ભરૂચ: આમોદ તાલુકાના ઈટોલા (Etola) ગામે રહેતા ઇમરાન જાદવ પત્ની, માતા અને ત્રણ દીકરી સાથે સરદાર આવાસમાં રહે છે. તેઓ પોતાની અને ગણોતે રાખેલી જમીન ખેડી ગુજરાન ચલાવે છે. પિતા અબ્દુલભાઈને કેન્સર હોવાથી રૂ.૨ લાખ સગાવહાલા પાસેથી લીધા હતા. પિતાનું ૨૦૨૨માં કમભાગ્યે મૃત્યુ (Death) થયા બાદ સંબંધીઓને રૂપિયા ચૂકવવા ગામના જ વ્યાજનો ધંધો કરતા ઇકબાલ ઉર્ફે સમસુ મહંમદ જાદવ પાસેથી નવેમ્બર-૨૦૨૨માં મહિને ૪૦ કમરતોડ ટકાએ વ્યાજે રૂ.૨ લાખ લીધા હતા.
દર મહિને ૮૦ હજાર વ્યાજ આપવા છતાં વ્યાજખોરે ૮ કોરા ચેક લખાવી દીધા હતા. અને મે-૨૦૨૩માં નવું ટ્રેક્ટર પણ જબરજસ્તીથી ગીરો પર લખાવી લઈ ગયો હતો. જે બાદ જુલાઈમાં ઘર પણ ગીરો પેટે વ્યાજખોરે લખાવી લીધું હતું. ખેડૂતે રૂ.૨ લાખ સામે ઇકબાલને કુલ ૮.૭૦ લાખ આપવા છતાં ઉઘરાણી ચાલુ રહેતાં કેરવાડાના ઈમ્તિયાઝભાઈ પાસે રૂ.૨ લાખ લઈ મુદ્દલ ચૂકવી આપવા છતાં વ્યાજની ઉઘરાણી ચાલુ રહેતાં ફોઈની દીકરી ટુંડાવની રિહાના પાસેથી દોઢ લાખ લઈ ચૂકવ્યા હતા. છતાં વ્યાજખોર ખેડૂતના ઘરે આવી ટ્રેક્ટરનો સામાન, પમ્પ, અન્ય સાધનો, ૫ બકરાં મળી રૂ.૯૦ હજારની ચીજવસ્તું ટેમ્પોમાં લઇ ગયો હતો. અંતે ખેડૂતે આમોદ પોલીસમથકે ગુનો નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.
દમણમાં મહિલાઓને દેહ વેપારમાં ધકેલતા બે દલાલની ધરપકડ
દમણ: સંઘપ્રદેશ દમણ પોલીસે દેહ વ્યાપારમાં મહિલાઓને ધકેલતા 2 દલાલની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2 ઓગસ્ટના રોજ પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે, અજાણ્યો કોઈ વ્યક્તિ મહિલાઓને દેહ વ્યાપાર કરવા માટે દબાણ કરે છે. આ પ્રમાણેની જાણકારી મળતાં જ પોલીસે એક ડમી ગ્રાહક સાથે ટીમ બનાવી યુવતીઓને નાની દમણ તીનબત્તી પાસે બોલાવવા દલાલને ફોન કર્યો હતો. જ્યાં મોટર સાયકલ પર એક શખ્સ 2 યુવતીને લઈને આવતા જ પોલીસે આ શખ્સને રંગે હાથ પકડી પાડ્યો હતો.
પોલીસે યુવતીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, બાઈક ઉપર આવેલો વ્યક્તિ તથા અન્ય એક શખ્સ તેના આર્થિક લાભ માટે આ અનૈતિક ધંધામાં ધકેલવા દબાણ કરતા હતા. આ પ્રમાણેનું નિવેદન મહિલાઓ પાસેથી મળતા જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી દલાલ મુર્શિદખાન અને રકીબુલ સિકંદર (બંને રહે. વાપી ગાલા મસાલા, મૂળ વેસ્ટ બંગાળ)ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી તેમની પાસેથી 2 મોબાઈલ અને એક મોટર સાયકલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.