સુરત: સચિન-હજીરાના હાઈવે નં.53 ઉપર ગભેણી નજીક ઉન-ખાડીના બ્રિજ પર RCCનાં બેરિકેડને લીધે થતાં ટ્રાફિક જામ મુદ્દે હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવ્યા પછી શુક્રવારે બેરિકેડ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેના લીધે સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો, નજીકનાં ગામોના લોકો અને અહીંથી પસાર થતા લોકોને કલાકોના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી છે.
એક મહિના અગાઉ જ બ્રિજ રિપેર થઈ ગયો હોવા છતાં કેમ વાહન વ્યવહાર ચાલી રહ્યો નથી એની સ્થળ તપાસ કરવા સચિન ઇન્ડ. સોસાયટીના માજી ઉપપ્રમુખ મયૂર ગોળવાલા, નિલેશ ગામી, ભાજપના અગ્રણી ભીખુભાઇ પટેલ પહોંચ્યા હતા. કોન્ટ્રાક્ટર બ્રિજ રિપેર કરી બેરિકેડ કાઢ્યા વિના જતો રહેતાં આ સમસ્યા ઊભી થઈ હતી. હાઇવે ઓથોરિટીના અધિકારી અને ટોલનાકાના અધિકારીએ સ્થળ પર આવી બેરિકેડ હટાવવા વિભાગ પાસે મંજૂરી માંગી આજે RCCના સ્થાયી બેરિકેડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
ચેમ્બરની વિવનીટ કમિટીના ચેરમેન અને જીઆઇડીસીના અગ્રણી મયૂર ગોળવાલાએ જણાવ્યું હતું કે, સચિન-હજીરા નેશનલ હાઈવે નં.53ના ગભેણી નજીક આવેલી ઉન ખાડી ઉપર રિપેરિંગનું કામ થયું હતું. જેના કારણે રિપેરિંગ થયેલા કામની મજબૂતાઈ જળવાઈ રહે એ માટે હાઈવે ઓથોરિટીએ થોડોક સમય આરસીસી બેરિકેડ મૂકી રક્ષણ ઊભું કર્યુ હતું. પણ લાંબો સમય વિતવા છતાં આ બેરિકેડ નહીં હટતાં ઉન ખાડીનો રસ્તો સાંકડો થઈ જતાં દરેક નાનાં-મોટાં અને ભારે તથા મધ્યમ વાહનોની સ્પીડ ધીમી થઈ જતાં ધીમે ધીમે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી.
600 મીટરનો જંક્શનનો રસ્તો કાપવા પિક અવર્સમાં સવારે અને સાંજે બે-બે કલાક લાગતા હતા. ખાસ કરીને પિક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા એવી તો વકરતી હતી કે ઉન ખાડીથી સચિન જીઆઈડીસી ગેટ નં.2 સુધીનો અંદાજે 600 મીટરનો રસ્તો પાર પાડવામાં વાહનચાલકોનો સમય, શ્રમ અને ઇંધણ વેડફાતું હતું. સચિન જીઆઈડીસી-પલસાણા-હોજીવાલા-ડાયમંડ પાર્ક તેમજ બીજા સામાન્ય વાહનચાલકોની દયનીય સ્થિતિને જોઈ હાઈવે ઓથોરિટીના મુખ્ય પ્રતિનિધિ રાજશેખર તિવારીને પરિસ્થિતિથી વાકેફ કરી આર.સી.સી. બેરિકેડ હટાવવા રજૂઆત કરી હતી. રજૂઆતના આધારે હાઈવે ઓથોરિટીએ શુક્રવારે બેરિકેડ હટાવી રસ્તો ક્લીયર કરી દીધો હતો.
કતારગામ ઝોનમાં દોઢ વર્ષથી દબાણોમાં સાંકડો બનેલો રસ્તો આખરે ખુલ્લો કરાયો
સુરત: કતારગામ ઝોનમાં હેલ્થ સેન્ટરથી અંબિકાનગર અને ગાયત્રીનગર તરફ જતા 40 ફૂટ પહોળાઈ ધરાવતા અંબિકાનગર મેઇન રોડ પર માર્જીનમાં આવતી 10 દુકાનનું તેમજ દુકાનોના ઓટલા-છજા વગેરેનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આશરે દોઢ દાયકાથી અહીં રસ્તો કવર કરી પાકાં દબાણો થયા હોવાથી સ્થાનિક રહેવાસીઓને હાલાકી પડતી હતી. ડિમોલિશનમાં કોઇ વિવાદ ના થાય એ માટે સ્થાનિક નગરસેવકો દક્ષેશ માવાણી અને જયશ્રી વરિયા સતત હાજર રહ્યાં હતાં અને લોકો સાથે સમજાવટથી કામ લઇ ડિમોલિશન પાર પડાવ્યું હતું.
વિસ્તૃત વિગતો મુજબ કતારગામ ઝોનમાં ફા.ટી.પી.સ્કીમ નં.૩ (કતારગામ)માં કતારગામ હેલ્થ સેન્ટરથી અંબિકાનગર અને ગાયત્રીનગર તરફ જતા 40 ફૂટ પહોળાઈ ધરાવતા રસ્તા ઉપર તેમજ સોસાયટીનાં માર્જીનવાળા ભાગમાં 55 જેટલી દુકાનના દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે પતરાના શેડ, કાચી-પાકી દુકાન તથા ઓટલા દૂર કરવા કતારગામ ઝોનના અધિકારીઓની ટીમે ઓપરેશન હાથ ધરી અંદાજિત 2400 ચો.ફૂટ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. જેનાથી રસ્તા પરથી અવરજવર કરનારી જાહેર જનતા તેમજ આજુબાજુની સોસાયટીના રહેવાસીઓને થતી ટ્રાફિકની સમસ્યાનું દોઢ દાયકા બાદ નિરાકરણ આવ્યું હતું.