હવે દેશભરના લોકો રાષ્ટ્રપતિપદ માટે NDA તરફથી ઉમેદવાર દ્રૌપદી મુર્મુના નામથી વાકેફ થઇ ગયા હશે. દ્રૌપદી મુર્મુની રાજકીય સફર ભલે સારી રહી હોય પરંતુ કમનસીબે તેમના ગામની સ્થિતિ આદિવાસી વસાહતો જેવી જ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ હજુ સુધી તેમના ગામમાં વીજળીનું કનેક્શન પણ પહોંચ્યું નથી! જો કે, હવે ત્યાં આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે!
ડુંગુરીશાહી એ ઓડિશાના મયૂરભંજ જિલ્લાના કુસુમ બ્લોક હેઠળ આવેલું દ્રૌપદી મુર્મુનું પૈતૃક ગામ છે. મુર્મુના ઘર સિવાય ત્યાં લગભગ 20 પરિવારોની એક વસાહત છે. અહીં આજ દિન સુધી વીજ જોડાણ પહોંચ્યું નથી. સ્થાનિક લોકોએ તાજેતરમાં આ અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. હવે જ્યારે મુર્મુ ચર્ચામાં છે ત્યારે રાજ્ય સરકારે આ આદિવાસી બહુલ વિસ્તારમાં યુદ્ધના ધોરણે ઇલેક્ટ્રિક પોલ અને ટ્રાન્સફોર્મર લગાવવાનું કામ શરૂ કર્યું છે.
આ ગામના રહેવાસીઓએ કેરોસીન લેમ્પનો ઉપયોગ કરવો પડે છે. સાથે જ મોબાઈલ ચાર્જ કરવા માટે લોકોને એક કિલોમીટરના અંતરે આવેલા અન્ય ગામમાં જવું પડે છે! જો કે, હવે ગ્રામજનોને ખૂબ જ ગર્વ છે કે હવે તેમાંથી એકને ટૂંક સમયમાં દેશના સૌથી પ્રતિષ્ઠિત અને બંધારણીય પદથી નવાજવામાં આવશે. તેમ છતાં તેમની અંદર નારાજગી છે કારણ કે તેમના ગામને હજુ સુધી વીજળીનું કનેક્શન મળ્યું નથી. આ અંગે ડુંગરીશાહી ગામની પંચાયત સમિતિના સદસ્યોનું જણાવવું હતું કે, ટાઉનશીપમાં વીજ જોડાણ નથી. BJPએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યાં તે પહેલાં ગામના સ્થાનિક લોકોએ જિલ્લા મેજિસ્ટ્રેટને આ સંબંધમાં અરજી આપી હતી.
અહીંના લોકોનું કહેવું છે કે, ‘‘આજે પણ રાત્રે કેરોસીનના દીવા પ્રગટાવવા પડે છે તેમ જ મોબાઈલ ચાર્જ કરવા માટે નજીકની બસ્તી બાદશાહીમાં જવું પડે છે. રાજ્ય સરકારે ડુંગરીશાહી આદિવાસી બહુલ વિસ્તારમાં યુદ્ધના ધોરણે વીજ થાંભલા અને ટ્રાન્સફોર્મર લગાવવાની કામગીરી શરૂ કરી છે. હવે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં અમારાં ઘરોમાં વીજળી કનેક્શન હશે.’’દ્રૌપદી મુર્મુના નાના ભાઈ તરનિસેન ટુડુનું કહેવું છે કે, ‘‘જિલ્લામાં કુસુમ બ્લોકમાં બે વસાહતો છે.
બાદશાહી અને ડુંગુરીશાહી. ડુંગુરીશાહીથી 1 કિલોમીટરના અંતરે બાદશાહી બસ્તી આવેલી છે. બાળપણમાં ડુંગરીશાહી માત્ર 5 પરિવારોની નાની વસાહત હતી પરંતુ વર્ષોથી વસાહતના મકાનોની સંખ્યામાં વધારો થયો છે. અમે બધા બાદશાહીમાં મોટાં થયાં છીએ પરંતુ અમારા મોટા ભાઈ ભગત ચારણના પુત્ર બિરાંચી નારાયણ ટુડુ તેમના પરિવાર સાથે ડુંગુરીશાહીમાં રહે છે, જ્યાં વીજળીનું કનેક્શન નથી.’’મીડિયા સાથેની વાતચીતમાં મયૂરભંજ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ વિનિત ભારદ્વાજે કહ્યું હતું કે, ‘‘કુસુમ બ્લોક પંચાયતની ડુંગુરીશાહી બસ્તીમાં વીજળીનું કનેક્શન નથી.
આ અંગે વહીવટી કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં ગ્રામજનોને વીજળી કનેક્શન મળી જશે તેવી અપેક્ષા છે.’’ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ વીજળી બાદશાહી બસ્તીમાં પહોંચી હતી પરંતુ આ વસાહતથી માત્ર એક કિલોમીટર દૂર આવેલી ડુંગુરીશાહી ટાઉનશીપ વીજ જોડાણથી વંચિત રહી ગઈ હતી. હવે મુર્મુ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બન્યાં છે ત્યારે તેના પૈતૃક ગામને અંધારાં હવે નહીં ઉલેચવા પડે.