રાષ્ટ્રપતિ ભવનના (Rashtrapati Bhavan) પ્રતિષ્ઠિત ‘દરબાર હોલ’ અને ‘અશોકા હોલ’નું ગુરુવારે નામ બદલીને ‘ગંણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ (Ashok Mandap) કરવામાં આવ્યું હતું. આ હોલ વિવિધ ઔપચારિક કાર્યો માટેના સ્થળ છે. રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવન, રાષ્ટ્રપતિ કાર્યાલય અને નિવાસસ્થાન રાષ્ટ્રના પ્રતીકો અને લોકોની અમૂલ્ય ધરોહર છે. આને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એમ સચિવાલયના નિવેદનમાં જણાવાયું છે. રાષ્ટ્રપતિ ભવનના વાતાવરણને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને નીતિને અનુરૂપ બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે પ્રતિષ્ઠિત હોલ, ‘દરબાર હોલ’નું નામ બદલીને ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોકા હોલ’નું નામ બદલીને ‘અશોક મંડપ’ કર્યું છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે દરબાર હોલ રાષ્ટ્રીય પુરસ્કારોની રજૂઆત જેવા મહત્વના સમારોહનું સ્થળ છે. દરબાર શબ્દ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને એસેમ્બલીઓનો સંદર્ભ આપે છે. ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની સુસંગતતા સમાપ્ત થઈ ગઈ છે. ગણતંત્ર મંડપની અવધારણા પ્રાચીન સમયથી ભારતીય સમાજમાં ઊંડે ઊંડે જડેલી છે જેના કારણે સ્થળનું નામ ગણતંત્ર મંડપ રાખવામાં આવ્યું છે.
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અશોક શબ્દનો અર્થ એવી વ્યક્તિ થાય છે જે તમામ દુઃખોથી મુક્ત હોય. આ સિવાય અશોક સમ્રાટ અશોકનો પણ ઉલ્લેખ કરે છે જે એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનાં પ્રતીક છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સારનાથ અશોકની રાજધાની હતી. આ શબ્દ અશોક વૃક્ષનો પણ ઉલ્લેખ કરે છે, જેનું ભારતીય ધાર્મિક પરંપરાઓ તેમજ કળા અને સંસ્કૃતિમાં ગૂઢ મહત્વ છે. અશોક હોલનું નામ બદલીને અશોક મંડપ કરવાથી ભાષામાં એકરૂપતા આવે છે. અને અશોક શબ્દ પ્રમુખ મૂલ્યોને જાળવી રાખી અંગ્રેજીકરણની છાપ પણ દૂર કરે છે.