Comments

અસલી જ્ઞાન

એક દિવસ બે શિષ્યો વચ્ચે ઝઘડો થઇ ગયો કે કોણ વધુ જ્ઞાની છે? કોણ વધુ હોંશિયાર છે? ઝઘડો વધી પડ્યો. વાત હાથાપાઈ પર પહોંચી અને ગુરુજી સુધી પણ… ગુરુજી આવ્યા અને બધી વાત જાણી પછી ગુરુજી બોલ્યા, ‘મારા મતે તો આ ઝઘડો જ ખોટો છે કારણ કે તમે બંને જન જ્ઞાની નથી. તમે માત્ર મારી પાસેથી જ્ઞાન મેળવ્યું છે.’ બંને શિષ્યો એક સાથે બોલી ઊઠ્યા, ‘ગુરુજી, તમે શીખવેલું મને બધું યાદ છે…’ હું બધું જાણું છું…  ‘હું કોઇ પણ કોયડો ઉકેલી શકું છું ’… આવું તો તેમને ઘણું ઘણું કહ્યું પોતાના જ્ઞાનને સાબિત કરવા માટે. બીજા શિષ્યો બોલ્યા, ‘ગુરુજી, તમે જ હવે પરીક્ષા લો અને કહો કોણ વધારે જ્ઞાની છે.’ ગુરુજી બોલ્યા, ‘પરીક્ષા લેવાનો પ્રશ્ન જ નથી. મેં કહ્યું તેમ આ બે જણ અને તમે બધા માત્ર જ્ઞાન મેળવી રહ્યા છો પણ જ્ઞાની નથી.જ્ઞાન મેળવવાથી લઈને જ્ઞાની બનવા સુધી ઘણો લાંબો રસ્તો છે.’

શિષ્યે કહ્યું, ‘ગુરુજી, તમે શીખવાડેલું બધું જ આવડે તે તો જ્ઞાની જ કહેવાય ને? ગુરુજી બોલ્યા, ‘ના, મારી પાસેથી મેળવેલા જ્ઞાનનો સદુપયોગ કરે તે જ્ઞાની કહેવાય.અભિમાન ન કરે તે જ્ઞાની કહેવાય.કોઈ જોડે ઝઘડા ના કરે તે જ્ઞાની કહેવાય.અન્યને પોતાના જ્ઞાનથી મદદરૂપ થાય તે જ્ઞાની કહેવાય.તમે તો અભિમાન કર્યું અને ઝઘડા પણ કર્યા એટલે તમે જ્ઞાની તો બિલકુલ નથી અને આ બધું જ જાણવું તે અસલી જ્ઞાન નથી.અસલી જ્ઞાન તો કૈંક અલગ જ છે.’ બે ઝઘડો કરનાર શિષ્યો તો શરમના માર્યા નીચું જોઈ ગયા અને કંઈ બોલી ન શક્યા પણ બીજા એક શિષ્યે કહ્યું, ‘તો ગુરુજી, અસલી જ્ઞાન કોને કહેવાય?’

ગુરુજી બોલ્યા, ‘મારું શીખવાડેલું બધાને આવડે અને યાદ રહે તે જ્ઞાન મેળવ્યું કહેવાય.તેની પર ચિંતન અને મનન કરી તેનો સદુપયોગ કરો તો જ્ઞાની બનો અને બધું જ્ઞાન મેળવી તેની મદદથી બીજાની પીડા જાણો અને તેને દૂર કરો.બીજાના મનની વાત કહ્યા વિના સમજી જાવ. તેના મનના સારા ખરાબ ભાવ ઓળખી જાવ તો પ્રખર બુદ્ધિમાન જ્ઞાની કહેવાવ.પણ જયારે તમે પોતે પોતાની જાતને ઓળખી જાવ,તમને શું આવડે છે અને શું નથી આવડતું તે સમજી જાવ,પોતાના મનને સમજી શકો અને મનને સમજાવી પણ શકો ત્યારે તમે અસલી જ્ઞાની બનો છો.માટે આ ઝઘડા છોડો અને આગળ વધો.’ ગુરુજીએ અણમોલ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top