કોલકતા: શ્રીકાંતી કુમાર દત્તાનું નામ તેમના રાશન કાર્ડમાં (Ration card) એક વખત નહીં ત્રણ વખત ખોટું છપાયું હતું. તેમનું નામ શ્રીકાંતી કુમાર ‘કુત્તા’ છપાયું હતું આનાથી નારાજ થઈ બદલ તેમણે એક અધિકારીની સામે શ્વાનની (Dog) જેમ ભસીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેનો વીડિયો (Video) વાયરલ થયો હતો. હવે તેમના રાશન કાર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલાં બંગાલના બાંકુરાથી એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક શખ્સ પોતાના રાશન કાર્ડમાં સુધારો કરાવવા શ્વાનની જેમ ભસી રહ્યો હતો.
- શ્રીકાંતી કુમાર દત્તાનું નામ રાશન કાર્ડમાં 3 વખત ખોટું છપાયું હતું
- નારાજ દત્તાએ અધિકારી સામે શ્વાનની જેમ ભસીને વિરોધ દર્શાવ્યો હતો જેનો વીડિયો વાયરલ થયો હતો
- શ્વાનની જેમ ભસવાનો વીડિયો વાયરલ થયા બાદ ‘કુત્તા’ સુધરીને દત્તા થયું
શ્રીકાંતી કુમાર દત્તાએ પોતાનું નામ સુધારવા માટે વારંવાર અરજી કરી પણ અધિકારીઓ દ્વારા તેની અવગણના થતાં તેમણે વિરોધ માટે અનોખી રીત અપનાવી હતી. તેમની અટક દત્તાની જગ્યાએ કુત્તા છપાઈ હતી. શ્રીકાંતી કુમારે તેમનું નામ કુત્તાની જગ્યાએ સુધારીને દત્તા કરાવવામાં મદદ કરવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો. દત્તાએ જણાવ્યા મુજબ તેનું નામ ખોટું છપાયા બાદ તેણે સુધારા માટે ત્રીજી વખત અરજી કરી હતી.
ત્રીજી વખત મારું નામ શ્રીકાંતી દત્તાની જગ્યાએ શ્રીકાંતી કુત્તા લખાયું હતું. આના કારણે હું માનસિક રીતે બહુ જ હેરાન થયો હતો. ગઈકાલે હું ફરીથી નામ સુધારવા માટેની અરજી કરવા ગયો હતો અને જોઈન્ટ બ્લોક ડિસ્ટ્રીક્ટ ઓફીસરને જોઈ મેં તેમની સામે શ્વાનની જેમ ભસવાનું શરૂ કર્યું હતું. તેમણે મારા પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો અને ત્યાંથી જતા રહ્યા હતા. અમારા જેવા સામાન્ય માણસને કેટલીક વખત કામ છોડીને સુધારા માટે અરજી કરવા જવું પડે છે.