Charchapatra

રીડર્સ ડાઈજેસ્ટ

નેશનલ જીયોગ્રાફિક, વોગ, ફોર્ચ્યુન 500, ટાઈમ, વોલ સ્ટ્રીટ જનરલ, ધ ગાર્ડિયન, ધ સન, ફોર્બ્સ જેવાં વિશ્વપ્રસિદ્ધ સામયિકો પૈકી રીડર્સ ડાઈજેસ્ટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં શતાબ્દી ઉજવી છે. ન્યુ યોર્કના રહેવાસી દ વીટ અને લીલા હચિસનએ ૧૯૨૨ માં તેની શરૂઆત કરી હતી. પ્રત્યેક સામયિક ૬૪ પાનાંનું રહેતું હતું, જે ૧૯૩૩ માં ૧૨૮ પાનાં સુધી પહોંચ્યું હતું. ૧૯૩૮ માં તે યુ.કે.માં લોન્ચ થાય છે. ત્રણ દાયકા બાદ ૧૯૫૪ માં સૌ પ્રથમ વાર ભારતીયો આ સામયિકનાં દર્શન કરે છે. તેને ભારતમાં લાવનાર શશી થરૂરના પિતા પરમેશ્વર થરૂર હતાં. તેનું છાપકામ ઇંગ્લેન્ડમાં થાય છે અને તે ભારત આવે છે જેનું મૂલ્ય ૧.૫૦ રૂ. હોય છે. આજે તેની કિંમત ૧૦૦ રૂ. છે. ૨૦ રૂ.માં તે મળતું હતું ત્યારે, લગભગ ૧૯૮૪-૮૫ માં, મેં વાંચવાની શરૂઆત કરી હતી.

રીડર્સ ડાઈજેસ્ટ અનેક ફીચર્સ મઢ્યું આવે છે જેમ કે કવર સ્ટોરી, હેલ્થ, ડ્રામા ઇન રીયલ લાઈફ, બોનસ રીડ, વકેબલરી, જૌક્સ. મેગેઝીનનાં પ્રત્યેક પાને માહિતીનો મહેરામણ ઉછળતો હોય છે. વાચકે ખર્ચેલ પ્રત્યેક પૈસો વસુલ થઇ જાય છે. સામાન્ય જ્ઞાન વધવાની ૧૦૦% ખાતરી. દેશ-વિદેશનો પ્રવાસ કર્યા વિના પુષ્કળ માહિતી ઘરે બેઠા મળી જાય છે. અંગ્રેજી પર પ્રભુત્વ આવે અને શબ્દભંડોળનો ગુણાકાર થાય છે. જૌક્સ એવા હોય કે એકાદમાં તો ખડખડાટ હસી જ પડાય. પોઈન્ટ્સ ટુ પૌન્ડર અને ક્વૌટેબલ ક્વૌટ્સમાં જગવિખ્યાત હસ્તીઓના વિચારો જાણવા મળે. ડ્રામા ઇન રીયલ લાઈફ વિભાગમાં કોઈ વ્યક્તિ કે પરિવાર કોઈ ભયાનક પરિસ્થિતિમાં ફસી ગઈ હોય અને ચમત્કારિક રીતે બહાર આવી હોય તેનો વિગતે લેખ હોય છે જેમાંથી અનેક નવા શબ્દો શીખવા મળે છે. વાચકોને એ ય જાણ થાય છે કે આ પ્રકારનાં નામો રશન જ હોય કે આવું નામ ગ્રીક વ્યક્તિનું જ હોય યા ફ્રેંચ હોય. આર્મી, નેવી, એરફોર્સ, મેડીકલ સાયંસ, બોટની, ઝુઓલજી, મૈનિયા, ફૌબિયા ઈ.ના અનેક શબ્દો આ સામયિકે શીખવ્યા છે. જૂજ સામયિકો એવાં હોય છે જેની પાછળ કરાતો ખર્ચ રોકાણ બની રહે છે અને વ્યક્તિને લાભાલાભ કરાવી દે છે. ઉપર જણાવેલ તમામ સામયિકો શ્રેષ્ઠ જ છે, પરંતુ રીડર્સ ડાઈજેસ્ટની વાત જ નિરાળી. તે સૌને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. અન્ય સામયિકો અમુક પ્રકારનાં વાચકોને જ ખેંચી શકે છે. રીડર્સ ડાયજેસ્ટ સૌને આકર્ષવાનો જાદુ ધરાવે છે.
બારડોલી          – વિરલ વ્યાસ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top