SURAT

એક યુવકે આપઘાત કર્યો અને સુરત RTOમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો

સુરત : સુરત આરટીઓ કચેરીમાં એજન્ટો ધારે તે ગોરખધંધા કરી શકે છે. ક્રાઇમ બ્રાન્ચે સુરત આરટીઓની પોલ ખોલી નાંખી છે. તેમાં આરટીઓમાં સ્માર્ટ કાર્ડ અને ડેટા ચોરીને તેને બારોબાર જે તે વ્યકિતના નામે ચઢાવીને ફાયનાન્સ કંપનીઓ સાથે ચાલતો ગોરખધંધો ક્રાઇમ બ્રાન્ચે ઉઘાડો પાડયો છે.

તેમાં બેંકો અને ફાયનાન્સ કંપનીઓએ લોન નહી ભરનાર જે તે વાહનમાલિકોની જાણ બહાર તે ગાડીની મૂળ માલિકની બીજી આરસી બુક બનાવીને તેને બેંક જે તે વ્યકિતને વેચી મારતી હતી. બેંકો તથા ફાયનાન્સ કંપનીઓના આ ગોરખધંથાને સાકાર કરનારા બે ચીટરોને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

ડુપ્લીકેટ આરસીબુક બનાવીને ક્રાઇમ બ્રાન્ચે આ ફ્રોડ કૌભાંડ કરનાર (1) અંકિતભાઇ નરેશભાઇ વઘાસીયા, ઉ. વર્ષ 36 રહેવાસી ડભોલીગામ (2) જીતેન્દ્ર બાબુભાઇ પટેલ ઉ. વર્ષ 60 રહેવાસી ગોટાલાવાડી સામે ગુનો દાખલ કર્યો છે. આ મામલે આરટીઓએ જાતે ફરિયાદ દાખલ કરાવી હોવાની વિગત જાણવા મળી છે.

3 બહેન વચ્ચેના એક ભાઇના આપઘાતે આરટીઓના ચીટરો અને ફાયનાન્સ કંપનીઓની પોલ ખૂલ્લી કરી દીધી
ગઇ તા. 27 જુલાઇના રોજ સ્વેગીમાં કામ કરતા યુવાન કુંજલે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી ઝંપલાવીને મોતને વ્હાલુ કરી દીધું હતું. પાર્સલની ડિલિવરી માટે તેણે એક્ટિવા લોન ઉપર લીધી હતી. જો કે, આ લોન જ તેના આપઘાતનું કારણ બનશે તે કોઇ જાણતું ન હતું. કુંજલે તેની સ્યૂસાઇડમાં લખ્યું છે તે પ્રમાણે તેનો એક જ લોનનો હપ્તો બાઉન્સ થયો છે અને એલ એન્ડ ટી ફાયનાન્સના માણસો તેને રંજાડી રહ્યા છે. આ રંજાડ તે સહન કરી શકે તેમ નથી. તેથી પોતે મોતને વ્હાલુ કરી રહ્યો છે. આ સ્યુસાઇડ નોટ બાદ ક્રાઇમબ્રાન્ચ હરકતમાં આવી હતી.

કુંજલની ગાડી અન્ય વ્યકિતના નામે ચઢી ગઇ હતી
ક્રાઇમ બ્રાન્ચે જયારે એલએન્ડટી ફાયનાન્સ કંપનીમાં તપાસ કરીતો માલૂમ પડયુકે કુંજલની ગાડી અન્ય કોઇ વ્યકિતના નામે ચઢી ગઇ છે. કુંજલના પિતાએ જણાવ્યુંકે તેઓ તો હપ્તા ભરી રહ્યા છે. આરસી બુક તેમની પાસે છે. તેથી આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.

કેવી રીતે કરાય છે લોન નહીં ભરાયેલી ગાડીઓ અન્ય નામે ટ્રાન્સફર

  • જો વાહન ખરીદનાર કોઇ એજન્ટનો હપ્તો બાઉન્સ થાય તો ફાયનાન્સ કંપનીઓ તેમના ગુંડાઓ ઘરે મોકલે છે
  • આ ગુંડાઓ બાદમાં આ ગાડી જપ્ત કરીને ફાયનાન્સ કંપની કે બેંકને પરત કરી દે છે.
  • ત્યારબાદ આ ફાયનાન્સ કંપનીઓ કાયદાકીય રીતે જે તે વાહનમાલિકની પરમીશન વગર તે નામ તબદીલ કરી શકતી નથી.
  • હવે જે તે વાહનની આરસી બૂક તે મૂળ વાહનમાલિક પાસે હોય છે.
  • તેથી વાહનમાલિકની પરમીશન વગરજ બીજી આરસી બુક બનાવવા માટે આરટીઓના ટાઉટોનો સંપર્ક કરવામાં આવે છે.
  • આ રીતે આખો ગોરધંધો ફાયનાન્સ કંપનીઓ મૂલ માલિકની પરમીશન વગર વાહન અન્યોને વેચવા માટે આ ગોરખધંધો આચરતા હતા

કેવી રીતે અંકિત અને જીતેન્દ્ર પટેલે આ ચિટીંગ કર્યુ

  • આરટીઓમાં અંકિત તે અગાઉ જમા થયેલી આરસીબૂક તે રેકોર્ડ ખાતામાંથી જમા કરી લેતો હતો.
  • આ જૂની આરસી બૂક કે સ્માર્ટ કાર્ડ ચોરી કરીને અંકિત તે જીતુ પટેલને આપી દેતો હતો.
  • જે તે વાહન માલિકના નામ સરનામા કેમિકલથી ભૂંસી નાંખવામાં આવતા હતા
  • ત્યારબાદ જે તે વાહનમાલિકની ગાડી જપ્ત થઇ હોય તેનું નામની આરસી બુક બનાવવામાં આવતી હતી.
  • મૂળ વાહનમાલિકની પરમીશન વગર આ આરસી બુક ફાયનાન્સ કંપનીઓ કે બેંક બનાવી શકે નહી.
  • આ કાયદાનુ ઉલ્લંઘન કરવા માટે આરસીબુક અને સ્માર્ટ કાર્ડની ચોરી કરવામાં આવતી હતી.
  • તેના પર જપ્ત કરાયેલા વાહનના માલિકનુ નામ પુન: પ્રીન્ટીંગ મશીનથી અંકિત કરવામાં આવતું હતું.
  • બાદમાં આ ગાડી તે મૂળ માલિકની પરમીશન વગર અન્ય માલિકોને વેચી મારવામાં આવતી હતી.

ફાયનાન્સ કંપનીઓ અને બેંકોએ હજારો વાહનોમાં ગોબાચારી કરી હોવાની આશંકા
ક્રાઇમ બ્રાન્ચે તેની તપાસમાં અંકિત અને જીતુ પટેલને ત્યાંથી 370 આરસી બુક, સ્માર્ટ કાર્ડ, પ્રીન્ટર મશીન તથા સરકારી સ્ટેમ્પ પેપર બે મોબાઇલ સહિત કુલ્લે એક લાખની મત્તા સીઝ કરી છે. આ લોકોએ સંખ્યાબંધ લોકોના વાહનોની બારોબાર મૂળ માલિકની પરમીશન વગર આરસી બુક બનાવીને તેને ફાયનાન્સ કંપનીઓને આપી છે. આ ફાયનાન્સ કંપનીઓએ આ આરસી બુકને આધારે અન્યોને વાહનો વેચી માર્યા હોવાનુ કૌભાંડ પકડાયુ છે.

Most Popular

To Top