સુરત: દયાની માને ડાકણ ખાય એ કહેવતને સાર્થક કરતી ઘટના અડાજણ વિસ્તારમાં બન્યો છે, જેમાં નામી શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરીના ફોટો શૂટ કરાવવા માટે આવેલી હીરા વેપારીની પત્ની રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ આરોપીએ તેણીને કોલ કરી પૈસાની બહુ જરૂરત હોવાનું કહી રોકડ અને દાગીના મળી રૂ.52.59 લાખ પડાવી લીધા બાદ આ વાત તમારા પતિને કહી દેવાની ધમકી આપી શારીરિક સંબધો બાંધ્યા હતા. જેથી પરિણીતાની ફરિયાદના આધારે પાલ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- આરોપીએ પરિણીતાના સંપર્કમાં આવી તેની પાસેથી રોકડ અને દાગીના મળી રૂ.52.59 લાખ પડાવી લીધા
પાલ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના અડાજણ હની પાર્ક રોડ પર આવેલા આદિત્ય રો-હાઉસમાં રહેતા અર્જુન ધુપદભાઇ કંથારિયા અડાજણ ખાતે આવેલા શીતલ ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. મહિધરપુરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા વેપારી પત્ની સાથે માર્ચ-2024માં અડાજણ ખાતે આવેલા શીતલ ફોટો સ્ટુડિયોમાં દીકરી માટે ફોટો શૂટ કરાવવા માટે આવ્યા હતા.
દરમિયાન ત્યાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા અર્જુન કંથારિયા સાથે વેપારીની પત્નીનો સંપર્ક થયો હતો. થોડા સમય બાદ આરોપી અર્જુને પરિણીતાનો ટેલિફોનિક સંપર્ક કરી રૂ.5000 માંગતાં તેને પૈસા આપવાની ના પાડતાં તે રિક્વેસ્ટ કરવા લાગ્યો હતો. જેથી પરિણીતાને દયા આવતાં તેણે રૂ.5000 આપી મદદ કરી હતી. બાદ પરિણીતાએ આશરે પાંચેક દિવસ બાદ રૂપિયા પરત માંગતાં અર્જુન વાયદા કરવા લાગ્યો હતો.
થોડા સમય બાદ આરોપીએ સામેથી ફોન કરી રૂ.15,000ની માંગણી કરતાં પરિણીતાએ ન હોવાની વાત કરી હતી. જેથી આરોપીએ કહ્યું કે, તારી પાસે કોઇ ગોલ્ડ હોય તો તે આપ, તે ગોલ્ડ ગીરવે મૂકીને પછી છોડાવી આપીશ તેવી વાત કરી પરિણીતાને વિશ્વાસમાં લેતાં તેણીએ પોતાની દીકરીની એક ગોલ્ડ ચેઈન આરોપી અર્જુનને આપી હતી. થોડા સમય બાદ પરિણીતાએ પોતાની સોનાની ચેઈન તથા રૂપિયા પરત માંગતાં તેણે બીજી ગોલ્ડની વસ્તુ માંગી હતી અને તે ગીરવે મૂકશે તો જ આગળનું સોનું પરત મળશે તેમ વાત કરી હતી.
બાદ જૂન-2024માં આરોપી અર્જુને પરિણીતાને હોટેલમાં મળવા જવાની વાત કરતાં તેનીએ ના પાડતાં આરોપીએ આ સોનાના વ્યવહારની તેમના પતિને જાણ કરી દેવાની અને સોનું પરત નહીં આપે તેવી ધમકી આપી પરિણીતાને પાલ ખાતે આવેલી હોટેલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જો કે, પરિણીતા જ્યારે પણ આરોપી પાસે પોતાનું સોનું અને રૂપિયા પરત માંગે ત્યારે આરોપી અર્જુન પોતાની પ્રોબ્લેમ બતાવી વાત ટાળી દેતો હતો. આરોપી પરિણીતાને ડરાવી ધમકાવી શારીરીક સંબંધ બાંધતો અને તેની પાસેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.52,59,000ની કિંમતના દાગીના પડાવી લીધા હતા. આ બનાવ અંગે પરિણીતાએ પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.