રાઈટ ટુ સર્વિસ – હક્ક અનુસાર ભારતીયોને સરકારો પાસેથી જુદી જુદી સેવાઓ જેમાં પરવાના, દાખલા, આદેશો વિગેરે મેળવવાનો અધિકાર છે. આ અધિકાર સમયમર્યાદામાં અને ભ્રષ્ટાચાર રહિત રીતે સેવા મેળવવાને માન્ય રાખે છે. જે અંતર્ગત સને ૧૯૯૭ માં સિટીઝન ચાર્ટર મૂકવામાં આવ્યા. જેમાં નિયત સેવા મેળવવાની કાર્યપધ્ધતિ સાથે ફી અને સમયમર્યાદા લખવામાં આવતી. જેના બોર્ડ જુદી જુદી જાહેર કચેરીઓમાં આજે પણ જૂનાં થયેલી સ્થિતિમાં મૂકાયેલા જોવા મળી શકે છે.
સરકારોએ સમર્પિત કાનૂની માળખા રચવાના શરૂ કર્યા. જેના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાત (રાઈટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસિસ) એક્ટ, ૨૦૧૩ની રચના કરી. કાયદા મુજબ સરકારી સેવાઓની સમયમર્યાદા અને તેના ઉલ્લંઘન બદલ ફરિયાદ કરવાની તથા જવાબદાર અધિકારી ઉપર આર્થિક દંડની પણ જોગવાઈઓ લાગું કરવામાં આવી. જે અંતર્ગત વર્તમાનમાં ૧૯થી વધુ સરકારી વિભાગોમાં અપાતી સેવાઓની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે.
વધુ માહિતી આ સરકારી વેબસાઇટ https://artd.gujarat.gov.in/rcps-act ઉપર ઉપલબ્ધ છે. આજે વેરાબિલમાં નામ ટ્રાન્સફરથી લઈને આવકના દાખલા જેવા જુદા જુદા પ્રમાણપત્રો કાઢી આપવા વિગેરે બાબતો માટે આ કાયદો અમલમાં છે. આપણા લોકો પાસે આ કાયદા અંગે જાગૃતિ નથી. તેથી વિનંતી કે લોકો આ કાયદાથી જાગૃત થાય અને પોતાના હક્કો સમય મર્યાદામાં અને લાંચ-રૂશ્વત આપ્યા વિના મેળવે. લોકશાહી શાસનમાં પોતાના હક્કોથી જાગૃત નાગરિક જ ઉમદા વોટર બને છે. બાકી આંધળી ભેડચાલ ખતરનાક છે.
સુરત – મોહમ્મદ સાબીર ગાડીવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
