેહદાન ઉત્તમ દાન ગણાય છે તે રીતે રક્તદાન પણ એટલું જ મૂલ્યવાન છે. આપણાં થોડાંક લોહીથી કોઈની જિંદગી બચી જતી હોય તો એનાથી મોટું પુણ્ય બીજું એકે નથી. એથી દરેક યુવક-યુવતીઓએ  નિયમિત રક્તદાન કરવું જોઈએ. (નિયમિત ન કરી શકાય તો પોતાના જન્મદિન નિમિત્તે વર્ષમાં એક વાર રક્તદાન કરવાનો સંકલ્પ કરવો જોઈએ) આપણા દેશમાં લોહીની જરૂરિયાતના પ્રમાણમાં તેની ખાસ્સી અછત વર્તાય છે. દેશના 81 જિલ્લાઓમાં અને ખાસ તો છત્તીસગઢમાં એક પણ બ્લડબેંક નથી.

ઓસ્ટ્રેલિયાના જેમ્સ હેરિસનની વાત જાણશો તો નવાઈ લાગશે. જેમ્સ હેરિસનને 13 વર્ષે ફેફસાંની સર્જરી દરમિયાન લોહીની જરૂર પડી હતી. 18 વર્ષથી 56 વર્ષ સુધીમાં તેણે 1000 વાર રક્તદાન કર્યું હતું.  તેમના લોહીમાં જૂજ પ્રકારના એન્ટી બોડી હોવાથી તેણે Rhesus disease ગ્રસ્ત 20 લાખ લોકોને રક્તદાન કર્યું હતું.

પ્રાણીઓમાં પણ લોહીના વિવિધ પ્રકારો હોય છે. એકથી આઠ વર્ષની ઉંમરે કૂતરા અને બિલાડીનું લોહી લઈ શકાય છે. કૂતરામાં તેર પ્રકારનું અને બિલાડીમાં 11 પ્રકારનું બ્લડ હોય છે. કરચલાનું લોહી લાલ નહીં લીલા રંગનું હોય છે અને આફ્રિકાના જંગલમાં રહેતાં કેટલાક સાપોનું લોહી પીળા રંગનું હોય છે. સૌથી વધારે લોહી શાર્કના શરીરમાં હોય છે. નિયમિત દર ત્રણ મહિને રક્તદાન કરવાથી રક્તદાતાનો રૂટીન ચૅકઅપ પણ થઈ જાય છે. એથી દરદીઓને ફાયદો થઈ શકે છે. લોહી લેતાં પહેલાં હિમોગ્લોબીન, બ્લડપ્રેશર અને હાર્ટ બીટ વગેરેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત હિપેટાઈટીસ–બી, હિપેટાઈટીસ–સી, HIV, સિફેલીસ જેવા કોઈ રોગ થવાની પૂર્વભૂમિકા શરીરમાં બંધાતી હોય તો દરદીનો વેળાસર ઉપાય હાથ ધરી શકાય છે.

રક્તદાન કરવાથી શરીર ઢીલું થઈ જાય છે એ માન્યતામાં પણ વજૂદ નથી. વ્યક્તિ ત્રણ મહિનાને અંતરે રક્તદાન કરીને બાર માણસોની જિંદગી બચાવી શકે છે. તજજ્ઞો કહે છે કે શરીરમાં જરૂરિયાત કરતાં વધારે લોહી હોતું હોય છે તેમાંથી 350 ml જેટલું લોહી જ લેવામાં આવે છે. (એટલું લોહી બે દિવસમાં જ ફરી તૈયાર થઈ જાય છે) રક્તદાન કરતી વેળા કીડીના ચટકા જેટલી જ પીડા થાય છે ત્યાર બાદ કોઈ વેદના થતી નથી. રક્તદાન કર્યા બાદ વ્યક્તિ આખો દિવસ કામ કરી શકે છે. 2016 માં ભારતમાં સરકારે ‘ઈ–રક્તકોષ’ નામે એક વેબસાઈટ તૈયાર કરી છે. જેમાં દરેક રાજ્યના પ્રત્યેક ડોનરની માહિતી ઉપલબ્ધ હોય છે. જેના આધારે જરૂરતમંદ વ્યક્તિ ડોનરનો સંપર્ક કરી શકે છે.

1937માં વિશ્વની પહેલી બ્લડબેંક અમેરિકામાં સ્થપાઈ હતી. (ભારતમાં 1942 માં પહેલી બ્લડબેંક કોલકતામાં શરૂ થઈ હતી) દુનિયાના તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવતો દિવસ “વિશ્વ રક્તદાતા દિવસ” તરીકે ઉજવાય છે. થેલેસેમિયા, ડાયાલિસિસથી પીડાતા લોકોને લોહીની સૌથી વધુ જરૂર પડતી હોય છે પણ વિજ્ઞાન હજી લોહી બનાવી શક્યું નથી એથી લોહી માટે માણસ પર જ આધાર રાખવો પડે છે.
ધૂપછાંવ
બ્લડ ગ્રુપ ‘A’, ‘B’ તેમ જ ‘O’ ના શોધક ડૉ. કાર્લ લેન્ડસ્ટેઈનર હતા. એ શોધ બદલ તેમને 1930 માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ડૉ. કાર્લ લેન્ડસ્ટેઈનરનો જન્મ 14 મી જૂન 2007ના દિને થયો હોવાથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ 14 મી જૂન 2007ના દિનને “વિશ્વ રક્તદાતા દિવસ” જાહેર કર્યો હતો.

Most Popular

To Top