Charchapatra

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ

મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે….ના રચયિતા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા અને મુઘલે આઝમ ફિલ્મ એમનું નામ હટાવાયું ત્યારે ઘણો વિવાદ થયો હતો. અને નિર્માતાએ માફી સાથે કવિ તરીકે એમનું નામ ફરી મૂક્યું હતું. આ કવિ ખરેખર મુઠ્ઠી ઊંચેરા હતા.

એમણે ઘણાં ગીતો જૂની રંગ ભૂમિ માટે લખ્યાં હતાં, જે આજે પણ એટલાં જ લોકપ્રિય છે અને એમનાં ગીતો જયારે નાટકમાં ગવાતાં હતાં ત્યારે વન્સ મોર ઉપર વન્સ મોર થતાં હતાં. એ આ રસકવિની કલમનો પ્રતાપ હતો. એમનો જન્મ નડિયાદમાં થયો હતો.

૧૯૧૬ માં તેઓ જયારે માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે એમનું પહેલું નાટક “બુદ્ધ દેવ” ભજવાયું હતું. તે પણ મુંબઈની રંગ ભૂમિ ઉપર. આ નાટક સુપર હીટ નીવડ્યું હતું. મહા કવિ નાનાલાલ એમના માટે એમ કહે છે કે “ એક રઘુનાથ આવ્યો ને એમણે ગાયું: “ નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલમાં” ને હજારો ગુર્જર નારીઓએ એને સ્નેહથી ઝીલી લીધું.

ઉમાશંકર જોશી એમ નોંધે કે “ કવિનો સ્નેહ મારી જેમ ઘણા પામ્યા હશે . એમની આંખમાં અમી ઉભરાતું હોય . ગુજરાતી ભાવગીતોને એમણ સમૃદ્ધ કર્યાં. એમનાં કેટલાંયે ગીતો લોકગીતો તરીકે પ્રસિદ્ધિ પામ્યાં.  કેટલાંય નાટકો એમનાં ગીતોને કારણે સફળ થયાં હતાં.

લોકો માત્ર નાટકમાં એમનાં ગીતો માણવા જ જતાં. શૃંગાર રસમાં છીછરા બન્યા વગર એમણે સુંદર ગીતો આપ્યાં. સરસ્વતી ચંદ્ર જેવી અમર કૃતિને એમણે નાટ્યદેહ પણ આપ્યો હતો. તેમણે પોતાની આત્મકથા “સ્મરણ મંજરી” પણ લખી છે , જેમાં તેમણે ગુજરાતી રંગભૂમિનાં સ્મરણો પણ લખ્યાં છે. ગુજરાતી રંગભૂમિ તેમને “વન્સ મોર” ની શ્રુંખલાના ગીતકાર તરીકે હંમેશા યાદ કરશે.

રસકવિના  કેટલાંય ગીતો અમર બનીને હજુ પણ લોકોના મોઢે ગવાય છે. “ સાર આ સંસારમાં ન જોયો..; બાઈ મુને પિયરીયું ગમતું નથી; અને શિરમોર રચના “સાહ્યબો મારો ગુલાબનો છોડ”. જેવાં કેટલાંય ગીતો લોકજીભે રમે છે.  કવિ પાગલનું નાટક “હંસા  કુમારી” માટે એક ગીતની જરૂર હતી ને નાટકનો મેનેજર રસ કવિ પાસે ગયો ત્યારે તેઓ સખ્ત તાવથી પીડાતા હતા.

પણ નાટકનું નામ આવતાં તેઓએ કલમ હાથમાં લીધી ને ગરમ હાથે તેમણે લખવાનું શરૂ કર્યું તે ગીત : સાહ્યબો મારો ગુલાબનો છોડ…અને તે ગીત સુપર હીટ નીવડ્યું હતું. દર્શકોને શીતળતા બક્ષી. જેનું સ્વરાંકન મોહન જુનિયરે કર્યું હતું.

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જ્યાં સુધી રંગભૂમિ અને નાટકો જીવતાં હશે ત્યાં સુધી યાદ કરાતાં રહેશે..ગુજરાતી રંગભૂમિના રોયલ સામ્રાજ્યના એક માત્ર રાજવી એટલે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ. પૌરાણિક. સામાજિક અને ઐતિહાસિક નાટકો લખીને એઓ અમરત્વ પામ્યા. આ રહ્યા એમના અદકેરાં સર્જનો: શૃંગીઋષિ, બુદ્ધદેવ, અજાતશત્રુ,  સ્નેહ મુદ્રા, પ્રેમ વિજય,છત્ર વિજય,…જેવાં અનેક નાટકો એમણે આપ્યાં છે.

સુરત- દિલીપ વી. ઘાસવાલા            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top