રવિચંદ્રન અશ્વિન માટે હવે T-20 અને વન ડે ટીમના દરવાજા બંધ!!

ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં UAE ખાતે રમાયેલા ICC T-20 વર્લ્ડકપ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં એક નામ જોઇને બધાને નવાઇ લાગી હતી અને તે નામ હતુ સીનિયર ઓફ-સ્પીનર રવિચંદ્રન અશ્વિનનું. લગભગ અઢી વર્ષના લાંબા ગાળા પછી અશ્વિન મર્યાદિત ઓવરો માટેની ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો અને હવે જ્યારે વર્ષની શરૂઆત થઇ ત્યારે અચાનક જ તે ટીમમાંથી બહાર થઇ ગયો છે. BCCI દ્વારા સત્તાવાર કંઇ કહેવામાં આવ્યું નથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિચંદ્રન અશ્વિનને ઇજાને કારણે વેસ્ટ ઇન્ડિઝ સામેની મર્યાદિત ઓવરોની સીરિઝ માટે પસંદ કરાયો નથી. T-20 વર્લ્ડકપ માટેની ટીમમાં તેનો સમાવેશ કરાયો ત્યારે બધાને નવાઇ એટલા માટે લાગી હતી કે IPL જેવી ટુર્નામેન્ટમાં પણ અશ્વિનનું પ્રદર્શન એવું કંઇ ખાસ રહ્યું નહોતું અને તે છતાં તેને ટીમમાં સમાવાયો. જ્યારે યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ કે જે લાંબા સમયથી શોર્ટર ફોર્મેટમાં રમતા હતા તેમનો ટીમમાં સમાવેશ કરાયો નહોતો.

અશ્વિનનો જ્યારે T-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સમાવેશ કરાયો તે પછી તેણે T-20 વર્લ્ડકપમાં ત્રણ મેચ, ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન બે મેચ રમી હતી અને એ તમામમાં તેણે ઓછામાં ઓછી વિકેટ લીધી હતી. આ પાંચ મેચમાં તેણે કુલ મળીને 9 વિકેટ મેળવી હતી અને તેના જોરે જ તેનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની વન ડે ટીમમાં સમાવેશ કરાયો હતો. અશ્વિને પોતાની છેલ્લી વન ડે જૂન 2017માં રમી હતી અને તે પછી ટીમમાં ચહલ-કુલદીપની બેલડીએ એવું વર્ચસ્વ જમાવ્યું હતું કે જેના કારણે અશ્વિનનો વન ડે કે ટી-20માં સમાવેશ જ થયો નહોતો. જૂન 2017માં છેલ્લી વન ડે રમનારા અશ્વિન તે પછી જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકાની ધરતી પર વન ડે સીરિઝ રમવા માટે ઊતર્યો. જેમાં બે મેચમાં તે માત્ર  એક વિકેટ ખેરવી શક્યો હતો. આ પહેલાં રમાયેલી ટેસ્ટ સીરિઝમાં પણ તે ત્રણ ટેસ્ટની છ ઇનિંગ મળીને માત્ર 6 વિકેટ ખેરવી શક્યો હતો. દક્ષિણ આફ્રિકામાં કરેલા ખરાબ પ્રદર્શનને કારણે અશ્વિનનું ટીમમાંથી પત્તું સાફ થવાનું તો હતું જ પણ તેના જેવા સીનિયર ખેલાડીને બહાર મૂકવા માટે BCCI દ્વારા ચોક્કસ કારણ આપવામાં આવ્યું નથી. અશ્વિન જે રીતે અચાનક જ T-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં આવ્યો હતો, તે રીતે જ અચાનક તેને ટીમ ઇન્ડિયામાંથી આઉટ કરી દેવાયો છે.

BCCI દ્વારા જે પ્રેસ રીલિઝ જાહેર કરવામાં આવી છે કે પછી ટ્વિટ કરાયું છે તેમાં બુમરાહ, શમીને આરામ અપાયાનું કહેવાયું છે. કે. એલ રાહુલ બીજી વન ડેથી ઉપલબ્ધ થશે એવું પણ કહેવાયું છે. રવીન્દ્ર જાડેજા સંપૂર્ણ સાજો થયો ન હોવાથી તેની પસંદગી નથી થઇ એમ પણ કહેવાયું છે અને અક્ષર પટેલ સાજો થઇને ટીમમાં પાછો ફર્યાનું પણ કહેવાયું છે, પણ અશ્વિનને કેમ બાકાત રખાયો તે અંગે કોઇ જાતની માહિતી અપાઇ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ઇજાગ્રસ્ત હોવાથી બાકાત રખાયો છે પણ એવું હોય તો તેની જાણ BCCI દ્વારા ટ્વિટ દ્વારા કરાઇ હોત. જો અશ્વિનને વન ડે નહીં પણ T-20 ટીમમાં પણ સામેલ કરાયો હોત તો એવું માની લેવાયું હોત કે તેનામાં મર્યાદિત ઓવરોની ક્રિકેટ હજુ બાકી છે.

અશ્વિનના માટે મર્યાદિત ઓવરોની ટીમના દરવાજા બંધ થયાનું એટલા માટે પણ માની શકાય છે કે ટીમમાં કુલદીપ યાદવની વાપસી થઇ છે. BCCI દ્વારા વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝ માટે યજુવેન્દ્ર ચહલની સાથે કુલદીપ યાદવને તો સામેલ કર્યો જ છે પણ તેની સાથે જ યુવા લેગ સ્પીનર રવિ બિશ્નોઇને પણ ટીમમાં સામેલ કરાયો છે. આ ઉપરાંત ટીમમાં વોશિંગ્ટન સુંદર પણ પાછો ફર્યો છે અને અક્ષર પટેલને પણ T-20 ટીમમાં સામેલ કરાયો છે. આ સ્થિતિમાં હવે અશ્વિન માટે મર્યાદિત ઓવરો માટેની ભારતીય ટીમમાં વાપસી કરવું અસંભવ બન્યાનું લાગે છે. આ બધી વાતો અને સંજોગો તેમજ સ્થિતિને ધ્યાને લેતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે અશ્વિન માટે હવે ભારતની મર્યાદિત ઓવરો માટેની ટીમના દરવાજા હંમેશ માટે બંધ થઇ ગયા છે.

Most Popular

To Top