Madhya Gujarat

પેટલાદ પાલિકામાં 17 વર્ષથી ભરતી સ્થગિત !

પેટલાદ : પેટલાદ નગરપાલિકામાં છેલ્લા 17 વર્ષથી કાયમી કર્મચારીઓની એક પણ જગ્યા ભરવામાં આવી નથી. વર્ષ 1999ની દરખાસ્ત મુજબ પાલિકાનું મંજૂર મહેકમ 306 કર્મચારીઓનું છે. પરંતુ તે પૈકી માત્ર 79 જગ્યાઓ જ હાલ ભરેલ છે. એટલે કે કપાત બાદ 166 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ મહેકમ ખર્ચને કારણે ભરી શકાતી નથી. તેમાય છેલ્લા કેટલાક વર્ષોમાં મહત્વના વિભાગોમાંથી જવાબદાર અને કુશળ અધિકારીઓ નિવૃત થતા હાલ પાલિકાનો વહિવટ ખાડે જઈ રહ્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. દિન પ્રતિદિન પેટલાદ પાલિકાનો વહિવટ આર્થિક રીતે પણ કથળી રહ્યો હોવાનું જાણવા મળે છે.

પેટલાદ નગરપાલિકાના કાયમી મહેકમ માટે વર્ષ 1999માં દરખાસ્ત કરવામાં આવી હતી. જે મુજબ 29મી નવેમ્બર 2004ના રોજ જે તે સમયના પાલિકા પ્રમુખ દિપાલીબેન શાહે 123 રોજમદારોને કાયમી કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ ત્યારબાદ પાલિકામાં વહિવટદાર શાસન આવતા આ કાયમી હુકમ રદ કરવામાં આવ્યો હતો. કારણ કે જીલ્લા કલેક્ટરની મંજૂરી મેળવ્યા સિવાય રોજમદારોને કાયમી હુકમ કરી શકાય નહી. જેથી ત્યારબાદ તમામ મંજૂરીની પૂર્તતા કર્યા પછી વહિવટદારે 31મી માર્ચ 2005ના રોજ 121 રોજમદારોને કાયમી કર્યા હતા.

અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, તે વખતે ખાલી પડતી 155 પૈકી 121 જગ્યાઓ ભરવામાં આવી હતી. માર્ચ 2005 બાદ આજદીન સુધી પેટલાદ પાલિકામાં એકપણ કર્મચારીને કાયમી કરવામાં આવ્યા નથી. આ સમય દરમિયાન પાલિકાના મહત્વ ધરાવતા વિભાગોમાંથી ધીમે ધીમે કાયમી કર્મચારીઓ, સફાઈ કામદારો વગેરે નિવૃત થતા ગયા છે. જે જગ્યાઓ ખાલી પડે છે, તે ભરવાના બદલે હંગામી કર્મચારીઓ અને સફાઈ કામદારો લેવામાં આવી રહ્યા છે.

નોંધપાત્ર બાબત એ પણ છે કે, છેલ્લા 17 વર્ષ દરમિયાન પાલિકામાં જે નગરસેવકો ચૂંટાઈને સત્તામાં જાય છે, તેઓ પોતાના મળતીયાઓને નોકરી ઉપર રાખતા હોય છે. પાલિકામાં સત્તા પરિવર્તન આવે એટલે હંગામી કર્મચારીઓ બદલાતા પણ રહે છે. પરંતુ સરવાળે હંગામી રોજમદારો અને સફાઈ કામદારોની સંખ્યા વધતી જ જાય છે. કેટલાક સંજાેગોમાં જાે કોઈ કાઉન્સિલરના મળતીયાને નોકરીમાથી છૂટા કરવામાં આવે તો પાલિકામાં ધમાચકડી મચી જવાની ઘટનાઓ પણ આ 17 વર્ષ દરમિયાન બન્યા હોવાની વાત ચર્ચાસ્પદ છે. આવા કારણોસર હાલ પેટલાદ પાલિકાનો મહેકમ ખર્ચ 47 ટકાને બદલે 70 ટકા જેટલો થઈ ગયો છે. જેને કારણે ખાલી જગ્યાઓ ભરી શકાતી નથી.

કાયમી કરતા હંગામી કર્મચારી વધુ
પેટલાદ પાલિકામાં કાયમી મંજૂર મહેકમ 306 કર્મચારીઓનું છે. જેના 20 ટકા કપાત બાદ મંજૂર મહેકમ 245 થાય છે. જેમાથી માત્ર 79 જગ્યાઓ ભરેલ છે, જ્યારે 166 જગ્યાઓ ખાલી છે. જેની સામે પાલિકાના સેનેટરી, વોટર વર્કસ, બાંધકામ, ગટર, ગાર્ડન, સ્મશાન, એસટીપી, ઓફિસ વગેરે વિભાગોમાં લગભગ 300 જેટલા કર્મચારીઓ હંગામી કે રોજમદાર તરીકે ફરજ બજાવે છે.

વિકાસ ક્યાંથી થાય ?
પેટલાદ નગરપાલિકાના જુદાજુદા વિભાગોના મળી લગભગ 370 થી વધુ કર્મચારીઓ અને સફાઈ કામદારો ફરજ બજાવે છે. જેઓના પગાર પાછળ દર વર્ધે અંદાજીત રૂપિયા સાત કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ થાય છે. જે પૈકી કાયમી 79 કર્મચારીઓ પાછળ રૂપિયા ચાર કરોડ અને હંગામી 300 જેટલા કર્મચારીઓ પાછળ રૂપિયા ત્રણ કરોડ જેટલો ખર્ચ થતો હોવાનું જાણવા મળે છે. જેની સામે દર વર્ષે પગાર ગ્રાન્ટ પેટે સરકાર તરફથી આશરે રૂપિયા ત્રણેક કરોડ જેટલી રકમ પાલિકાને મળતી હોય છે.

જ્યારે રૂપિયા ચારેક કરોડ જેટલી રકમનું ભારણ પાલિકાના સ્વભંડોળ ઉપર પડતુ હોય છે. ગત ત્રણેક વર્ષ દરમિયાન પગાર કરવાના ફાંફાં પડતા પાલિકાએ 15મા નાણાંપંચ થતા યૂડિપી 88ની ગ્રાંટમાંથી અંદાજીત રૂા.1.30 કરોડ જેટલી રકમ પગાર માટે ઉપાડી હતી. જે રકમ આજદીન સુધી જે તે ગ્રાન્ટના ખાતામાં પરત કરી નહી હોવાનું જાણવા મળે છે. પછી વિકાસલક્ષી કામો ક્યાંથી થાય ? આવા અનેક પ્રશ્નો પાલિકા કેમ્પસ સહિત નગરજનોમાં પણ ઉઠવા પામ્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top