Business

રામનાથ ગોએન્કા એવોર્ડ મેળવનાર કેટલીક બેનમૂન ન્યૂઝસ્ટોરી

પત્રકારત્વ ક્ષેત્રે ‘રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ’ એ ઉત્કૃષ્ટ સન્માન છે. આ સન્માનની ચર્ચા પત્રકાર જગતમાં ખૂબ થાય છે. આ સન્માન આપનારી સંસ્થા ‘રામનાથ ગોએન્કા મેમોરિઅલ ફાઉન્ડેશન’ છે અને તેની શરૂઆત રામનાથ ગોએન્કાના શતાબ્દી વર્ષ દરમિયાન થઈ હતી. જેમના નામે આ સન્માન આપવામાં આવે છે તેઓ ભારતીય પત્રકાર જગતનું પ્રતિષ્ઠિત નામ છે. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપ ’નો પાયો નાંખ્યો અને તેના જ પ્રતાપે દેશને એક અતિ સમૃદ્ધ અખબાર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ મળ્યું. વર્ષ 2000માં ઇન્ડિયા ટુડે મેગેઝિન સુદ્ધાએ રામનાથ ગોએન્કાની નોંધ ‘100 પીપલ હુ શેપડ ઇન્ડિયા’ની યાદીમાં લીધી હતી. કટોકટીકાળમાં ગણ્યાગાંઠ્યા જે મીડિયા ગ્રુપે સરકાર સામે બાંયો ચઢાવી તેમાં એક્સપ્રેસ ગ્રુપે આગેવાની લીધી હતી. 1991માં રામનાથ ગોએન્કાનું અવસાન થયું અને તેમની સ્મૃતિમાં 2005માં આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી દર વર્ષે એવોર્ડમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પત્રકારત્વને સન્માનાય છે. એવોર્ડ બેશક પત્રકારને મળે છે પણ તેનું કારણ પત્રકારે કરેલી સ્ટોરી છે અને તે સ્ટોરીની વિગત-અનુભવ જાણવા જેવાં છે.

આ એવોર્ડમાં એક કેટેગરી છે ‘અનકવરીંગ ઇન્ડિયા ઇન્વિઝીબલ’. આ કેટેગરીમાં બે પત્રકારો સન્માનિત થયા છે, તેમાંના એક છે શિવ સહાય સિંઘ. તેઓ ‘ધ હિન્દુ’ અખબારના પત્રકાર છે અને તેમને જે માટે સન્માનિત કરવામાં આવ્યા છે તે સ્ટોરી ઝારખંડની પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની છે. આ સિસ્ટમને આપણે રાશનથી ઓળખીએ છીએ. ગરીબવર્ગ માટે સસ્તા દરે અનાજ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે સરકાર દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાની પોલ ખોલતી આ સ્ટોરી છે. તેમાં શિવ સહાય સિંઘ ઝારખંડના લાતેહર જિલ્લાની છે, જ્યાંના નિવાસી કુંતી નાગાસિયા અને તેના દીકરા રિન્કુ નાગાસિયાની તસવીર સ્ટોરીમાં પ્રકાશિત કરવામાં આવી છે. તે ફોટોની નીચે વિગત આ પ્રમાણે છે : ‘આ પરિવાર પાસે રાશન કાર્ડ નથી અને તેઓ પાડોશીઓની મદદથી ભૂખ સામે લડી રહ્યા છે.

તેમના પરિવારની 11 વર્ષીય સંતોષીકુમારી ભૂખમરાના કારણે મૃત્યુ પામી. આમ થવાનું કારણ તેમનું રાશન કાર્ડ આધાર સાથે લિંક નહોતું થયું, તે હતું. જે કારણે તેમને અનાજ આપવાથી ઇનકાર કરવામાં આવ્યો.’ આધાર લિંક ન થવાથી અનાજ ન આપવામાં આવ્યું હોય તેવો ઝારખંડમાં આ એક માત્ર કિસ્સો નથી. બલકે આ સ્ટોરીમાં તેવાં અન્ય કેસીસ પણ શિવ સહાય સિંઘે ટાંક્યા છે. આ ઉપરાંત તેઓ એમ પણ લખે છે કે, ઝારખંડના પાટનગર રાંચીથી ત્રણસો કિલોમીટર દૂર મહુદનાર નામના એક આંતરિયાળ ગામમાં એક મોટું LED ટીવી ટ્રક પર મૂકવામાં આવ્યું છે. આ LED માં એક વિડિયો ક્લિપ દર્શાવવામાં આવી રહી છે કે કેવી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રઘુબર દાસની રાજ્ય સરકાર ઝારખંડને વિકાસમાં નવી ઊંચાઈએ લઈ ગયા છે. આ LED માં યોગ કાર્યક્રમ પણ થયો હતો, પરંતુ તેમાં રાશન અંગે એક પણ વિડિયો ઉપલબ્ધ નથી. ઝારખંડ રાજ્યની કરૂણતા અને સરકારની બેજવાબદારી ‘ધ હિન્દુ’ના પત્રકાર દાખવી શક્યા છે.

‘અનકવરીંગ ઇન્ડિયા ઇન્વિઝીબલ’ની કેટેગરીમાં એવોર્ડ મેળવનારા બીજા પત્રકાર છે ‘ધ ક્વિન્ટ.કોમ’ના ત્રિદીપ મંડાલ. તેમની સ્ટોરી પણ માનવીય પાસું ઉજાગર કરે છે. ‘ધ ક્વિન્ટ.કોમ’ પર તેમની સ્ટોરી વિડિયો રૂપે રજૂ થઈ હતી અને તેમાં વાત છે આસામના ડિટેન્શન કેમ્પની. આસામના NRC એક્ટ મુજબ જો કોઈ પરિવારનું નામ નિર્ધારીત કરેલી યાદીમાં ન હોય તો પછી તેઓને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવતા. આ ડિટેન્શન કેમ્પમાં જીવન કેવું હોય તેની તપાસ કરવા અર્થે ત્રિદીપ મંડાલે ગોલપારા અને બારપેટા જિલ્લામાં આવેલાં ડિટેન્શન કેમ્પની મુલાકાત લીધી. ત્રિદીપ પોતે વર્ણવે છે કે તેમની સામે આ સ્ટોરી કરવા ગયા ત્યારે ત્રણ મોટાં પડકાર હતા. એક તો પરિવારને ઓન કેમેરા તેમની વાત માટે તૈયાર કરવા, બીજું કે જે સ્ટોરી તેઓ કેમેરામાં કેદ કરે તેમાં પ્રામાણિકતા અને સહાનુભૂતિ હોવી જોઈએ, જેથી વ્યાપક દર્શકોને તે સ્ટોરી સ્પર્શી શકે અને ત્રીજી વાત એ કે સૌ જાણતાં હતા કે આસામમાં ડિટેન્શન કેમ્પ નિર્માણ કરવામાં આવ્યા છે પણ તે ક્યાં છે તેવી બહુ જૂજ લોકોને ખબર હતી. અહીંયા ત્રિદીપ છ વર્ષીય સ્વતાને મળે છે જેના પિતા ડિટેન્શન કેમ્પમાં જ અવસાન પામ્યા છે. તે ઝાઝું બોલતી નથી છતાં જાણે તેના આંખોમાં ડિટેન્શન કેમ્પનું દર્દ સમાયેલું છે. આ સ્ટોરીથી લોકો ડિટેન્શન કેમ્પની વાસ્તવિકતા જોઈ શક્યા અને તેને બતાવવા બદલ ત્રિદીપને સન્માનિત કરવામાં આવ્યા.

આ એવોર્ડમાં એક કેટેગરી ઇન્વેસ્ટીગેટીવ રિપોર્ટીંગની હોય તે અપેક્ષિત છે અને તેમાં એક ઇન્વેસ્ટીગેટીવ સ્ટોરી કૌનઇન શેરીફની છે. તેઓ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના જ પત્રકાર છે અને તેમણે સ્ટોરી કરી છે મુઝ્ઝફરનગરના રમખાણો સંદર્ભે છે. સ્ટોરીનું ટાઇટલ છે : ‘ધ મુઝઝફરનગર વ્હાઇટવોશ’. ત્રણ હિસ્સામાં પ્રકાશિત થયેલા આ ઇન્વેસ્ટીગેશન અહેવાલમાં કૌનઇન શેરીફ પીડિતો સાથે થયેલાં અન્યાયને પ્રકાશમાં લાવ્યા છે. ઉત્તર પ્રદેશનું મુઝ્ઝફરનગર કોમી રીતે સંવેદનશીલ જિલ્લો છે અને 2013માં ત્યાં હિન્દુ-મુસ્લિમ રમખાણ થયું. આ રમખાણમાં સરકારી આંકડા મુજબ 42 મુસ્લિમ અને 20 હિન્દુઓ માર્યા ગયા. ઉત્તર પ્રદેશની સૌથી બિહામણી ઘટના તરીકે આ રમખાણને લોકો યાદ કરે છે. આ રમખાણોના વિવિધ કેસ ન્યાયાલયમાં ચાલી રહ્યા છે. 

આ કેસો સંદર્ભે કૌનઇન શેરીફ એવી વિગત લાવી શક્યા જેમાં એવું સ્પષ્ટ જોઈ શકાય કે મુઝ્ઝફરનગર રમખાણોના તમામ હિન્દુ આરોપીને છેલ્લા છ વર્ષમાં નિર્દોષ જાહેર કરીને છોડી દેવામાં આવ્યા. છોડી મૂકવામાં આવેલા આરોપીની સંખ્યા 158 છે અને તેઓ હત્યા, બળાત્કાર અને રમખાણના ગુનાના આરોપી હતા. આ સ્ટોરીમાં કૌનઇન શેરીફ સાક્ષીઓ પાસે એવી વિગત કઢાવી શક્યા છે કે તેઓના નિવેદનો ધાકધમકી આપીને બદલવામાં આવ્યા છે.

ઇન્વેસ્ટીગેશનની કેટેગરીમાં સન્માન મેળવનારા બીજા પત્રકાર ‘મનોરમા ન્યૂઝ’ના એસ. મહેશકુમાર છે. સ્ટોરી છે : ‘ઓપરેશન નેપાલ ગોલ્ડ’ના નામે. આ વિડિયો સ્ટોરી છે અને મલયાલમ ન્યૂઝ ટેલિવિઝન પર આ પ્રકારની પ્રથમ સ્ટોરી બ્રોડકાસ્ટ થઈ છે. નેપાલમાંથી કેવી રીતે ભારતમાં ગોલ્ડનું સ્મગલિંગ થાય છે તે પૂરું નેટવર્ક સ્ટોરીમાં એસ. મહેશકુમાર લાવી શક્યા છે. આ સ્ટોરીનો મુદ્દો છે કે ભારતમાં ગેરકાયદેસર રીતે સોનું લાવવામાં આવે છે, મતલબ કે તેના પર એક રૂપિયો પણ ટેક્સ લાગતો નથી ન તો સરકારને જાણ થાય તે રીતે સોનું આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ ગત્ વર્ષે ભારતમાં 95,000 કિલોગ્રામ સોનું સ્મગલ કરવામાં આવ્યું. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ જો આ આંકડો જણાવે છે તો તેનું સીધું ગણિત એટલું જ છે કે ભારતે ટેક્સ રેવન્યુના 3,325 કરોડ ગુમાવ્યા છે.

હવે આટલાં કરોડની ટેક્સ ચોરી થતી હોય તો તેમાં કંઈ કેટલાંય મોટા માથાં ઇન્વોલ્વ હોઈ શકે છે. આ સ્ટોરીના પોલિટીકલથી માંડીને સુરક્ષાને લઈને અનેક પાસાં પત્રકાર એસ. મહેશકુમાર પોતાની સ્ટોરીમાં લાવી શક્યા છે. આ સ્ટોરી કરતી વેળાએ પત્રકાર પર સતત જોખમ રહે છે પણ એસ. મહેશકુમાર અંતે સ્ટોરી કરી શક્યા. એવોર્ડમાં એક કેટેગરી ફોટો જર્નાલિઝમની છે. આ કેટેગરીમાં જેઓને ગોએન્કા એવોર્ડ મળ્યું છે તે છે ઝીશાન લતિફ. ઝીશાન કેરેવાન મેગેઝિનના ફોટોગ્રાફર છે અને 2019માં તેમનાં આ ફોટોગ્રાફ મેગેઝિનમાં પ્રકાશિત થયા હતા. આસામના ચાર જિલ્લાઓમાં તેમણે પ્રવાસ ખેડીને આ તસવીરો લીધી હતી. તેઓ NRC વિષય પર કામ કરી રહ્યા હતા અને NRCમાં આવવાનો સંઘર્ષ તે જ તેમનો વિષય હતો. ઝીશાને આ વિષયમાં જેઓની તસવીર લીધી છે તે મોટા ભાગના ગરીબ મુસ્લિમ પરિવારના છે અને તેઓ એ જાણતા નથી કે કેમ તેમનું નામ NRC ની યાદીમાં નથી.

Most Popular

To Top