સુરત મનપા દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે જયાં કોરોનાના વધુ દર્દીઓ મળી રહ્યા છે તે રાંદેર અને સેન્ટ્રલ ઝોનના ઝાપાબજાર તેમજ બેગમપુરા વિસ્તારમાં રેન્ડમલી સેમ્પલ લેવાનું શરૂ કર્યુ છે. કેમકે હવે એવા પણ કેસ મળી રહ્યા છે, જેને કોરોનાના કોઇ લક્ષણ ના હોય તો પણ પોઝિટિવ રિપોર્ટ આવે છે.
મનપા દ્વારા પ્રથમ દિવસે રાંદેર વિસ્તારમાંથી 92 રેન્ડમલી સેમ્પલ લીધા હતા, જો કે તે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ગયા હતા, પરંતુ બીજા દિવસે લીધેલા 84 સેમ્પલમાંથી બેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એક તો અડાજણ પાટીયાના દર્દી અબ્દુલ વહાબ કુરેશીના પત્નિ ઝીનત બહેન તેમજ અહેસાન રસીદખાન જયા રહેતા હતા તે ગોટાર રોડની અલ અમીન રેસિડેન્સીના વોચમેનના સેમ્પલનો સમાવેશ થાય છે. આ બન્ને દર્દીને કોરોનાના કોઇ લક્ષણ દેખાતા નહોતા આમ છતાં તેનો સંપર્ક કોરોના પોઝિટિવ દર્દી સાથે હોવાથી તેના સેમ્પલો લેવાયા હતા. બુધવારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર અને ઝાંપાબજાર-બેગમપુરા મળીને કુલ 200 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.