આમ તો ધરતી પર હવે ઘણા અમીરો બની ગયા છે પણ બ્રુનેઈ દેશના સુલતાનની વાત જ કંઈક ઓર છે. બ્રુનેઈના સુલતાનનું (Sultan of Brunei) નામ હસનલ બોલ્કિયા છે. તેમની ગણતરી વિશ્વના સૌથી ધનિક સુલતાનોમાં થાય છે. આ સુલતાન ખૂબ જ વૈભવી જીવન જીવે છે. 1980 સુધી તો આ સુલતાનની ગણતરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિમાં (Rich Man) થતી હતી. લોકો તેમના વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક હતા. હાલમાં હસનલ બોલ્કિયાની સંપત્તિ 14,700 કરોડ રૂપિયાથી વધુ છે. એક રિપોર્ટ અનુસાર, તેમની આવકનો સૌથી મોટો સ્ત્રોત તેલ ભંડાર અને કુદરતી ગેસ છે. બ્રુનેઈના આ સુલતાનની વાર્તા ખૂબ જ અનોખી છે. છે રિયલ પણ કોઈ કાલ્પનિક વાર્તાથી કમ ના લાગે! એક રિપોર્ટ મુજબ, બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા પાસે 7000 લક્ઝરી કાર (Luxury Car) છે, જેમાં 600 રોલ્સ રોયસ અને 300 ફેરારી છે! સુલતાન જે મહેલમાં રહે છે તે સોનાથી જડાયેલો છે!
હસનલ બોલ્કિયાના મહેલ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસની કિંમત અધધધ 2550 કરોડ રૂપિયાથી વધુ છે! આ મહેલમાં 1700થી વધુ રૂમ છે, જ્યારે 257 બાથરૂમ અને પાંચ સ્વિમિંગ પુલ છે. ગાડીઓ રાખવા માટે 110 ગેરેજ ઉપરાંત મહેલમાં 200 ઘોડાઓ માટે વાતાનુકૂલિત તબેલા પણ છે! તાજેતરમાં બ્રુનેઈના સુલતાને પુત્રી પ્રિન્સેસ ફદઝિલ્લાહ લુબાબુલનો લગ્ન સમારંભ યોજ્યો હતો, જે એક અઠવાડિયા સુધી ચાલ્યો હતો! દુનિયાભરમાં લોકોની આંખો ચકાચોંધ થઈ ગઈ હતી!
હસનલ બોલ્કિયાને 12 સંતાનો છે, પ્રિન્સેસ ફદઝિલ્લાહ, તેમનાં 12 બાળકોમાંથી નવમું સંતાન છે. પ્રિન્સેસ ફદઝિલ્લાહ “સ્પોર્ટી પ્રિન્સેસ” તરીકે ઓળખાય છે. લોકલ મીડિયાના અહેવાલ મુજબ, પ્રિન્સેસ ફદઝિલ્લાહએ તેની સાવકી માતાના શાહી સંગ્રહમાંથી સાત દિવસ સુધી અલગ અલગ ઝવેરાત પહેરીને લગ્નની અદભુત ઉજવણી કરી હતી.
36 વર્ષની પ્રિન્સેસ ફદઝિલ્લાહ સુલતાનની બીજી પત્ની હજાહ મરિયમની પુત્રી છે, જેમને તેણે 2003માં છૂટાછેડા આપ્યા હતા. આ દંપતીને એકસાથે ચાર બાળકો હતા, જેમાં 30 વર્ષીય પ્રિન્સ મતીનનો પણ સમાવેશ થાય છે, જે હાલ એક ઇન્સ્ટાગ્રામ સ્ટાર છે. પ્રિન્સ મતીને તેની મોટી બહેનને લગ્નની શુભેચ્છા પાઠવી અને સમારંભની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતું “નવદંપતીને અભિનંદન. હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું. મારી સુંદર બહેનને ઘણો પ્રેમ.
લોકલ હોલા ન્યૂઝ અનુસાર, લગ્ન સુલતાનના સત્તાવાર નિવાસસ્થાન ઈસ્તાના નુરુલ ઈમાનમાં થયા હતા. વિશ્વના આ સૌથી મોટા મહેલમાં બનેલાં બેન્ક્વેટ હોલમાં 5,000થી વધુ લોકો બેસી શકે છે. દેશની ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદમાં પણ લગ્ન સમારોહ યોજાયો હતો. જ્વેલરી વેબસાઈટ ટિયારા મેનિયા અનુસાર, પ્રિન્સેસ ફદઝિલ્લાહે તેનાં લગ્નમાં હીરાનો એક અતિ સુંદર મુગટ પહેર્યો હતો. આ મુગટમાં સૌથી મોટો પિઅર આકારનો હીરો છે જે હૃદયના આકારના હીરા સાથે જોડાયેલો છે. તેના વેડિંગ ડ્રેસને મલેશિયન ડિઝાઈનર બર્નાર્ડ ચંદ્રને ડિઝાઈન કર્યો હતો.
લગ્નના એક દિવસ પછી 23 જાન્યુઆરીના યોજાયેલાં રિસેપ્શન માટે રાજકુમારીએ અન્ય શો-સ્ટોપિંગ મુગટ પસંદ કર્યો હતો, જેમાં 6 નીલમણિ હતાં. જો કે, પ્રિન્સેસે જેની સાથે લગ્ન કર્યા છે એ તેના પતિ અબ્દુલ્લા અલ-હાશ્મી કોઈ જાણીતી હસ્તી નથી! તેવું કહેવાય છે કે, એ કેનેડામાં રહે છે અને એક ઇરાકી પરિવારમાંથી આવે છે.