ઉત્સવપ્રિય રાષ્ટ્રના વર્ષ દરમ્યાન યોજાતા અનેક ધાર્મિક, રાષ્ટ્રીય અને લોક ઉત્સવોમાં જગન્નાથપુરીની રથયાત્રા મહોત્સવ માત્ર દેશમાં જ નહિ વિશ્વ વિખ્યાત અને લોકપ્રિય થઇ ગયો છે. અષાઢ મહિનો એટલે ખરેખર વર્ષાઋતુના આગમનનો અવસર…. અષાઢી બીજથી શરૂ થતા ઉત્સવો છેક શ્રાવણ માસ સુધી ઉજવાતા જોવા મળશે. અષાઢ સુદ એકમથી ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. ત્યારબાદ અષાઢી બીજ, દેવશયની એકાદશી અને વ્રતની પૂનમ આવશે. મોળાકતનાં વ્રત, જયાપાર્વતીનું વ્રત અને ભગવાનના હિંડોળા તથા ગુરુપૂર્ણિમા જેવા મોટા તહેવારો અષાઢ મહિનામાં આવે છે. છેલ્લાં દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારીને કારણે દેશમાં ઉજવાતા ઉત્સવોની ઉજવણી પર ઘણી બધી મર્યાદાઓ લાદી દેવાઇ છે. ગત વર્ષે અષાઢી બીજની રથયાત્રા બંધ રહેલી તો આ વર્ષે ઘણી બધી મર્યાદાઓ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
ઓરિસ્સાના જગન્નાથપુરીથી પ્રારંભ થયેલ રથયાત્રા આજે દેશના વિભિન્ન સ્થળોએ પણ નીકળે છે. જગન્નાથજીની રથયાત્રા પછી દ્વિતીય ક્રમે સૌથી મોટી ગણાતી અમદાવાદની રથયાત્રા પણ આ વખતે કાયદાઓના કડક નિયમો સાથે ખૂબ મર્યાદિત રીતે નીકળશે એ જ રીતે સુરતમાંથી પાંચ સ્થળેથી નીકળતી નાની – મોટી રથયાત્રામાં મહત્ત્વપૂર્ણ ઇસ્કોનની રથયાત્રા પણ કાયદાનાં નિયંત્રણો વચ્ચે ખૂબ જ મર્યાદિત રીતે નીકળશે એવી શક્યતા હતી પણ છેક છેલ્લી ઘડી સુધી નિર્ણાયક નથી થઈ શક્યું.
દરેક ઉત્સવો સાથે એક યા અનેક કથાઓ જોડાયેલી હોય છે. જગન્નાથપુરીના જગન્નાથજીના મંદિરેથી નીકળતી વિશાળ રથયાત્રાના પ્રારંભનો ચોકકસ સમય નથી મળતો પણ તેની એક ખૂબ જ જાણીતી કથા છે કે ઇન્દ્રધુમ્ન નામનો રાજા નિલાંચલ સાગર (ઓરિસ્સા) પાસેના નગરમાં રહેતો હતો. એક વાર તેમણે સમુદ્રતટે ખેંચાઇ આવેલું એક વિશાળ લાકડું જોયું અને રાજાએ મનોમન વિચાર્યું કે આ લાકડામાંથી ભગવાન વિષ્ણુની સરસ મજાની મૂર્તિ બનાવડાવીશ અને એ જ સમયે ભગવાન વિશ્વકર્મા વૃધ્ધ કારીગરના સ્વરૂપે ત્યાં આવ્યા અને કહ્યું તમારી પસંદગીની મૂર્તિ હું બનાવી આપીશ. વૃધ્ધ છતાં ભગવાનનું કારીગર સ્વરૂપ તેજોમય હતું તેથી રાજાએ તેને મૂર્તિ બનાવવાનું કાર્ય સોંપ્યું પણ કારીગરે એવી શરત મૂકી કે મૂર્તિ હું બનાવું તે દરમ્યાન મારા કક્ષનો દરવાજો ખોલવો નહિ એમ કહી તે દ્વાર બંધ કરી મૂર્તિ બનાવવા લાગ્યા. ઘણા દિવસો પસાર થયા પછી રાણીને વિચાર આવ્યો કે મૂર્તિ બનાવવાનો અવાજ પણ નથી આવતો અને આટલા દિવસ ખાધા – પીધા વગર કારીગર મૃત્યુ તો નથી પામ્યો ને! તેણે રાજાને કહ્યું અને રાજાએ વાતનું તથ્ય સમજતા દરવાજા ખોલાવ્યા ત્યારે ભગવાન વિષ્વકર્માનું એ સ્વરૂપ ત્યાંથી અદ્રશ્ય થઇ ગયેલું અને ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીની અધૂરી મૂર્તિ જ મળી આવી. મૂર્તિના દૈદીપ્યમાન સ્વરૂપ જોઇને રાજાને ઘણો પસ્તાવો થયો કે દ્વાર ખોલવામાં ઉતાવળ કરી નાંખી. છતાં પણ ભવ્ય મંદિર બનાવી ત્યાં મૂર્તિ સ્થાપવાની તૈયારીઓ કરી. ભવ્યાતિભવ્ય શણગાર કરી મૂર્તિને પ્રસ્થાપિત કરવા માટે અલગ અલગ ત્રણ રથ બનાવી મૂર્તિ સાથે ધામધૂમથી નગરયાત્રા કરાવી અને મંદિરમાં મૂર્તિ પ્રસ્થાપિત કરાઇ. કહેવાય છે આ રીતે દર વર્ષે આ શુભદિનને યાદ કરીને રથયાત્રાનો પ્રારંભ થયો હતો.
જગન્નાથપુરીથી શરૂ થયેલી રથયાત્રામાં પહેલો રથ તાલધ્વજ નામે ઓળખાય છે જેમાં બલરામજી પ્રસ્થાપિત હોય છે. બીજા પદ્મધ્વજ નામના રથમાં સુભદ્રા તથા ત્યાર બાદ ગરૂડધ્વજ અથવા નન્દીઘોષ નામના રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે. તાલધ્વજ રથ સૌથી મોટો હોય છે. ૬૫ ફૂટ લાંબા, ૬૫ ફૂટ પહોળા અને ૪૫ ફૂટ ઊંચા આ રથમાં ૭ ફૂટનો વ્યાસ ધરાવતાં ૧૭ પૈંડાં હોય છે. દર વર્ષે આ જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના દર્શનાર્થે દેશવિદેશથી લાખો શ્રધ્ધાળુ ઉમટી પડે છે. ૮૦૦ વર્ષના મોગલ સામ્રાજય અને ૨૦૦ વર્ષના બ્રિટિશરાજ દરમ્યાન પણ જગન્નાથપુરીની રથયાત્રા અવિરત ચાલતી આવી છે.
અમદાવાદમાં પણ ૧૪૩ વર્ષથી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન થતું રહ્યું છે અને આજની ૧૪૪ મી રથયાત્રા ખૂબ જ મર્યાદિત સંખ્યાના શ્રધ્ધાળુઓ સાથે શહેરની નગરયાત્રાએ નીકળશે જે દર વખતે ૧૨ થી ૧૪ કલાકના સમય દરમ્યાન પૂરી થતી તે આજે પાંચ કલાકના સમયગાળામાં પૂરી થશે. વર્ષ ૧૮૭૮ની સાલમાં નરસિંહદાસજી મહંતના નેતૃત્વમાં સૌ પ્રથમ રથયાત્રા અમદાવાદમાં નીકળી હતી ત્યારથી રથને ખેંચવાનું કામ ૨૦૦૦ જેટલા ખલાસીભાઇઓ જ કરે છે. રથયાત્રામાં જોડાતાં બેન્ડવાજાં, ભજનમંડળીઓ, જુદા જુદા અખાડા અને સત્સંગમંડળની ટ્રકો, ઊંટ ગાડીઓ, ઘોડા અને અનેક શણગારેલા હાથીઓની સવારી લોકોને ઉત્સાહ પૂરો પાડે છે. જગન્નાથપુરીની રથયાત્રામાં તો સોળ જેટલા હાથીની સવારીનું અનોખું આકર્ષણ જોવા મળે છે.
આ વખતે અમદાવાદ ખાતે રથયાત્રાના પ્રારંભ પહેલા ભારતના ગૃહમંત્રી મંગળા આરતી સમયે વિશેષ હાજરી આપશે અને મુખ્યમંત્રી પરંપરાગત સોનાની સાવરણીથી રથયાત્રા માર્ગની સફાઇ કરી વિધિવત રથયાત્રાનો પ્રારંભ કરાવશે. સરકારની ગાઇડ લાઇન મુજબ અનેક નિયંત્રણો અને મર્યાદિત રીતે અમદાવાદની રથયાત્રા આજે નીકળશે અને એક ધર્મ પરંપરા જળવાઇ રહેશે.
અહીં વિશેષરૂપે જગન્નાથપુરીના મંદિરના કેટલાંક તથ્યો અને સત્યો જાણવા જેવાં છે. જેમાંના કેટલાંક રહસ્યો વિજ્ઞાન માટે પણ રહસ્ય જ રહ્યાં છે. જગન્નાથપુરીના મંદિરમાં સૌ કોઇ પધારતા શ્રધ્ધાળુ અને દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા હોય છે અને જે અદ્ભુત હોય છે. રોજ ૧૦,૦૦૦ માણસો માટે બનતા ભોજન (પ્રસાદ)નો કયારેય બગાડ નથી થતો એટલે કે વધતો નથી અને વધુ ભકતજનો આવી જાય તો પણ કયારેય ઘટતો નથી એ આજે સૌ કોઇ માટે આશ્ચર્ય રહેલું છે. મંદિરનું સ્થાપત્ય એવું છે કે સવાર, બપોર કે સાંજ કયારેય મંદિરનો પડછાયો જોવા નથી મળતો. અહીં મંદિર પરની ધ્વજા રોજ બદલવામાં આવે છે અને રહસ્યમય વાત એવી છે કે જે દિશાનો પવન હોય તેની વિપરીત દિશામાં ફરકતી હોય છે. મંદિરની ઉપર થઇને કોઇ દિવસ કોઇ પક્ષી પસાર નથી થતું અને એટલે જ વિમાન રૂટ એવા નિયત કરાયા છે કે મંદિર ઉપરથી વિમાન પસાર ના થાય. અહીં મંદિરથી થોડે દૂર ઘૂઘવાટા કરતો સમુદ્ર છે. મંદિરના દ્વાર પાસે ઊભા હોય તો દરિયાનાં મોજાંનો અવાજ સંભળાય છે પણ એક પગ મંદિરની અંદર મૂકો એટલે અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. પગ જરા પણ દ્વારની બહાર કાઢો તો સમુદ્રના ઘુઘવાટા સંભળાય છે જે પણ એક રહસ્ય વિસ્મયકારક જ રહ્યું છે. મંદિરમાં ફકત સનાતન ધર્મીઓને જ પ્રવેશ આપવાની પરંપરા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી અહીં દર્શને આવેલાં ત્યારે તે ફિરોઝ ગાંધીને પરણેલા હોવાથી તે ખરેખર પારસી થઇ ગયા કહેવાય એટલે તેમને મંદિરમાં પ્રવેશ નહોતો અપાયો ત્યાર બાદ ગાંધી પરિવારે કયારેય જગન્નાથપુરી જવાની હિંમત નથી કરી. કરોડોનું દાન આપનાર પણ જો હિન્દુ ના હોય તો મંદિરમાં પ્રવેશ નથી મળતો એટલે કે સત્તા કે સંપત્તિનું ધર્મપરંપરા કરતાં સ્થાન ઊંચું નથી હોતું… અહીંના રસોડામાં બનતો પ્રસાદ આજે પણ લાકડાના અગ્નિ પર, મોટા ચૂલાઓ પર માટીના વાસણમાં જ પકવવામાં આવે છે. આ પ્રસાદની વિશેષતા એ છે કે એક ઉપર એક એમ સાત માટીનાં વાસણ ચૂલા પર પકવવા માટે મુકાય છે ત્યારે સૌથી ઉપરના સાતમા વાસણનું ભોજન જલ્દી તૈયાર થાય છે અને ત્યાર બાદ છઠ્ઠા અને પછી પાંચમા, એમ ચૂલા ઉપરનું પહેલું વાસણનું ભોજન છેક છેલ્લે રંધાય છે. જે ગુત્થી વિજ્ઞાન પણ ઉકેલી નથી શક્યું.