Sports

આ ખેલાડી પર ભરોસો નહીં કરવાનો રોહિતને રહેશે અફસોસ, વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણિયે પાડી સાબિત કર્યું ટેલેન્ટ

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના (West Indies) પ્રવાસે ગયેલી ભારતીય ટીમે (IndianCricketTeam) પહેલી ટેસ્ટ (Test) મેચમાં શાનદાર જીત મેળવી છે. મેચના ત્રીજા દિવસે ભારતે 421/5 વિકેટ પર ઈનિંગ ડિકલેર કરી વેસ્ટઈન્ડિઝને 271 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના એકેય ખેલાડી ક્રિઝ પર લાંબુ ટકી શક્યા નહોતા અને આખીય ટીમ 130ના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

ભારત તરફથી બીજી ઈનિંગમાં સૌથી વધુ રવિચંદ્રન અશ્વિને (RavichandranAshwin) 7 વિકેટ ઝડપી હતી. આ સાથે પહેલી ટેસ્ટ મેચની બે ઇનિંગ મળી અશ્વિને કુલ 12 વિકેટ લીધી હતી. હજુ થોડા દિવસ પહેલાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં અશ્વિનને રમાડવામાં નહીં આવતા ભારતીય ટીમ મેનેજમેન્ટની ઘણી ટીકા થઈ હતી.

ડબલ્યુટીસી ફાઈનલને થોડા દિવસો જ થયા છે. લંડનના ઓવલમાં 7-11 જૂન વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા 4 ઝડપી બોલર મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ સાથે ઉતરી હતી. ટીમમાં રવિન્દ્ર જાડેજા એકમાત્ર સ્પિનર ​​હતો. નંબર 1 ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિનને મેચમાં રમાડવામાં આવ્યો ન હતો.

આ મહત્વપૂર્ણ મેચમાં અશ્વિનને ન રમવાની ઘણી ટીકા થઈ હતી. હવે એ જ રવિચંદ્રન અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સામે ડોમિનિકાના રોસીયુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચનો સૌથી મોટો હીરો બનીને ઉભર્યો હતો. ભલે ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ (171) પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. પરંતુ, ખરા અર્થમાં આ મેચમાં ભારતની જીતનો પાયો અશ્વિને જ નાખ્યો હતો.

અશ્વિને પ્રથમ દાવમાં 24.3 ઓવરમાં 60 રન આપીને 5 વિકેટ લીધી હતી. જેના કારણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 150 રન પર સમેટાઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં પણ અશ્વિને 21.3 ઓવરમાં 71 રનમાં 7 વિકેટ લીધી હતી. જેના લીધે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 130 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે સિરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ભવ્ય જીત મેળવી હતી.


WTC ફાઈનલમાં અશ્વિનને ન રમાડવાના નિર્ણયનો રોહિતને હંમેશા પસ્તાવો રહેશે
WTC ફાઇનલમાં અશ્વિનને ટીમમાં તક કેમ ન મળી. આનું કારણ પણ રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ જણાવ્યું હતું. રોહિતે કહ્યું હતું કે અમે ચાર ફાસ્ટ બોલર અને એક સ્પિનર ​​સાથે રમવાના છીએ. અશ્વિન જેવા ખેલાડીને છોડવો હંમેશા મુશ્કેલ હોય છે. તે મેચ વિનર છે, પરંતુ આ નિર્ણય ટીમના દૃષ્ટિકોણથી લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં, ત્યારે તમામ ક્રિકેટ નિષ્ણાતોએ કહ્યું હતું કે રોહિતે ઓવલની ગ્રીન ટોપ પિચને જોઈને આ નિર્ણય લીધો છે. જોકે, રોહિતને તેના આ નિર્ણયનો આખી જિંદગી પસ્તાવો રહેશે. કારણ કે જે પ્રકારના ફોર્મમાં નંબર 1 ટેસ્ટ બોલર આર અશ્વિન હતો. તેને રમાડવાથી ચોક્કસ ટીમને ફાયદો થઈ શક્યો હોત.

અશ્વિન 500 વિકેટના માઈલસ્ટોનની નજીક પહોંચ્યો
રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં રેકોર્ડ બનાવ્યા હતા. તેણે હવે 93 ટેસ્ટમાં 486 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં તે જે પ્રકારના ફોર્મમાં છે, તે 20-25 જુલાઈની મેચમાં 500 વિકેટ પણ લઈ શકે છે. અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સામે વર્તમાન ટીમમાં સૌથી વધુ 4 સદી ફટકારનાર ખેલાડી પણ છે. તેની કુલ સદી 5 છે. અશ્વિને પણ આ જ ટેસ્ટમાં 26.97ની એવરેજથી 3129 રન બનાવ્યા છે.

Most Popular

To Top