Editorial

આરબીઆઈએ રેપોરેટ ઘટાડીને લોનધારકો પરનું ઈએમઆઈનું ભારણ ઘટાડવું જોઈએ

એક સમય હતો કે જ્યારે ભારતમાં વિવિધ બેંક દ્વારા રોજ બરોજ લોનની સામે તેના વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હતો. બેંક દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ઓછા વ્યાજની ઓફર પણ કરવામાં આવતી હતી. આની સામે સ્વાભાવિક રીતે જ બાંધી મુદતની થાપણો પર પણ બેંકો દ્વારા વ્યાજ ઓછું જ આપવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશની રાહે ભારતમાં પણ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવી રહ્યો હતો.

આ કારણે દેશભરમાં તમામ પ્રકારની લોનના વ્યાજદરો વધી ગયા હતા. વ્યાજ દર વધતાં તેને કારણે લોનના હપ્તા પણ મોટા થઈ ગયા હતા. જે પરિવારો દ્વારા આવકની સામે લોનનું આયોજન કરવામાં આવ્યું હતું તેવા પરિવારો દ્વારા આ આયોજનો ખોરવાઈ ગયા હતા. એ તો સારું થયું કે વ્યાજદરમાં થતો વધારો અટકી ગયો. આરબીઆઈએ રેપોરેટ વધારવાના બંધ કર્યા અને જે તે પરિવારોનો થોડો હાશકારો થયો પરંતુ આરબીઆઈ હજુ પણ રેપોરેટ યથાવત જ રાખી રહ્યું હોવાને કારણે લોનના હપ્તા હજુ પણ લોકોને ભારે જ પડી રહ્યા છે.

શુક્રવારે આરબીઆઈએ સતત સાતમી વખત વ્યાજદરો યથાવત રાખ્યા. આરબીઆઈએ 6.50 ટકાનો રેપોરેટ યથાવત રાખ્યો. જ્યારે એમએસએફ અને બેંક રેટ 6.75 રહેવાનું અનુમાન કર્યું. જીડીપી ગ્રોથ 7 ટકા રહેશે તેવું અનુમાન પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2024-25 માટેની આરબીઆઈની નાણાકીય નીતિ માટેની પ્રથમ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા. આમ તો એવું મનાતું હતું કે આરબીઆઈની આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવશે પરંતુ સામી ચૂંટણીએ આરબીઆઈએ રેપોરેટમાં કોઈ જ ફેરફારો કર્યા નહીં. ખુદ આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.

દાસના કહેવા પ્રમાણે, નાણાકીય વર્ષ 2025માં ભારતનો જીડીપી વધશે. ભારતની અર્થ વ્યવસ્થા 7 ટકાની ઝડપે વૃદ્ધિ પામશે. નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીની વાસ્તવિક વૃદ્ધિ 7.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.9 ટકા અને ત્રીજા-ચોથા ક્વાર્ટરમાં તેનો અંદાજ 7 ટકા રહેવાની સંભાવના છે. રાજ્યમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં અનિશ્ચિતતાને કારણે ફુગાવો વધવાની સંભાવના છે. મોંઘવારીના દરમાં વધારાને ધ્યાને લઈને આરબીઆઈ સતર્ક છે.

જોકે, આરબીઆઈ એ બાબતે ગંભીર નથી કે ઉંચા રેપોરેટને કારણે ભારતમાં લોનના હપ્તા ભારે વધી ગયા છે. આરબીઆઈ દ્વારા વધારવામાં આવેલા રેપોરેટને કારણે લોનના વ્યાજદરમાં સરેરાશ 3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેણે હપ્તાની રકમ યથાવત રાખી છે તેમના માટે લોનનો સમયગાળો વધી ગયો છે. જ્યારે જેણે હપ્તાની રકમ વધારી છે તેમના માટે આવક-જાવકનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. ભારતમાં હાલમાં નાના ધંધાર્થીઓ કે પછી હાઉસિંગ, એજ્યુકેશન સહિતની લોન લેનારાઓ માટે પરિસ્થિતિ વિકટ બની રહી છે. કારણ કે EMI વધી ગયા છે. હવે આ EMI ઘટવાનું નામ લેતા નથી.

આરબીઆઈએ ખરેખર તાકીદના ધોરણે રેપોરેટ ઘટાડવા જોઈએ. રેપોરેટ વધારે કરવાને કારણે તેનો સીધો ફાયદો બેંકો અને સરકારને થઈ રહ્યો છે પરંતુ તેની સામે લોન લેનારાઓના વધેલા ધબકારા ઘટી રહ્યા નથી. આરબીઆઈ આ મુદ્દો ધ્યાને રાખશે તો EMI ભરનારાઓને મોટી રાહત થશે તે નક્કી છે. આરબીઆઈ દ્વારા સતત સાતમી વખત રેપોરેટ યથાવત રાખવાને કારણે લોનધારકો ભારે નિરાશ થયા છે. જ્યારે દેશમાં આર્થિક સ્થિતિ સારી હોય ત્યારે રેપોરેટ ઘટાડવો જોઈએ. જો રેપોરેટ ઘટશે તો નાણાકીય તરલતા બજારોમાં વધશે અને તેને પગલે ધંધા-રોજગારમાં તેજીનો સંચાર થઈ શકે તેમ છે. આરબીઆઈ હવે શું કરે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top