રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટીમ, જે અત્યાર સુધીમાં ઘણા ટોચના ખેલાડીઓની હાજરી હોવા છતાં પણ ખિતાબથી વંચિત રહી છે, જરૂરી સંતુલન કરીને આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ચેમ્પિયન બનવાનો ઇંતેજાર ખતમ કરવાની ટીમની ઈચ્છા છે. કેટલાક નવા ખેલાડીઓના ઉમેરા સાથે વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમમાં એબી ડી વિલિયર્સ જેવા દિગ્ગજ બેટ્સમેનો પણ છે પરંતુ ટીમે આ બંને પર વધારે પડતો આધાર રાખ્યો હતો અને ટીમ ક્યારેય સંતુલન જાળવવામાં સફળ રહી નહોતી.
હવે, ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ અને ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસન જેવા ખેલાડીઓના ઉમેરા સાથે, ટીમ જરૂરી સંતુલનને મેળવવાની સ્થિતિમાં છે. આરસીબીએ છેલ્લી વખત યુએઈમાં સારી શરૂઆત કરી હતી પરંતુ આખરે તેને ચાહકોને નિરાશ કર્યા હતા અને સતત પાંચ મેચ હાર્યા બાદ એલિમિનેટરમાં બહાર થઈ ગઇ હતી. આ વખતે ટીમ મેનેજમેન્ટે હરાજી પહેલા 10 ખેલાડીઓને મુક્ત કરીને તેમની બેટિંગ અને બોલિંગને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આરસીબીની બેટિંગ મજબૂત છે
આરસીબીની બેટિંગ ખૂબ જ મજબુત લાગે છે. આઈપીએલમાં રન મશીન કોહલીનો મોટો રેકોર્ડ છે. કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઇનિંગની શરૂઆત કરશે. તેની સાથે બીજા છેડે દેવદત્ત પેડિકલ પણ હશે જેણે છેલ્લી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે હજુ પણ ઉત્તમ ફોર્મમાં છે. ટોચના ક્રમમાં યુવા વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન અને ન્યુઝીલેન્ડનો ફિન એલન ઝડપી રન બનાવવામાં સક્ષમ છે જ્યારે ડી વિલિયર્સ અને મેક્સવેલ જેવા અનુભવી ખેલાડીઓ મધ્યમ ક્રમ સંભાળશે. સચિન બેબી, ડેનિયલ ક્રિશ્ચિયન અને વોશિંગ્ટન સુંદર તેમની બેટિંગને મજબૂત બનાવે છે.
સ્પિન બોલિંગ એક્સ ફેક્ટર
આરસીબીની મજબૂત પક્ષ તેની સ્પિન બોલિંગ પણ છે. તેણે ચેન્નાઈ અને અમદાવાદના સ્પિનરો માટે વિકેટ પર તેની મોટાભાગની મેચ રમવાની છે અને આઈપીએલમાં હંમેશા સફળ રહેનાર યુઝવેન્દ્ર ચહલ તેમના માટે ટ્રમ્પ કાર્ડ રહેશે. વોશિંગ્ટન સુંદર પાવરપ્લેમાં ફરીથી મોટી જવાબદારી લઈ શકે છે. મેક્સવેલ સ્પિન વિભાગમાં સારો વિકલ્પ છે જ્યારે એડમ જંપાને જરૂર પડે તો તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે.
ફાસ્ટ બોલિંગ ટીમની નબળાઇ
જેમીસન ટીમમાં જોડાવા છતાં આરસીબીનો ફાસ્ટ બોલર વિભાગ હંમેશા નબળો જણાય છે. નવદીપ સૈની અને મોહમ્મદ સિરાજને સફેદ દડાથી બોલિંગ કરવાનો બહુ ઓછો અનુભવ હોય છે અને ઘણી વખત રન આપી દેતા હોય છે. જેમીસન ટી -20 માં પણ સંઘર્ષ કરી ચૂક્યો છે અને તેને ભારતમાં રમવાનો અનુભવ નથી. ફાસ્ટ બોલિંગ વિભાગમાં હર્ષલ પટેલ અને ઓસ્ટ્રેલિયન ત્રણેય ક્રિશ્ચિયન, ડેનિયલ સેમ્સ અને કેન રિચાર્ડસન અન્ય વિકલ્પો છે.
ડિવિલિયર્સ અને મેક્સવેલ પર નજર
આવી સ્થિતિમાં આરસીબીના બેટ્સમેનોએ વધુ જવાબદારી ઉઠાવવી પડશે. તેની પાસે ડી વિલિયર્સ અને મેક્સવેલ જેવા ‘મોટા હિટર્સ’ છે. બધાની નજર મેક્સવેલના ફોર્મ પર રહેશે. જો તે કોહલી અને ડી વિલિયર્સની સાથે મળીને પોતાનું સંપૂર્ણ યોગદાન આપે છે, તો આ ત્રણેય કોઈપણ ટીમ માટે સૌથી મોટો ખતરો બની જશે.