Business

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા બન્યા ટાટા ગ્રુપના નવા પ્રમુખ

મુંબઈઃ રતન ટાટાના મૃત્યુ બાદ ટાટા ગ્રુપની કમાન કોણ સંભાળશે તેની પર સસ્પેન્સ સર્જાયું હતું. આજે ટાટા ગ્રુપની બેઠક મળી હતી, જેમાં સર્વનામુત્તે નોએલ ટાટાની ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. રતન ટાટાના નિધન બાદ તેમના અનુગામીની પસંદગી કરવા માટે આજે ટાટા ટ્રસ્ટની બોર્ડ બેઠક યોજાઈ હતી.

અહેવાલો અનુસાર નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનું 9 ઓક્ટોબરે મોડી રાત્રે અવસાન થયું હતું. મુંબઈમાં ચાલી રહેલી ટાટા ટ્રસ્ટની બોર્ડ મીટિંગ દ્વારા નવા ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. ટ્રસ્ટના ચેરમેનની નિમણૂક માટે ટ્રસ્ટ ડીડમાં સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે.

નોએલ ટાટા હાલમાં ટાટા ગ્રૂપની કંપનીઓ ટાટા સ્ટીલ અને ટાઇટનમાં વાઇસ-ચેરમેન તરીકે નિયુક્ત છે. તેમણે 2000 ના દાયકાની શરૂઆતમાં ટાટા ગ્રુપમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં નોએલ ટાટાના ત્રણ બાળકો લેહ, માયા અને નેવિલને સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ સાથે જોડાયેલા ઘણા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

લેહ હાલમાં ધ ઈન્ડિયન હોટેલ્સમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, જ્યારે માયા ટાટા કેપિટલ સાથે સંકળાયેલી છે. નેવિલ ટ્રેન્ટ અને સ્ટાર બજારની નેતૃત્વ ટીમમાં સામેલ છે. ટાટા ટ્રસ્ટ એ એક છત્ર સંસ્થા છે જે તમામ 14 ટાટા ટ્રસ્ટની બાબતોનું સંચાલન કરે છે. ટાટા ટ્રસ્ટ ટાટા સન્સમાં 65.3 ટકા હિસ્સો ધરાવે છે અને ભારતના સૌથી મોટા બિઝનેસ જૂથને માર્ગદર્શન આપવા માટે કામ કરે છે.

ટાટા સન્સ મોટાભાગે ટાટા ટ્રસ્ટ હેઠળના બે મોટા ટ્રસ્ટોની માલિકી ધરાવે છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ, જેઓ મળીને ટાટા સન્સમાં 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

Most Popular

To Top