સુરત: બ્રિટિશ રાજ દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સીમાં 28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા રતન ટાટા નો સુરત સાથેનો ખૂબ અજાણ્યો પણ પારસી સમાજ માટે જાણીતો સંબંધ છે. તેઓ નેવલ ટાટાના પુત્ર હતા, જેમને જમશેદજી ટાટાના પુત્ર રતનજી ટાટા દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા, જે ટાટા જૂથના સ્થાપક હતા.
- રતન ટાટાના પિતા નેવલ ટાટાનો જન્મ સુરતમાં થયો હતો
- રતન ટાટા એ સુરત છેલ્લીવાર 3 મે 2018 નાં રોજ જોયું હતું
- SRK એક્સપોર્ટમાં ગોવિંદ ધોળકિયા પાસે રતન ટાટા એ હીરા ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે, એની રજે રજની માહિતી મેળવી હતી
રતન ટાટાનાં પિતા નેવલ ટાટાનો જન્મ સુરતમાં પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં થયો હતો. રતન ટાટા એ સુરત છેલ્લીવાર 3 મે 2018 નાં ગુરુવારના રોજ જોયું હતું. સુરતની ઊડતી મુલાકાત દરમિયાન ચાલુ કારમાંથી શાહપોરની પારસી જનરલ હોસ્પિટલ અને પંચાયત ભવન નિહાળ્યું હતું.
સુરતની ઊડતી મુલાકાત દરમિયાન ચાલુ કારમાંથી શાહપોરની પારસી જનરલ હોસ્પિટલ અને પંચાયત ભવન નિહાળ્યું હતું
કતારગામ સ્થિત SRK એક્સપોર્ટમાં ગોવિંદ ધોળકિયા પાસે રતન ટાટા એ હીરા ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે, એની રજે રજની માહિતી મેળવી હતી. રતન તાતાએ ત્યારે સુરતના વિકાસને જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો.
એ દિવસે તેઓ સુરતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમની કંપની ટાઇટનની ઘડિયાળોમાં હીરા સુરતની કંપનીના લાગે છે. 3 મે 2018 નાં રોજ સુરતની ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સની કતારગામમાં આવેલી આધુનિક ફેક્ટરી, કિરણ હોસ્પિટલની મુલાકાત પછી ધોળકિયા પરિવારના નિવાસસ્થાને ગયા હતા.
તેમણે સુરતની મુલાકાતને યાદગાર ગણાવીને સુરતના વિકાસ અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તેઓની ઈચ્છા મુંબઈની જેમ સુરતમાં એક કોસ્મોપોલિટન ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ બનાવવાની હતી. જોકે, એ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો.
તેમણે એક સાદગીસભર ખૂબ ઓછા લોકોની હાજરીમાં ગોવિંદ ધોળકિયાની માતાની સ્મૃતિમાં અપાતો “સંતોક્બા એવોર્ડ” સ્વીકાર્યો હતો. એ એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન ટાટાએ કહ્યું હતું કે, મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી અને મે એમાં ઉમેરો કરીને અમારા ગ્રુપને આગળ વધાર્યુ છે પણ ગોવિંદભાઈ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે. મારે એ જોવું છે.
3 મે 2018 નાં રોજ તેઓ સુરત ઍરપોર્ટ પર ઊતરતાં જ સીધા કતારગામ સ્થિત એસઆરકે એમ્પાયર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એસઆરકે એમ્પાયરની ત્રણ પેઢીનાં લોકો સાથે હળવો સંવાદ કર્યો હતો. તેમણે કાચા હીરાનાં કટિંગ પોલિશિંગથી લઈ કારીગર વર્ગ, ટેકનોલોજી, ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ માર્કેટ સુધીની પ્રક્રિયા જાણી હતી.
વર્ષો પછીની સુરતની મુલાકાતથી તેઓ ખૂબ ખુશ હતા. તેઓ સુરત વિશે સતત ઉલ્લેખ કરી રહ્યા હતા. બપોરે રતન ટાટા એ શુદ્ધ ગુજરાતી ભોજન સાથે સુરતી ખમણ નો સ્વાદ માણ્યો હતો. એ પછી ધોળકિયા ફાર્મ, વેડ-કરાડા ખાતે ધોળકિયા પરિવારના સભ્યો સાથે સવાલ જવાબ પણ કર્યા હતા.
ભારત અને વિશ્વ તમને કઈ રીતે યાદ રાખે? એવા ધોળકિયા પરિવારના એક સભ્યના પ્રશ્નના ઉત્તરમાં રતન ટાટાએ કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપાર વિસ્તાર કર્યો છે એના કરતાં મે કયા પ્રકારના બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે.
રતન ટાટાએ કહ્યું હતું કે સુરત વિશે હવે ઘણું જાણતો નથી. 20 વર્ષ પહેલા નવસારી જતી વખતે હું સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો હતો બસ એટલું જ યાદ છે. હું ગોવિંદભાઇ ધોળકિયાનો આભાર માનું છુ કે તેઓ એ મને વિમાનમાંથી સુરત દેખાડ્યું. સુરતની ઊંચી ઇમારતો જોઇ કહી શકું કે, આ શહેરે સારી પ્રગતિ કરી છે. સુરત આવ્યો ન હોત તો મુંબઈમાં બેસી 20 વર્ષ અગાઉ સુરતને જોયું હતું એ જ છબી મનમાં હોત.