આદમ અને ઈવના જમાનામાં શું થતું હતું તે અંગે અટકળો કે કલ્પના કરી શકીએ કે પછી તેનાથી પણ પ્રાચીન કામોત્તેજક ભાવભંગિમાઓ ધરાવતી મળી આવેલી પ્રતિમાઓ પરથી સદીઓ પહેલાં લોકો સેક્સ વિશે શું વિચારતા હશે અથવા તો તેઓ વિજાતીય સંબંધો અંગે કેટલાં રૂઢિવાદી અથવા મુક્ત વિચાર ધરાવતાં હશે તેનું આકલન કરી શકાય તેમ છે. તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે સેક્સના મામલે વર્તમાન સમય માનવ ઈતિહાસના સૌથી મુક્ત યુગ પૈકીનો એક છે અને તેમાં કોઈ અતિશયોક્તિ નથી. છેલ્લા ચાર દાયકા દરમિયાન ટેક્નોલોજીમાં થયેલાં નીતનવા સંશોધન અને તેની સરળ ઉપલબ્ધિએ જાતીય સંબંધોને મુક્ત બનાવી દીધા છે. ગર્ભનિરોધક ગોળીઓથી લઈને કોન્ડોમ કે ડેટિંગ એપ્સ વગેરે જેવાં સાધનો અને માધ્યમોએ જાતીય સંબંધોને વધુ સુલભ બનાવ્યાં છે.
આ સિવાય લગ્ન પહેલાં સેક્સ, સમલૈંગિકતા, છૂટાછેડા અને એક સાથે અનેક લોકો સાથે જાતીય સંબંધો મામલે પણ લોકોના વિચારો વધુ મુક્ત બન્યા છે. આમ છતાં અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં લોકો પહેલાની તુલનાએ ઓછું સેક્સ માણતાં હોવાનો ચોંકાવનારો ખુલાસો એક વૈજ્ઞાનિક અભ્યાસમાં થયો છે. આ માટે કયાં પરિબળો જવાબદાર છે તે અંગે અહીં ચર્ચા કરાઈ છે.
અમેરિકાની બોલિંગ ગ્રીન્સ યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાયકોલોજીના પ્રોફેસર જોશુઆ ગ્રુબ્સના મતે ઈન્ટરનેટ અને મોબાઈલના આગમનને પગલે પોર્નોગ્રાફી મટીરિયલ અત્યંત હાથવગું થઈ ગયું છે. વધુ પડતી પોર્નોગ્રાફી જોવાથી સેક્સ પ્રત્યેનો રોમાંચ ઘટવા લાગે છે, જો કે આ બાબત કેટલાક અંશે જ સાચી છે, કારણ કે અન્ય કેટલાક અભ્યાસ મુજબ જે લોકો વધુ પોર્ન જુએ છે તેઓ સેક્સમાં પણ વધુ રસ ધરાવે છે. આમ પોર્નોગ્રાફી જોવાથી સેક્સમાં રસ ઓછો થઈ જાય છે તે અંગે નિષ્ણાતો પણ એકમત નથી. ગ્રુબ્સ દ્વારા કરાયેલા એક સર્વેક્ષણ મુજબ અમેરિકાના 45 ટકા જેટલા યુવાનો અને 50 ટકા જેટલા આધેડ વયના લોકો 15 દિવસમાં એકાદ વાર પોર્ન જોતા હોવાનું જણાયું છે. જો કે આ બાબત માત્ર અમેરિકા પૂરતી જ સીમિત નથી જ્યાં જ્યાં ઈન્ટરનેટ છે તેવા તમામ દેશોમાં વધતેઓછે અંશે આ જ સ્થિતિ હોવાની. ભારતમાં તો સ્થિતિ આનાથી પણ વધારે ખતરનાક લેવલ પર પહોંચી ચૂકી છે. કોવિડના સમયમાં વર્ક ફ્રોમ હોમના કારણે પોર્નોગ્રાફી જોવાનો ક્રેઝ આપણે ત્યાં ચરમસીમાએ છે. આ પોર્નોગ્રાફી જોવામાં જુવાનની સાથે સાથે જ પ્રૌઢ વર્ગ પણ જોડાયેલો છે.
મારા મતે સેક્સની બાબતમાં સ્માર્ટફોન કામેચ્છાઓને હણવાનું કામ કરે છે. સ્માર્ટફોન, ઈન્ટરનેટ જેવી ટેક્નોલોજીને કારણે યુગલો એક સાથે બેઠાં હોવા છતાં પતિ-પત્ની પોત-પોતાની વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાયેલાં રહે છે. સોશ્યલ મીડિયાના નોટિફિકેશન, ઈમેલ અને અન્ય પોસ્ટ્સમાં વ્યસ્ત રહેવાને લીધે સેક્સ માટે જરૂરી ઉત્તેજના જગાવનાર ડોપામાઈન નામનું તત્ત્વ તમારા મગજમાંથી શરીરને સેક્સ માટે તૈયાર થવાનો સંદેશ નહીં પાઠવે. આ સમસ્યાને દૂર કરવા માટે સ્માર્ટફોન, ઈન્ટરનેટ કે અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ મર્યાદિત કરવો જરૂરી છે. એક વાર બેડરૂમમાં આવ્યા પછી બને ત્યાં સુધી સ્માર્ટફોનને વાપરવો ના જોઈએ. તેમ જ ટીવી અને લેપટોપને રૂમમાંથી બહાર કરી દેવા જોઈએ. આપણે ભૂલી ગયા છીએ કે બેડરૂમ એ માત્ર સૂવા માટે અને પ્રેમ કરવાની જગ્યા છે.
એક અભ્યાસ અનુસાર ઊંચા હોદ્દા પર બિરાજનાર અને મહિને લાખો રૂપિયાનું વેતન મેળવનારા લોકોમાં પણ સેક્સ પ્રત્યેના રસમાં ઘટાડો થયો છે. આ એવો વર્ગ છે જેમને ન તો કોઈ વાતની કમી છે કે ન તો કોઈ વાતની ચિંતા. આમ છતાં આ લોકો સેક્સ માણવા પ્રત્યે ઉદાસીન બની રહ્યાં છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર કેય વેલિંગ્સના જણાવ્યા અનુસાર સેક્સની ઈચ્છા મંદ પડવા પાછળ સૌથી મોટું કારણ જીવનશૈલી છે. સતત બેઠાડું જીવન, તણાવ, અપૂરતી ઊંઘ, ઓછું પોષણ ધરાવતો આહાર વગેરેને કારણે શારીરિક સ્ફૂર્તિમાં ઘટાડો થવાની સાથે સાથે જ માનસિક તંદુરસ્તીમાં પણ ઘટાડો થાય છે.
બાયોલોજિકલ એન્થ્રોપોલોજિસ્ટ ડો.એલન ફિશરના જણાવ્યા અનુસાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમાજમાં આવેલા બદલાવે પણ માણસની સેક્સ લાઈફ પર અસર કરી છે. તેમના મતે લોકોની સેક્સ પ્રત્યે ઓછી થયેલી રૂચિ પાછળનું એક મહત્ત્વનું કારણ સામાજિક બદલાવ છે. તેઓ જણાવે છે કે હાલ મોટાભાગના ઘરોમાં મહિલાઓ પણ નોકરી કરતી હોય છે, જેમના શિરે નોકરી ઉપરાંત ઘરની અને પરિવારની જવાબદારી હોવાથી તેઓ શારીરિક તેમ જ માનસિક રીતે થાકી જાય છે. આજથી ૧૫-૨૦ વર્ષ અગાઉ મહિલાઓની પ્રાથમિકતા અલગ હતી, તે સમયે તેઓ માટે પરિવારની જવાબદારી જ મુખ્ય હતી. વર્તમાન સમયમાં મહિલાઓ પોતાના કરિયરને વધુ મહત્ત્વ આપતી હોવાથી મોડા લગ્ન કરે છે. જો કે આ બાબત પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે. મોડી ઉંમરે લગ્ન થવાને કારણે પણ સેક્સ પ્રત્યેની રૂચિમાં કેટલેક અંશે ઘટાડો થતો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.આમ વર્તમાન સમયમાં લોકોની સેક્સ પ્રત્યે ઘટતી રૂચિ પાછળ ટેક્નોલોજી, વ્યસ્તતા, તણાવ ઉપરાંત જીવનશૈલી જેવાં પરિબળો જવાબદાર છે તેમ નિષ્ણાતોનું માનવું છે.
તમે સેક્સને માણી શકો છો સેક્સને પીડારહિત રીતે અને વધુ આનંદપૂર્ણ રીતે માણવા માટે અહીં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તૈયાર થઈ જાવ. સમાગમ માણવાની એકાદ કલાક પહેલા તમે જે કોઈ દર્દનાશક દવાઓનું સેવન કરતાં હો તે લઈ લો. જો કે દર્દશામક નશીલી કે અન્ય દવાઓનું સેવન ટાળજો કારણ કે તેમાં આડઅસરો થવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે. ઉદાહરણ તરીકે કોર્ટિકોસ્ટીરોઈડ પુરુષોને દર્દમાંથી રાહત અપાવે છે પરંતુ તે શિશ્નોત્થાનની ક્રિયા મંદ બનાવે છે. હળવા બનો – તમે જ્યારે એકદમ હળવાશ અનુભવતા હો અને સેક્સ માણવા માટેના મૂડમાં હો ત્યારે તમારા સાંધાને લવચિક બનાવવા માટે થોડીક હળવી કસરત કરો.
વોર્મ અપ :- સમાગમ માટેની પૂર્વ તૈયારી ભાગરૂપે સ્નાન કરો અને તેનાથી પણ વધુ બહેતર રીતે તૈયારી કરવી હોય તો તમારા સાથીને પણ બાથરૂમમાં ખેંચી જાવ અને ધીમા પણ અત્યંત ઉત્તેજક ફોરપ્લેની મજા માણો. ઉષ્મા જાળવો :- ઈલેક્ટ્રિક બ્લેન્કેટ અજમાવી જુઓ. તે તમને ચપળ રહેવામાં અને તાજગીભર્યા રહેવામાં મદદ કરશે અથવા તો ગરમ વોટર બેડ પણ અત્યંત ઉપયોગી નીવડે છે. આર્થરાઈટિસથી પિડાતા કેટલાંક લોકોના મતે તેનાથી ઘણી રાહત રહે છે.
સ્પર્શ કરવાનું ક્યારેય ન ભૂલો :- શારીરિક પ્રેમનો અર્થ માત્ર સમાગમ છે તેવું સમજવાની ભૂલ ક્યારેય ન કરતાં. ચુંબનોની લ્હાણી, એકબીજાને બાહુપાશમાં જકડવા, લાડ લડાવવા, પંપાળવું તથા મસાજ સહિત સ્પર્શના માધ્યમથી પ્રેમની અભિવ્યક્તિ કરવાના અનેક ઉપાયો છે.
સ્નિગ્ધતા :- આર્થરાઈટિસથી પિડાતી મહિલાઓ કેટલીક વાર જોગ્રેન્સ સિન્ડ્રોમથી પીડાય છે. આ એક એવો પીડાદાયક અનુભવ છે જેમાં આંખ, મોં તથા યોનિની અંત:ત્વચા શુષ્ક બની જાય છે. આવી મહિલાઓને, જંતુમુક્ત, પાણીમાં સહેલાઈથી ભળી જતી અને યોનિમાં દાખલ કરી શકાય તેવી કે-વાય જેલીના ઉપયોગથી સારો એવો લાભ! કોઈ પણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર દવાની દુકાનમાં ઉપલબ્ધ છે. (પેટ્રોલિયમ જેલી તથા અન્ય તૈલી પદાર્થો ટાળવા- જોઈએ કારણ કે તે જંતુમુક્ત નથી હોતા અને તેના કારણે ચેપ લાગવાની સંભાવનાઓ રહેલી છે.