એક અહેવાલ પ્રમાણે ઉધનાના ભીડભંજન મહાદેવ મંદિરમાં થોડા દિવસ પહેલાં એક વિશેષ પૂજા કરવામાં આવી, જેમાં એક અઠવાડિયામાં ૨૧ કિલો ઘીનો ઉપયોગ કરી બે કલાકારોએ પાંચ ફૂટના ગજમુખી ગણેશ બનાવ્યા. એવું પણ કહેવાયું છે કે આ પરંપરા ૧૯૮૦ થી ચાલે છે. નરી અંધશ્રધ્ધાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આજે મોટા ભાગની પ્રજાને બે ટંક ખાવાનાં ફાંફા પડે છે ત્યારે ઘી ખાવાની વાત તો જોજનો દૂરની રહી. આવે સમયે ઘી ની ગણેશજીની મૂર્તિ બનાવવાને બદલે એ ઘી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે જૂદી જૂદી એકથી વધુ વ્યક્તિઓને આપ્યું હોય તો લેખે લાગે. મૂર્તિ તો માટીની પણ બનાવી શકાય. જો કે આ લખનાર તો મૂર્તિપૂજાનો જ વિરોધી છે કારણ કે મૂર્તિપૂજા એ સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય છે.
હાલના સંજોગોમાં જો કોઈ તાતી જરૂર હોય તો તે આવી અંધશ્રદ્ધામાં માનનારાઓને વ્યવસ્થિત સમજણ આપી ઘી અથવા તે સિવાયની પ્રજાઉપયોગી કોઈ પણ વસ્તુનો મૂર્તિ બનાવવા પાછળ કે ધાર્મિક કાર્યો અને વિધિવિધાન પાછળ બગાડ ન કરતાં તેને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઉપયોગમાં લેવી જોઈએ. અંધશ્રધ્ધાના વમળમાંથી પ્રજાને બહાર લાવવાની તાતી જરૂર છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.