સુરત (Surat) : વિશ્વમાં (World) જે ચમકતા હીરાએ (Diamond) સુરતને ડાયમંડ સિટીની (DiamondCity) ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ એની ચમક ગુમાવી રહ્યોં છે. રશિયા-યુક્રેન યુદ્ધ (RussiaUkraineWar) અને વૈશ્વિક મંદી (Recession) વચ્ચે ચીન(China) , અમેરિકા (America), યુરોપ (Europe) અને મિડલ ઇસ્ટમાં (Middle East) ડાયમંડ જ્વેલરીની (Diamond Jewelry) માંગ (Demand) ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં સપડાયો છે.
નાના હીરાના કારખાનેદારો પાસે પોતાનું અને જોબવર્કનું કામ પણ નહીં રહેતા પ્રથમવાર નાના હીરાના કારખાનેદારો જન્માષ્ટમીથી (Janmashtami) 8 દિવસનું મીની વેકેશન (Mini Vacation) રાખશે. અગાઉના વર્ષોમાં જન્માષ્ટમી નિમિતે બે-ત્રણ દિવસ કારીગરો રજા રાખતા હતા. પણ આ વખતે કારખાનેદારોએ કારીગરોને બોલાવી 7/8 દિવસનો બ્રેક લેવા કહ્યું છે. બીજી તરફ આર્થિક સંકડામણને લીધે સુરતમાં છેલ્લા ચાર મહિનામાં 23 રત્નકલાકારોએ જીવન ટુંકાવ્યું છે.
ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતે આ વખતની મંદીમાં જિલ્લાવાર વિગતો ભેગી કરી મુખ્યમંત્રી, ઉદ્યોગમંત્રી અને રાજ્યના શ્રમ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારના પેટનું પાણી હાલ્યું નથી. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતના ઘણીવાર વખાણ કર્યા છે, પરંતુ જે સુરતના વખાણ કર્યા તે સુરતને આગળ લઈ જવામાં જેમનું મહત્વ, યોગદાન, પરિશ્રમ, શ્રમ શક્તિ છે. એમના પરીવાર માટે ક્યારેય પણ સંવેદના વ્યક્ત કરી નથી. મંદી હોય, કોરોના હોય કે કુદરતી આફત ગરીબ, મધ્યમ વર્ગના રત્નકલાકારોને ભગવાન ભરોસે છોડી સરકારે કોઈ મદદ કરી નથી.
ડાયમંડ વર્કર યુનિયનના એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ રજુઆત કરી પણ કોઈ પરિણામ આવ્યું નથી. માત્ર ઠાલા આશ્વાસન મળ્યાં છે. યુનિયને સરકારની બંધ પડેલી કારીગરો માટેની રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરી રહ્યું છે. કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત કરી રહ્યાં છે.
રશિયન રફ પર પ્રતિબંધની વ્યાપક અસર સુરતનાં હીરા ઉદ્યોગને થઈ
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોએ રશિયન રફ પર પ્રતિબંધ મૂક્યો એની વ્યાપક અસર સુરતનાં હીરા ઉદ્યોગને થઈ છે. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. જેના વેચાણ પર અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે.
આ નિર્ણયની ખરાબ અસર ભારત અને બેલ્જિયમ જેવા દેશો પર પડી છે. તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહીં ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ 2022 (FY22)માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 (FY23)માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે રશિયાથી થતી ઘરેલુ અને ઔદ્યોગિક ગેસની કિંમતો વધી ગઈ હતી. બીજી તરફ અમેરિકન બેંકોએ નાદારી નોંધાવતાં મંદી ઘેરી બની છે. સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. ડિમાન્ડ નથી એની અસર જોબવર્ક પર ચાલતા સુરતનાં હીરાના નાના કારખાનાઓ પર પડી છે. સિન્થેટિક અથવા લેબગ્રોન ડાયમંડના પ્રમોશને પણ નેચરલ ડાયમંડના વેપારને અસર કરી છે. એને લીધે અવિશ્વાસનો માહોલ ઊભો થયો છે. યુરોપમાં મંદીને લીધે ડાયમંડ જ્વેલરી જેવી હાઈ વેલ્યુ પ્રોડકટ લોકોની પ્રયોરિટીની વસ્તુ રહી નથી.