Editorial

ડોલર સામે રૂપિયાને નબળો થતો અટકાવવા આરબીઆઇએ ત્વરીત પગલા લેવા પડશે

યુએસ ડોલર ઇન્ડેક્સ 111ની સપાટી ક્રોસ કરી આગળ વધી રહ્યો છે. યુએસ બોન્ડ યીલ્ડ પણ બે વર્ષમાં 4.1 ટકા વધી છે. જેના પગલે રૂપિયામાં એક પછી એક કડાકા બોલાઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા રૂપિયો ડોલર સામે 81.23ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. 10 વર્ષના યુએસ ટ્રેઝરી બોન્ડમાં રાતોરાત 3.70 ટકાનો વધારો થયો છે. આ સાથે 2 વર્ષની યિલ્ડ 4.16 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે.ગુરુવારની સરખામણીએ રૂપિયામાં 41 પૈસાનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. રૂપિયો પ્રતિ ડોલર 81.30ના સ્તરે આવી ગયો છે અને આના કારણે કરન્સી માર્કેટના નિષ્ણાતોથી લઈને આયાતકારો અને વેપારીઓમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.

ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો અને યુક્રેનમાં જિયો-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ડોલર ઈન્ડેક્સ સતત મજબૂત બની રહ્યો છે.અગાઉથી ફુગાવાની અસરનો સામનો કરતાં ભારત પર રૂપિયામાં ઘટાડો મોંઘવારીમાં પડતા પર પાટા સમાન અસર કરશે. સ્થાનિક શેરબજારનું સ્થિર વલણ, રોકાણકારોની રિસ્ક લેવાની ક્ષમતાનો અભાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર રૂપિયા પર પડી છે. રૂપિયાની નબળાઈને કારણે સામાન્ય માણસની મુશ્કેલી પણ વધવાની છે.

ભારત તેની ઘણી જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. ભારતની આયાત-નિકાસ માત્ર યુએસ ડોલરમાં થાય છે, તેથી બહારના દેશોમાંથી કંઈપણ ખરીદવા માટે આપણે વધુ રૂપિયા ખર્ચવા પડશે. ભારત જરૂરિયાતના લગભગ 80 ટકા ક્રૂડ તેલ અને કોલસાની આયાત કરે છે.યુક્રેન સંકટ બાદ ક્રૂડ ઓઈલ મોંઘુ થઈ ગયું છે, જેના કારણે આયાત મોંઘી થઈ છે અને વેપાર ખાધ વધી ગઈ છે. નબળો રૂપિયો આયાત ખર્ચમાં વધારો કરશે. સ્થાનિક ઉત્પાદન અને જીડીપીને નુકસાન પહોંચાડશે. બપોરે 2.39 વાગ્યે રૂપિયો ડોલર સામે 80.94 પર ટ્રેડેડ હતો. જે ગઈકાલના બંધ સામે 8 પૈસાનો ઘટાડો દર્શાવે છે.આયાત પર નિર્ભર ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ વધવાની ભીતિ છે.

આરબીઆઈ દખલગીરી કરી રૂપિયાને વધુ તૂટતાં અટકાવવા કેવા પગલાં લે છે હવે તેના પર સમગ્ર અસરનો મદાર રહેશે.ચલણની વધ-ઘટ માટે ઘણાં કારણો છે. ડોલરની સરખામણીમાં અન્ય કોઈપણ ચલણનું મૂલ્ય ઘટે છે તો એને ચલણનું નબળું પડવું કહેવાય છે. અંગ્રેજીમાં તેને કરન્સી ડેપ્રિશિયેશન તરીકે ઓળખવામાં આવે છે. દરેક દેશ પાસે વિદેશી હૂંડિયામણનો ભંડાર છે, જેમાંથી તે આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરે છે. વિદેશી હૂંડિયામણમાં ઘટાડો અને વધારો એ દેશના ચલણની ગતિ નક્કી કરે છે.

જો ભારતના વિદેશી હૂંડિયામણના ભંડારમાં ડોલર એ અમેરિકાના રૂપિયાના ભંડાર સમાન હોય તો રૂપિયાનું મૂલ્ય સ્થિર રહેશે. જોકે આપણા દેશમાં ડોલરમાં ઘટાડો થતાં રૂપિયો નબળો પડે છે અને વધારો થતાં રૂપિયો મજબૂત બને છે. ડોલરની સામે રૂપિયો નબળો પડતાં ક્રૂડ ઓઈલની આયાત મોંઘી થશે, જેનાથી મોંઘવારી વધશે. દેશમાં શાકભાજી અને ખાદ્યપદાર્થો પણ મોંઘાં થશે. બીજી તરફ ભારતીયોએ ડોલરમાં પેમેન્ટ કરવું પડશે, એટલે કે વિદેશપ્રવાસ અને અભ્યાસ કરવો મોંઘો થશે. જ્યારે નિકાસકારોને ફાયદો થશે, કારણ કે પેમેન્ટ ડોલરમાં થશે, જેને તેઓ રૂપિયામાં કન્વર્ટ કરીને વધુ કમાણી કરી શકશે. એનાથી વિદેશમાં માલ વેચતી IT અને ફાર્મા કંપનીઓને ફાયદો થશે.

રૂપિયો નબળો પડવાની સૌથી ગંભીર અસર ઇંધણ અને ખાદ્યતેલ ઉપર થશે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ફ્યુઅલ વાપરનારો દેશ છે. જે અપણને 80 ટકા આયાત દ્વારા મળે છે. હવે સરકારી તેલ કંપનીઓ (ઓઈલ માર્કેટિંગ કંપનીઓ) ડોલરમાં ચૂકવણી કરીને ક્રૂડ ઓઈલ ખરીદે છે. જો રૂપિયા સામે ડોલર મોંઘો થશે અને રૂપિયામાં ઘટાડો થશે તો સરકારી ઓઈલ કંપનીઓએ ક્રૂડ ખરીદવા માટે વધુ ડોલર ચૂકવવા પડશે. આનાથી આયાત મોંઘી થશે અને સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલની વધુ કિંમત ચૂકવવી પડશે.

એટલું જ નહીં પણ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાના કારણે જે ચીજ વસ્તુઓ આપણે વાપરીએ છીએ જેમ કે દૂધ અને શકભાજી એ બધુ મોંઘું થઈ જશે. ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે જેમના માતા-પિતા ફીથી લઈને રહેવાનો તેઓનો ખર્ચ ચૂકવે છે. વિદેશમાં તેમનો અભ્યાસ મોંઘો થશે. કારણ કે વાલીઓએ વધુ પૈસા ચૂકવીને ડોલર ખરીદવા પડશે જેથી તેઓ ફી ભરી શકે. જેના કારણે તેમને દેખીતી રીતે નુકસાન જશે. જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન, વિદેશમાં સ્ટુડન્ટ્સ માટે પ્રવેશ પ્રક્રિયા  શરૂ થવાને કારણે, ડોલરની માંગ દેખીતી રીતે વધે છે.

તેથી અગામી સમયમાં મોંઘા ડોલરનો માર વાલીઓએ સહન કરવો પડશે.દેશમાં ખાદ્યતેલ પહેલેથી જ મોંઘું છે, જેની માંગ આયાત દ્વારા પૂરી કરવામાં આવી રહી છે. જો ડોલર મોંઘો થશે તો ખાદ્યતેલની આયાત કરવી વધુ મોંઘી થશે. ખાદ્ય તેલની આયાત કરવા માટે વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચવું પડશે. જેના કારણે સામાન્ય લોકોને પામતેલ માટે અન્ય ખાદ્યતેલની વધુ કિંમત ચૂકવવી પડશે. એટલે આવી સ્થિતિમાં રૂપિયાનું ધોવાણ થતું અટકાવવા આરબીઆઇએ પગલા લેવા જ પડશે. રૂપિયા અને ડોલરમાં થતી વધઘટ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ક્ષેત્ર ઉપર સૌથી વધુ પડે છે.

જે નિકાસકારો છે તેઓ એવું ઇચ્છે છે કે, તેમણે જે માલની નિકાસ કરી છે તેના વિદેશથી નાણા મોડા આવે કારણ કે, રૂપિયા અને ડોલર વચ્ચે 5 થી પૈસાની વધઘટ પણ તેમના માટે કરોડોનો ફાયદો કે નુકસાન કરાવે છે એટલે તેમનું પેમેન્ટ મોડું આવે તો દેશના વિદેશી હુંડિયામણની સ્થિતિને નુકસાન થાય છે તો બીજી તરફ જે આયાતકારો છે તેઓ તેમનું પેમેન્ટ જલદીથી જલદી કરવા માગે છે કારણે કે જો ડોલર રૂપિયા સામે વધુ મજબૂત થાય તો તેમણે જે પેમેન્ટ ડોલરમાં કરવાનું હોય છે તેની સામે નુકસાન ભોગવવું પડે છે. આવી સ્થિતિમાં હવે સરકારે રૂપિયાનું ધોવાણ અટકાવવું જ પડશે.

Most Popular

To Top