સુરત: (Surat) શહેરમાં એક સમયે રીયલ એસ્ટેટ (Real Estate) ટોપ પર હતુ પરંતુ નોટબંધી અને જીએસટીના પ્રહાર બાદ રીઅલ એસ્ટેટની તેજીમાં બ્રેક લાગી ગઇ હતી દરમિયાન કોરોનાકાળ આવી જતા તો બિલ્ડરો માટે જાણે ઓટનો સમય શરૂ થઇ ગયો હોય તેમ મનપામાં આવતી પ્લાન પાસની ફાઇલો એકદમ ઘટી ગઇ હતી. એક સમય તો એવો પણ આવ્યો હતો કે પેઇડ એફએસઆઇનો કોઇ લેવાલ નહોતો અને બિલ્ડરોના (Builders) પેઇડ એફએસઆઇના (Paid FSI) ચેક પણ રીર્ટન થવા માંડયા હતા. જો કે હવે કોરોનાની વિદાય સાથે જ ધીમે ધીમે તમામ ઉધોગ ધંધાઓ પાટે ચડી રહયા છે. તેની જેમ શહેરમાં રીયલ એસ્ટેટમાં પણ તેજીનો ચમકારો જોવા મળી રહયો છે. જેની પ્રતિતિ મનપામાં વર્ષ 2020-21માં મંજુર થયેલા પ્લાન અને પેઇડ એફએસઆઇની આવકથી થઇ રહી છે. મનપાના સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ વર્ષ 2020-21 માં શહેરમાં 362 પ્રોજેક્ટોની ફાઈલ મંજુર થઈ હતી અને મનપાને પેઈડ એફ.એસ.આઈની રૂા. 175 કરોડની આવક થઈ હતી જેની સરખામણીએ વર્ષ 2021-22માં શહેરમાં 548 પ્રોજેક્ટની ફાઈલ મંજુર થઈ અને પેઈડ એફ.એસ.આઈ.ની આવક રૂા. 513 કરોડ થઈ છે.
- કોરોનાની વિદાય સાથે જ શહેરના રીયલ એસ્ટેટમાં તેજીના સંકેત : સુરત મનપાની પેઈડ એફ.એસ.આઈની 500 કરોડને પાર કરી ગઇ
- કોરોના પહેલાથી જ મંદીના પગલે પેઇડ એફએસઆઇની આવક અએકદમ ઘટી ગઇ હતી આ વરસે પેઇડ એફએસઆઇની આવકમાં મોટો વધારો નોંધાયો
- ગત વર્ષ 362 પ્રોજેકટની સરખામણીએ વર્ષ 2021-22માં શહેરમાં 548 પ્રોજેકટ મંજુર થતા ફરી શહેરમાં રીયલ એસ્ટેટમાં ગતી આવી રહી હોવાની પ્રતિતિ
હદ વિસ્તરણ બાદ મનપાની હદમાં આવી ગયેલા ડેવલોપ થતા વિસ્તારો મનપાને ફળ્યા
સુરત મનપા માટે હદ વિસ્તરણ એક બાજુ વધારાના બોજ જેવુ છે કેમકે ત્યા સુવિધાઓ આપવામાં કરોડો રૂપીયા ખર્ચાશે જયાર ટેક્ષની આવકમાં ખાસ કોઇ વધારો થવાનો નથી જો કે પેઇડ એફએસઆઇની આવકમાં નવા વિસ્તારો મનપાને ફળ્યા છે. વર્ષ 2020 જુન માસમાં સુરત મહાનગરપાલિકાનું હદવિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 27 ગામો અને 2 નગરપાલિકાનો સમાવેશ સુરત મનપામાં કરવામાં આવ્યો હતો. નવા વિસ્તારોનો મનપામાં સમાવેશ થતા જ આ વિસ્તારોમાં જમીનના ભાવમાં પણ વધારો થયો છે અને ઘણા નવા પ્રોજેક્ટો અહી સાકાર થઈ રહ્યા છે સાથે સાથે ડ્રીમસીટીના ડેવલપમેન્ટથી વેસુ, ભીમરાડ વિસ્તારોમાં પણ ભવિષ્યમાં ઘણા પ્રોજેક્ટો સાકાર થવાના છે.