Columns

હારવાનું કારણ

એક મોટીવેશનલ વર્ગનો ત્રીજો દિવસ હતો. આખા અઠવાડિયાનો કાર્યક્રમ હતો. ત્રીજા દિવસની બપોરે ભોજન બાદનો સમય એકમેક સાથે હળવા મળવા માટે ખાસ આપવામાં આવ્યો હતો. ચાર વાગ્યે ટી બ્રેકમાં ગાર્ડનમાં મળવાનું હતું. ટી બ્રેક થયો. બધા ગાર્ડનમાં ભેગાં થયાં. ચા પાણી બાદ, સર આવ્યા. તેમણે કહ્યું , ‘‘હવે આપણે બધા ગેમ રમીશું.’’ ભાગ લેનાર બધાં ઉત્સાહિત થઈ ગયાં. વિચાર્યું, ગેમ રમવામાં મજા આવશે.  સ્પીકરે ગેમની સમજ આપતાં કહ્યું, ‘‘આ ગેમ એક સરસ સમજ આપશે.’’ બધાએ વિચાર્યું, ટીમ મેનેજમેન્ટ અને લીડરશીપની વાત હશે.

ગેમના રુલ સમજાવતા સર બોલ્યા, ‘‘સૌથી પહેલાં તમારે બધાએ તમે પહેરેલા બુટ, ચંપલ, સેન્ડલ કાઢીને બાજુના રૂમમાં મૂકી દેવાના છે અને પછી સામેના રૂમમાં પડેલા ચંપલોના ઢગલામાંથી કોઈ પણ એક ચંપલ પહેરીને જમણી બાજુના મેદાનનો આંટો મારી અહીં મારી પાસે આવવાનું છે.’’  બધાએ સૂચના પ્રમાણે કર્યું. પોતાનાં જૂતાં ચંપલ બાજુના રૂમમાં કાઢ્યાં અને સામેના રૂમમાં પડેલાં  જૂતાં ચંપલના ઢગલા પાસે ગયા ત્યાં બધાં જૂતાં–ચંપલ કમજોર ફાટેલાં તૂટેલાં હતાં.

છતાં બધાએ તેમાંથી જે મળે તે, જે ફાવે તેવાં શોધીને પહેર્યાં અને જમણી તરફના મેદાન પાસે પહોંચ્યાં. મેદાન આખામાં કાંકરા, પથ્થર, ડાળખા, કાંટા વગેરે હતાં. તૂટેલાં ફાટેલાં ચપ્પલ અને તે પણ પોતાનાં માપનાં નહીં તે પહેરી બધાએ મેદાન તો પસાર કરી લીધું પણ આ બધું શું છે તે જાણવા માટે તેઓ સ્પીકર પાસે પહોંચીને તરત પૂછવા લાગ્યા, ‘‘ આ વળી કેવી ગેમ છે?’ હવે સ્પીકરે કહ્યું, ‘‘ ગેમ અડધી જ થઈ છે. બીજો ભાગ પૂરો કરો પછી સમજાવું છું.

હવે તમારે બધાએ તમારાં પોતાનાં ચંપલ, સેન્ડલ પહેરી લઇ  ડાબી તરફના મેદાનમાં એક આંટો મારી ફરી મારી પાસે આવવાનું છે.’’  જ્યારે બધાં તૂટેલાં ફાટેલાં ચંપલ પહેરી જમણી તરફનું મેદાન પસાર કરી રહ્યાં હતાં ત્યારે સ્પીકર સરે અહીં રૂમમાં બધાંનાં જૂતાંમાં કાંકરા, પથ્થર, કાંટા, ડાળખા નખાવ્યાં હતાં. ચંપલ ,સેન્ડલમાં ઝીણી ખીલીઓ લગાવી દીધી હતી.  હવે બધા આ અંદર તકલીફવાળાં પોતાનાં ચંપલ પહેરી ડાબી તરફના મેદાનમાં ગયાં. મેદાન તો લીલુંછમ ઘાસથી છવાયેલું હતું પણ જૂતામાંનાં, ચંપલમાંના કાંકરા, પથ્થર, ખીલા, કાંટાને લીધે ચાલવું મુશ્કેલ બન્યું હતું.

બધાને પહોંચતા વાર લાગી, જૂતાં ચંપલ કાઢી સાફ કરવા પડ્યાં.  સ્પીકર સરે કહ્યું, ‘‘તમે બધાએ સારા કે ખરાબ કમજોર ચપ્પલથી કાંકરા, કાંટા, પથ્થરવાળો રસ્તો પસાર કરી લીધો પણ જયારે એ કાંટા, પથ્થર, ખીલા તમારાં ચંપલ જૂતામાં હતાં તો લીલાંછમ ઘાસવાલા મેદાનમાં પણ ચાલવું વધુ અઘરું બન્યું. યાદ રાખજો, જીવનમાં બહારના પડકારો તો નહીં, પણ આપણી અંદરની કમજોરીઓ આપણને હરાવે છે. તેને ઓળખી અને દૂર કરવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top