Gujarat

ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર

ગાંધીનગર : ગુજરાત પર સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આગામી તારીખ 27મી ઓગસ્ટ સુધીમાં અન્ય એક લો પ્રેશર સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આવી રહી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધુ છે. આજે દિવસ દરમિયાન રાજયમાં સરેરાશ 182 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણાના વિજાપુરમાં સાબેલાધાર 8 ઈંચ વરસાદ થયો હતો. આગામી તા.29મી ઓગસ્ટ સુધી રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરી દેવામાં આવી છે.

  • ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયુ
  • ગુજરાત પર 27મી ઓગસ્ટે મધ્યપ્રદેશ પરથી સરકીને લો પ્રેશર સિસ્ટમ આવશે
  • મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, આજે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ, ખેડાના કપડવંજમાં 5.4 ઇંચ, છોટા ઉદેપુરમાં 4.6 ઇંચ, ગાંધીનગરના માણસામાં 4.5 ઇંચ, વિસનગરમાં 3.5 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 3.4 ઇંચ, દેહગામમાં 3.2 ઇંચ, પાલનપુરમાં 3 ઇંચ, ડીસામાં 2.7 ઇંચ, મહીસાગરના વીરપુરમાં 2.6 ઇંચ, જેતપુર પાવીમાં 2.6 ઇંચ, સાબરકાંઠાના પ્રાંતીજમાં 2.4 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 82 તાલુકાઓ એવા છે કે જયાં 1 ઈંચથી 8 ઈંચ જેટલો વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 153 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જયારે સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 5 ઇંચ વરસાદ થયો હતો. ચોમાસાની મોસમનો રાજયમાં કૂલ 76.57 ટકા વરસાદ થયો હતો. જેમાં કચ્છમાં 88.97 ટકા, ઉત્તર ગુજરાતમાં 59.33 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 62.68 ટકા, સૌરાષ્ટ્રમાં 82.80 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.20 ટકા જેટલો વરસાદ થયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે સરદાર સરોવર ડેમમા હાલમાં 87.95 ટકા જળસંગ્રહ થયેલો છે. રાજયમાં 100 ટકા છલકાઈ ગયેલા હોય તેવા ડેમની સંખ્યા 52 છે. જયારે હાઈ એલર્ટ પર 66 ડેમ, એલર્ટ પર 17 ડેમ છે. જામનગરમાં ત્રણ નદીઓમાં ઘોડાપૂર આવેલુ છે, જયારે દાહોદમાં માથળનાળા સરોવાર છલકાયેલું છે.
છેલ્લા 24 કલાકની અંદર દાહોદમાં ધાનપુર તાલુકાના કંજેટા ગામે પાનમ નદીમાં જળ પ્રવાહ વધી જવાના કારણે ફસાયેલા છ લોકોને રેસક્યૂ કરી લેવાયા હતા. છોટા ઉદેપુરના કવાંટ ખાતે પણ મોટી ટોકરી ગામેથી એક વ્યકિત્તને બચાલી લેવાયો હતો.

Most Popular

To Top