SURAT

સુરતમાં 24 કલાકમાં 3 બ્રેઈનડેડ વ્યક્તિઓના ઓર્ગન ડોનેશનની વિરલ ઘટના બની

સુરત : ઓર્ગન ડોનર સિટી તરીકે નામના ધરાવતા સુરત (Surat) શહેરમાં એક વિરલ ઘટના બની છે. તેમાં 24 કલાકમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ બ્રેઇન ડેડ (Brain Dead) વ્યકિતઓના ઓર્ગન ડોનેટ (Organ Donation) કરવામાં આવ્યા છે અને ત્રણ બ્રેઇન ડેડ વ્યક્તિઓના 10 અંગોનું દાન આપવામાં આવ્યું છે. તેનાથી 10 વ્યક્તિઓને નવજીવન મળશે.

આમ નવી સિવિલ હોસ્પિટલમાંથી 24 કલાકમાં ત્રણ બ્રેઈનડેડ વ્યકિતઓના 10 અંગોનું દાન થયું હતું. તેનાથી 10 વ્યકિતઓને નવજીવન મળશે. મહાદાન થયું છે. આમ, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન ૨૪ વ્યકિતઓના અંગદાન થયા છે. જેમાં પ્રથમ વખત સુરત ખાતેથી હ્રદયનું પ્રેરણારૂપ દાન થતા માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે. અત્યાર સુધીમાં કુલ ૬૮ અંગોનું દાન કરાયું છે, જેમાં ૧૯ લીવર, ૪૨ કિડની, ૩ હાથ, ૧ સ્વાદુપિંડ, બે આંતરડા તથા એક હ્દયના દાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે.

35 વર્ષના અવિનાશના લિવર અને કિડનીનું દાન
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર પ્રથમ બનાવમાં ૩૦મી એપ્રિલના રોજ મહારાષ્ટ્રના દહાણુ ખાતે ૩૫ વર્ષીય અવિનાશ લક્ષ્મણ ધોડાડે ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે અકસ્માત થતા સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ડોક્ટરોએ 2 મેના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ સ્થિત સોટોની ટીમના સભ્યોએ અવિનાશના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે સંમતિ આપતા અવિનાશનું લિવર તથા બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. કિડનીને રાજકોટ તથા લિવરને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયું હતું.

45 વર્ષના સંતોષ ચૌધરીના હ્દય અને કિડનીનું દાન
સુરત શહેરની મહાલક્ષ્મી સોસાયટી, બમરોલી, પાંડેસરામાં રહેતા અને મહારાષ્ટ્રના જલગાંવમાં તેમના ભાઈની તબિયત પુછવા ગયેલા ૪૫ વર્ષીય દિપક સંતોષ ચૌધરીને ચક્કર આવતા બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જયાં તા.૩જી મેના ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરિવારે સંમતિ આપતા દિપકના બે કિડની તથા હદયનું દાન સ્વીકારાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું.

23 વર્ષના પ્રિતેશના કિડની, લિવર અને આંતરડાનું દાન
સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા ૨૩ વર્ષીય પ્રિતેશ રાજભર તા.૩૦મી એપ્રિલ, રવિવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ ગત 2 મેના રોજ ડોક્ટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેઈનડેડ પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજી વાર આંતરડાનું દાન થયું છે.

Most Popular

To Top