મુંબઈઃ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ ઉદ્યોગપતિ રતન ટાટાના આજે તા. 10 ઓક્ટોબર 2024ની સાંજે મુંબઈના વરલી ખાતે આવેલા સ્મશાનગૃહમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ રતન ટાટાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. રતન ટાટાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટાનું બુધવારે રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં પહોંચી લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજકારણીઓથી લઈને અભિનેતાઓ, ખેલાડીઓ અને સામાન્ય લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, રાજ ઠાકરેથી લઈને કુમાર મંગલમ બિરલા અને રવિ શાસ્ત્રીએ NCPA ગ્રાઉન્ડ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બપોરે 3.30 વાગ્યા સુધી લોકો તેમના અંતિમ દર્શન કર્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.
મુંબઈના NCPA ગ્રાઉન્ડમાં અંતિમ દર્શન કર્યા બાદ રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મુંબઈના વરલી ખાતેની સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા રતન ટાટાના પાર્થિવ દેહને પ્રાર્થનાસભામાં રાખવામાં આવ્યો હતો. પ્રાર્થનાસભામાં લગભગ 200 લોકો હાજર રહ્યાં હતાં. 45 મિનિટ સુધી પ્રાર્થના કરાઈ હતી.
પ્રાર્થનાસભામાં પારસી પરંપરામાં ‘ગેહ-સરનુ’ વાંચવામાં આવ્યું હતું. રતન ટાટાના નશ્વર અવશેષોના મોં પર કપડાનો ટુકડો મૂકીને ‘અહનવેતિ’નો આખો પહેલો પ્રકરણ વાંચવામાં આવ્યો હતો. રતન ટાટાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ સાથે જ ભારતના રતનનો દેહ પંચ મહાભૂતમાં વિલિન થઈ ગયો હતો.
રતન ટાટાની પ્રાર્થનાસભામાં તમામ ધર્મના ગુરુઓ પહોંચ્યા, સાથે આપી શ્રદ્ધાંજલિ
NCPA ખાતે રતન ટાટાની પ્રાર્થના સભા દરમિયાન પણ સંવાદિતાથી ભરેલું દ્રશ્ય જોવા મળ્યું હતું. રતન ટાટાની પ્રાર્થના સભામાં માત્ર પારસીઓ જ નહીં પરંતુ હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ ભેગા થયા હતા અને મહાન આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
રતન ટાટાને ભારત રત્નથી સન્માનિત કરવા ઠરાવ પસાર
રતન ટાટાનું નિધન. તેમના નિધન સાથે જ તેમને ભારત રત્ન આપવાની માંગણી તેજ થઈ ગઈ છે. દરમિયાન, શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર કેબિનેટે સ્વર્ગસ્થ રતન ટાટાને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી સન્માનિત કરવા કેન્દ્રને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યો છે.