Gujarat

સુરત સહિત ગુજરાતના આ શહેરોમાં રેડ એલર્ટ: 13 થી 15 જુલાઈ અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં મધ્ય ગુજરાત (Gujarat) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 11-12 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે 13થી 15 જુલાઈએ રાજ્યના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની (Weather Department) આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં રેલમાર્ગ અને હવાઈમાર્ગને પણ અસર પડી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણ સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સુરત જિલ્લાના કલેક્ટરે (CollectorSurat) જાણકારી આપતા જણાવ્યું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત જિલ્લામાં 11 અને 12 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 13થી 15 જુલાઈએ ખુબ જ ભારે વરસાદના કારણે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ નાગરિકો સતર્કતા રાખે તથા બિનજરૂરી પ્રવાસ કરે નહીં.

11-12 જુલાઈએ આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે ભારે વરસાદના પગલે ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યાની સાથે જ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે.

13થી 15 જુલાઈએ રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર 13 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો બીજી તરફ મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 અને 15 જુલાઈએ આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કેટલાક શહેરોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 14થી15 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વલસાડ, નવસારી, કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ તંત્ર અને પ્રશાસન પણ સજ્જ બન્યું છે. તંત્ર અને NDRFની ટીમ મળીને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે.

Most Popular

To Top