રતન ટાટાના પુરોગામી જેઆરડી (જહાંગીર રતનજી દોરાબજી) ટાટા વધારે નહીં તો, રતન ટાટા જેટલા જ વિલક્ષણ પ્રતિભાપુરુષ હતા, જેટલા રતન ટાટા હતા પરંતુ તેઓ ગુજરી ગયા ત્યારે તેમનો એટલો મહિમા નહોતો કરવામાં આવ્યો જેટલો રતન ટાટાનો કરવામાં આવ્યો છે. એવી ભવ્ય અંજલિઓ નહોતી આપવામાં આવી અને એટલી ભવ્ય વિદાય આપવામાં નહોતી આવી જેટલી રતન ટાટાને આપવામાં આવી છે. મારી દૃષ્ટિએ તો જે આર ડી પોતાના યુગ કરતાં ઘણાં આગળ હતા. તેમણે ટાટાજૂથને નવી ઊંચાઈ આપી હતી, ભારતીય ઉદ્યોગનું સંચાલન પરિવારો દ્વારા થતું હતું અને આખી ઔદ્યોગિક સંસ્કૃતિ પેઢીગ્રસ્ત હતી ત્યારે જે આર ડીએ ઉદ્યોગસંચાલનમાં પ્રોફેશનાલિઝમ દાખલ કર્યું હતું અને મેરીટ તેમ જ ટેલેન્ટની કદર કરતાં શીખવાડ્યું હતું. આ સિવાય તેઓ મુખર હતા. અનેક સામાજિક પ્રશ્નો વિષે ગભરાયા વિના શાસકોને કે સ્થાપિત હિતોને ન ફાવે એવી ભૂમિકા લેતા.
પણ જે આર ડીનો એટલો મહિમા નહોતો કરવામાં આવ્યો જેટલો રતન ટાટાનો કરવામાં આવ્યો અને એવી ભવ્ય વિદાય આપવામાં નહોતી આવી જેટલી રતન ટાટાને આપવામાં આવી. આનું કારણ સમકાલીન સમયના સંદર્ભો છે. આપણે ચીતરી ચડે અને ઉબકો આવે એવી શ્રીમંતાઈના યુગમાં જીવીએ છીએ. કયા શબ્દોમાં આજની શ્રીમંતાઈને ઓળખાવવી? ભદ્દી, અશ્લીલ, બેજવાબદાર, નીંભર, અસંસ્કારી એમ જે શબ્દ કે શબ્દસમૂહ વાપરો એ ઓછા પડે છે. હજુ મહિના પહેલાં જ આપણે આવી શ્રીમંતાઇનાં દર્શન કર્યા. રાજ્ય, ધર્મ અને મહાજન (સમાજનાં જેતે ક્ષેત્રમાં કોઈ સ્થાન ધરાવનારાઓ, આજની પ્રચલિત ભાષામાં સેલિબ્રિટીઝ) એમ એ ત્રણેય સંસ્થાના લોકો શેઠજીનાં ચરણોમાં બેઠા હતાં. છોકરાના વિવાહ પાછળ અબજો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હતો અને એમાં હમણાં કહ્યા એવા ત્રણેય સંસ્થાના લોકો માથે પેટ્રોમેક્સ લઈને આગળ ચાલતા હતા.
કાવ્યશાસ્ત્રમાં જુગુપ્સાને પણ રસ કહ્યો છે. શેઠજીને, શેઠજીના વૈભવના પ્રદર્શનોને અને માથે પેટ્રોમેક્સ લઈને આગળ ચાલનારા કહેવાતા મોટા લોકોને જોઇને લોકો જુપ્સાનો અનુભવ કરતા હતા. ભાવક (લોકો)ને જ્યારે એક રસાનુભવ થતો હોય ત્યારે તેના મનમાં જે રસનો અભાવ છે એ રસની આપોઆપ નિષ્પત્તિ થતી હોય છે. બાય ધ વે, અહીં એક વાત જણાવી દઉં કે ઈરાનમાં 1979માં ઇસ્લામિક ક્રાંતિ થઈ એનું એક કારણ ઈરાનના રાજાનાં વૈભવનું અભદ્ર પ્રદર્શન હતું. એ શેઠજી નહોતા રાજા હતા અને રાજાએ જ્યારે પુત્રના વિવાહ કર્યા અને જે રીતે ખર્ચો કર્યો તેણે લોકોને ક્ષુબ્ધ કર્યા. બાકી મુલ્લાઓ તો પહેલાં પણ ઇસ્લામની અને સાચા મુસલમાનનાં લક્ષણોની વાત કરતા હતા. રતન ટાટાને જે આર ડી કરતાં પણ વધુ મહાન અંજલિઓ અને સામાન્ય લોકોની ઉપસ્થિતિવાળી ભવ્ય વિદાય મળી એનું કારણ હજુ મહિના પહેલા જુગુપ્સા રસે પેદા કરેલો સાત્ત્વિક રસ હતો. એવો પણ આપણી વચ્ચે એક શ્રીમંત હતો જે લગભગ આપણી જેમ જીવતો હતો. એવો પણ એક શ્રીમંત હતો જે ક્યારેય પેટ ન ભરાય એવો ભૂખાળવો નહોતો, પણ ખાતાં પહેલાં કોઈને ખવડાવતો હતો. આપણી વચ્ચે કોઈ એક એવો શ્રીમંત હતો જે આપણી જેમ અનાજ ખાતો, પૈસાની નોટ નહોતો ખાતો.
આપણી વચ્ચે એવો પણ એક શ્રીમંત હતો જે માનવીય મર્યાદાઓ જાળવવામાં માનતો હતો. દરેકનું મૂલ પૈસાથી નહોતો કરતો. આપણી વચ્ચે એક એવો શ્રીમંત હતો જે શાસકો, ધર્મગુરુઓ અને ઐશ્વર્યવાનોને માથે પેટ્રોમેક્સ મૂકીને પોતે તેમના કરતાં પણ વધારે શક્તિશાળી છે એવા નાશામાં નહોતો જીવતો. આપણી વચ્ચે એવો એક શ્રીમંત હતો જે પાળેલાં પ્રાણી અને અંગત સેવા કરનારા નોકરો સાથે પિતાની સમાન વહેવાર કરતો હતો અને આપણી વચ્ચે એવો એક શ્રીમંત હતો જે સમાજ પાસેથી મળેલું સમાજને પાછું આપવામાં માનતો હતો. જે રીતે રતન ટાટા જીવ્યા એ ટાટા પરિવાર માટે કોઈ નવી વાત નથી. ટાટા પરિવારની આ ખાનદાની જીવનશૈલી છે. સર રતન ટાટાએ 1909-10ની સાલમાં 25 હજાર રૂપિયા ગાંધીજીને દક્ષિણ આફ્રિકા મોકલ્યા હતા. એ જમાનામાં એ ઘણી મોટી રકમ હતી.
ટાટાઓની પ્રજાકલ્યાણની સાર્થક સખાવતનો કોઈ જોટો નથી. ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ, ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશ્યલ સ્ટડીઝ, ટાટા કેન્સર રીસર્ચ અને હોસ્પિટલ વગેરે સખાવતોનો દેશ પર મોટો ઉપકાર છે. ટાટાઓએ રાષ્ટ્રઘડતરમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. માત્ર પૈસા કમાયા નથી, ખર્ચ્યા પણ છે અને ઉપરથી અંગત જીવનમાં સાદગી. આ બધું જ રતન ટાટાના પુરોગામીઓ કરતા આવ્યા છે. લોકોએ રતન ટાટાને ભવ્ય અંજલિ આપીને વલ્ગર કેપીટાલીઝમના યુગમાં સંયમ, સાદગી અને સરોકારનો મહિમા કર્યો છે. આ એક પક્ષ થયો. બીજો પક્ષ એ છે કે રતન ટાટાએ એ સમયે ટાટાજૂથનું સુકાન સંભાળ્યું હતું જ્યારે ભારતમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. દેશે મિશ્ર અર્થતંત્ર આધારિત સમાજવાદનો માર્ગ અપનાવ્યો હતો. એ પછી પ્રમાણમાં નિયંત્રિત મૂડીવાદનો માર્ગ અપનાવ્યો અને ગઈ સદીના છેલ્લા દશકમાં મુક્ત અર્થતંત્રનો માર્ગ અપનાવ્યો હતો. હવે એક બાજુએ સરકારી અંકુશથી મુક્તિ મળવાની હતી તો વિદેશી ધનપતિઓની પ્રચંડ મૂડી સામે સરકારી રક્ષા પણ મળવાની નહોતી. તમારી તાકાતે તમે તમારી જગ્યા બચાવો અને બનાવો. રતન ટાટાએ જગ્યા બચાવી તો ખરી જ પણ તેના કરતાં વધારે મોટી જગ્યા બનાવી. સ્થૂળ સ્વરૂપમાં મૂલ્યો સાથે સમાધાનો કર્યા વિના. શાસકોને ખરીદ્યા વિના અને શાસકોના આંગળિયાત બન્યા વિના. ક્રોની કેપીટાલીસ્ટની યાદીમાં ટાટાનું નામ નથી લેવામાં આવતું. રતન ટાટાએ ટાટાજૂથને બહુરાષ્ટ્રીય કંપની બનાવી.
તેમણે જ્યારે ટાટાજૂથની અને તેની કંપનીઓની પુન:રચના કરી એ એ સમયે તેમના માટે મોટો પડકાર હતો. રૂસી મોદી, દરબારી સેઠ, એસ. મૂળગાંવકર, અજીત કેલકર જેવા ઉંમરમાં મોટા અને ટાટાજૂથની પોતાનાં સંચાલન હેઠળની કંપનીને નવી ઊંચાઈ અપાવનારા જાયન્ટ હતા. પણ એ હતા વીતી રહેલા યુગના અને યુગ બદલાઈ રહ્યો હતો. રતન ટાટાએ એ બધા જાયન્ટોને આદરપૂર્વક પણ તેમની નારાજગી વ્હોરીને નિવૃત્ત કર્યા. ઈતિહાસ અને વારસાનાં નામે લાગણીશીલ થયા વિના એમ્પ્રેસ મિલ જેવી કંપનીઓને સંકેલી લીધી. મેનજમેન્ટમાં હજુ વધુ પ્રમાણમાં પ્રોફેશનલોને દાખલ કર્યા. ટૂંકમાં કુનેહ અને માણસાઈ એમ બન્ને ચીજનો તેમનામાં સમન્વય હતો.