Gujarat

અમદાવાદમાં જગન્નાથજી મંદિર સહિત રથયાત્રાના રૂટ ઉપર લોખંડી બંદોબસ્ત

અમદાવાદ શહેરમાં ૧૨મી જુલાઇ અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રને આ વખતે કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે શહેરા પોલીસ દ્વારા જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથજીના મંદિર સહિત ૧૯ કિલોમીટર લાંબા રથયાત્રાના રૂટ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજી તરફ આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રથયાત્રાને લઈને જમાલપુર ખાતેના જગન્નાથ મંદિર તથા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સંવેદનશીલ વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યાં છે.

કોરોનાના મહામારીના પગલે 12મી જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં જે રીતે રથયાત્રા નીકળતી હતી, તેનાથી સાવ અલગ જ નિયંત્રણો સાથે આ વખતે રથયાત્રાની મંજૂરી આપવામાં આવી છે. આ વખતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે, પરંતુ સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કરફ્યૂ લાદવામાં આવ્યો છે. જેના પગલે રથયાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓ જોડાશે નહીં. રથયાત્રામાં ત્રણ રથ, મહંત સહિત પાંચ વાહનો અને પોલીસના કાફલા સિવાય અન્ય કોઈ વાહનો રથયાત્રામાં જોડાશે નહીં. એક રથને 20 ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવશે. ભગવાન જગન્નાથજીના મંદિરેથી સવારે રથયાત્રા નિકળશે અને ચારથી પાંચ કલાકમાં રથયાત્રા નીજ મંદિરે પરત ફરશે.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું હતું કે આ વખતે અલગ જ સ્વરૂપે રથયાત્રા નીકળનાર છે. રથયાત્રાનું લાઈવ-ટેલિકાસ્ટ થનાર છે, તેથી તમામ શહેરીજનોએ તેના દ્વારા દર્શન કરવા અપીલ કરી હતી.મંદિરના મહંત દિલીપદાસજીએ શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી જ્યારે નગરયાત્રાએ નીકળે ત્યારે પોલીસ અને અમને લોકો સાથ અને સહકાર આપે, તેવી આશા છે. રથયાત્રા આનંદ અને ઉત્સાહ પૂર્વક પૂર્ણ થાય તે માટે સૌ નગરજનોના સહકારની અપેક્ષા છે

Most Popular

To Top