Dakshin Gujarat

નવસારી જિલ્લામાં 3જી જુલાઇ સુધી રેડ એલર્ટ: નવસારીમાં 5, જલાલપોર 4, ગણદેવી-ચીખલીમાં 2-2 ઇંચ વરસાદ

નવસારી : (Navsari) નવસારી જિલ્લામાં ભારે વરસાદી (Rain) માહોલ જામ્યો છે. જેમાં નવસારી અને જલાલપોરમાં ધોધમાર વરસાદ પડતા નવસારીમાં 5 ઇંચ અને જલાલપોરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ ગણદેવી અને ચીખલીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને પગલે નવસારી અને વિજલપોર શહેરના રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા હતા. તેમજ ગલી-મહોલ્લો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.

  • નવસારી 5, જલાલપોર 4 ગણદેવી-ચીખલીમાં 2-2 ઇંચ વરસાદ
  • નવસારી અને જલાલપોર ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા

નવસારી જિલ્લામાં ગત 28મીથી વરસાદી માહોલ જામતા સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જોકે ગત રોજથી ફરી વરસાદી માહોલ જામતા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેના પગલે ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારે આજે નવસારી જિલ્લામાં વરસાદ પડવાનું યથાવત રહ્યું હતું. જેમાં પણ નવસારી અને જલાલપોરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી. તેમજ શહેરની ગલી, મહોલ્લા અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.

નવસારી અને વિજલપોર શહેરના રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો વરસાદી પાણીમાંથી વાહન લઈ જવામાં ગભરાઈ રહ્યા હતા. તેમજ કેટલાક વાહનો તો રસ્તાની વચ્ચે જ બંધ પડી રહ્યા હતા. જેને લોકો ધક્કો મારી બહાર કાઢી રહ્યા હતા. તેમજ રાહદારીઓને પણ વરસાદી પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી હતી.

નવસારી જિલ્લામાં ગત રવિવારે સાંજે 6 વાગ્યેથી સોમવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, નવસારી તાલુકામાં 126 મિ.મી. (5.2 ઇંચ), જલાલપોર તાલુકામાં 106 મિ.મી. (4.4 ઇંચ), ગણદેવી તાલુકામાં 57 મિ.મી. (2.3 ઇંચ), ચીખલી તાલુકામાં 51 મિ.મી. (2.1 ઇંચ), ખેરગામ તાલુકામાં 22 મિ.મી. (0.9 ઇંચ) અને વાંસદા તાલુકામાં 12 મિ.મી. (0.5 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

નવસારીમાં આટલા સ્થળે વરસાદી પાણી ભરાયા
નવસારી શહેરમાં વિજલપોર ફાટકથી નવસારી રેલવે સ્ટેશન જતા રોડ ઉપર, દુધિયા તળાવ પાસે, એસ.ટી. ડેપો પાસે, લુન્સીકૂઇથી કાલિયાવાડી જતા રોડ ઉપર, જયશંકર પાર્ટી પ્લોટ જતા રોડ ઉપર, ગ્રીડ-બારડોલી રોડ ઉપર, કાલિયાવાડીથી ગ્રીડ રોડ ઉપર, નવસારી શાકભાજી માર્કેટમાં તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીમાં ભરાયા હતા.
વિજલપોર શહેરમાં સીટીગાર્ડન, મારુતિ નગર, રેવા નગર, વિઠ્ઠલમંદિર રોડ પર, શાકભાજી માર્કેટમાં, ચંદનવન સોસાયટીમાં, રામજી પાર્ક, રવિપાર્ક, સુશ્રુષા હોસ્પિટલ પાસે તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

વોર્ડ નં. 2 માં માધવ માર્કેટની ગલીમાં ભૂવો પડ્યો
નવસારી : નવસારીના પશ્ચિમ ભાગે ચોમાસુ આવતાની સાથે જ ભૂવા પણ પડવાના શરૂ થઇ જાય છે. ત્યારે આ વર્ષે પણ ચોમાસુ બેસતાની સાથે ભુવા પડવાની શરૂઆત થઇ છે. નવસારીના વોર્ડ નં. 2 માં માધવ માર્કેટની ગલીમાં ભૂવો પડ્યો હતો. જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે નવસારી-વિજલપોર નગરપાલિકાએ ભુવાનું સમારકામ હાથ ધર્યું છે.

  • નવસારી જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • નવસારી 5.2 ઇંચ
  • જલાલપોર 4.4 ઇંચ
  • ગણદેવી 2.3 ઇંચ
  • ચીખલી 2.1 ઇંચ
  • ખેરગામ 0.9 ઇંચ
  • વાંસદા 0.5 ઇંચ

નવસારી જિલ્લામાં આગામી 3જી જુલાઇ સુધી રેડ અને ઓરેન્જ એલર્ટ
નવસારી : દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યુ છે. આજે પણ સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5મી જુલાઈ સુધી મધ્યમથી ભારે વરસાદની પડવાની શક્યતા છે. જેમાં આગામી આગામી 3જી જુલાઈ સુધી નવસારી જિલ્લાને રેડ અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવેલું છે. જે અન્વયે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ નવસારી જિલ્લા તંત્રના તમામ વર્ગ 1 અને 2 અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક પોતાના વિસ્તારમાં વરસાદને લગતી બાબતો ઉપર દેખરેખ રાખવા સુચના આપી છે.

નવસારી શહેરમા છ સ્થળોએ ઝાડ પડી જતા વાહનવ્યનહાર ખોરવાયો હતો. જેને લઇ નવસારી જિલ્લા ફાયર ટીમ દ્વારા એક્શનમાં આવી હતી. ટીમ દ્વારા ગણદેવી રોડ, છાપરા રોડ, વિજલપોર ઉદ્યોગનગર, આશાપુરા મંદિર, તીઘરા જકાત નાકા, સબ જેલ અંદર તથા લૂન્સીકુઈ ખાતે ઝાડ પડી ગયા હતા. જેના પગલે વાહન વ્યવહાર ઉપર અસર પડી હતી. જોકે ફાયર વિભાગની ટીમે પડી ગયેલા ઝાડને તાત્કાલિક ધોરણે ખસેડી દઇ રસ્તાને અવર જવર માટે સાફ કરવામાં આવ્યો હતો. જોકે ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઇ ન હતી. નવસારી જિલ્લો રેડ અને ઓરેન્જ ઝોન જાહેર થયો હોવાથી નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તથા જિલ્લા કલેક્ટર આ બાબતે સતર્ક રહી તમામ બાબતો ઉપર દેખરેખ રાખી રહ્યા છે.

Most Popular

To Top