વડોદરા: યુનોના સમર્થન થી દર વર્ષે ૨૩ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ સંકેત ભાષા દિવસ એટલે કે વર્લ્ડ સાઈન લેન્ગવેજ દિવસ ઉજવવામાં આવે છે અને તેની સાથે આંતરરાષ્ટ્રિય બધિર કલ્યાણ સપ્તાહની ઉજવણી શરૂ થાય છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી અને મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન મૂકબધિર વિદ્યાલય ખાતે આ પ્રકારના દિવ્યાંગોને નર્સરી થી બારમા ધોરણ સુધીના શિક્ષણ ની વ્યવસ્થા છે અને સંકેતોની ભાષામાં આ શિક્ષણ આપવામાં આવે છે. તેના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા રશ્મિ મહેતા બે દાયકા કરતાં વધુ સમય થી શ્રવણ શક્તિ થી વંચિત દિવ્યાંગ બાળકોને સંકેતોની ભાષામાં શિક્ષણ આપવાનું કામ સમર્પિત પણે કરી રહ્યાં છે. તેમણે પિતાજી ના વારસા ને આગળ ધપાવવા ના સંકલ્પ સાથે સંકેતો ની ભાષા નું વિશેષ શિક્ષણ આ પ્રકારના દિવ્યાંગો ને શિક્ષિત કરવા મેળવ્યું હતું.
તેઓ કહે છે કે કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક હોય તેવી વ્યક્તિઓ સાઈન લેન્ગવેજ માં ડિપ્લોમા કે બી.એડ અને એમ. એડ. સુધીની શિક્ષણ મેળવી, સ્પેશિયલ એજ્યુકેટર તરીકે મૂકબધિરતાને લીધે દિવ્યાંગ છે તેવા બાળકોને શિક્ષિત કરવામાં મદદરૂપ બની શકે છે. ભાવનગર,અમદાવાદ અને વડોદરામાં આ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા છે. જો કે ગુજરાતમાં આ પ્રકારના વિશેષ શિક્ષણમાં એમ.એડ.કરવાની સુવિધા નથી. વિવિધ સંસ્થાઓ દ્વારા આ ક્ષેત્રમાં બ્રિજ કોર્સ ચલાવવામાં આવે છે.દિલ્હી ની આલિયાવર જંગ ઇન્સ્ટિટ્યૂટ સંકેત ભાષા પ્રશિક્ષણની શિરમોર સંસ્થા છે.
બારમા ધોરણ પછી વિશેષ શિક્ષણ સંસ્થાને બદલે સામાન્ય બાળકો સાથે જ આ બાળકો એ કોલેજ શિક્ષણ લેવાનું હોય છે.રશ્મિબેન કહે છે કે શ્રવણ શક્તિ અને વાચાના અભાવ સિવાય આ બાળકો ખૂબ પ્રતિભાશાળી હોય છે, ઊંચો આઇક્યુ ધરાવે છે. સંસ્થાના ઘણાં વિદ્યાર્થીઓ સ્નાતક થયાં છે અને આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી આદિત્ય ભાલેરાવે અહીં બારમા સુધીનું શિક્ષણ મેળવ્યા પછી,એમ.એસ. યુનિવર્સિટી ની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ડિપ્લોમા અને ડિગ્રી નું શિક્ષણ લઈ સંસ્થામાં જ ડ્રોઈંગ શિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સંસ્થામાં તેમની સાથે પ્રાથમિક વિભાગના આચાર્ય દિપક બારોટ સહિત ૨૧ સાથીઓ સંકેતોની ભાષામાં શિક્ષણ આપીને દિવ્યાંગોના જીવન ઘડતરનું ઉમદા કાર્ય કરી રહ્યાં છે.