પાકિસ્તાનના તેજ ગતિના બોલર હારીસ રઉફે બાંગ્લાદેશ સામે રમાયેલી બીજી વનડેમાં શાનદાર પ્રદર્શન કરતાં પોતાની ODI કારકિર્દીમાં 100 વિકેટનો આંકડો પાર કર્યો છે. ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રઉફે ત્રણ વિકેટ ઝૂંટી પાકિસ્તાનને જોરદાર જીત તરફ દોરી ગયો હતો. તેની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 114 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
મેચમાં પહેલા બેટિંગ કરતાં પાકિસ્તાને 274 રન બનાવ્યા હતા. જોકે વરસાદને કારણે ડકવર્થ-લુઇસ-સ્ટર્ન પદ્ધતિ અમલમાં આવી અને બાંગ્લાદેશને 32 ઓવરમાં 243 રનનું લક્ષ્ય અપાયું. પરંતુ પાકિસ્તાનના બોલર્સે શરૂઆતથી જ બાંગ્લાદેશ પર દબાણ ઉભું કર્યું. ખાસ કરીને હારીસ રઉફે મધ્ય ઓવરમાં આવી મેચનો રૂખ જ બદલી નાખ્યો.
રઉફને 8મી ઓવરમાં બોલિંગ માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે પ્રદશન થોડું ધીમું રહ્યું, ત્યાર બાદ 20મી ઓવરમાં ફરી બોલિંગ માટે આવ્યા બાદ તેણે જબરદસ્ત વાપસી કરી. તેણે પહેલા તૌહિદ હૃદયને પેવેલિયન મોકલ્યો, ત્યારબાદ મુસ્તાફિઝુર રહમાનને આઉટ કર્યો અને પછી ટસ્કિન અહમદની વિકેટ લઈને પોતાની ત્રણ વિકેટ પૂર્ણ કરી. રઉફે માત્ર 4.3 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપ્યાં.
આ પ્રદર્શન સાથે હારીસ રઉફે માત્ર 55 ODI મેચોમાં 100 વિકેટનો આંક પાર કર્યો. આ સાથે તે પાકિસ્તાન માટે સૌથી ઓછી મેચોમાં 100 ODI વિકેટ લેનારો ત્રીજો બોલર બન્યો છે. તેના આગળ માત્ર શાહીન આફ્રિદી, જેણે 51 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, અને સાકલેન મુશ્તાક, જેણે 53 મેચમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો, ખાસ વાત એ છે કે રઉફે આ મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પેસર બ્રેટ લીની પણ બરાબરી કરી છે, કારણ કે બ્રેટ લીએ પણ 55 મેચમાં 100 ODI વિકેટ પૂર્ણ કરી હતી.
હારીસ રઉફના ODI કારકિર્દીના આંકડા પર નજર કરીએ તો તેણે ઘરઆંગણે 22 મેચમાં 38 વિકેટ, વિરોધી ટીમના હોમ ગ્રાઉન્ડ પર 20 મેચમાં 38 વિકેટ અને ન્યુટ્રલ વેન્યૂ પર 13 મેચમાં 24 વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશ સામેનું આ પ્રદર્શન તેના વધતા પ્રભાવ અને પાકિસ્તાનના બોલિંગ આક્રમણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા વધુ મજબૂત બનાવે છે.