નવી દિલ્હીઃ કેનેડામાં ભારે વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. લોકપ્રિય ઈન્ટરનેશનલ રેપર ડ્રેકને પણ વરસાદના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેનેડિયન ગાયક-રેપર ડ્રેકના મહેલ જેવા ભવ્ય ઘરમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે. રેપર ડ્રેક તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
ડ્રેકની આ ભવ્ય હવેલી કેનેડાના ટોરોન્ટોમાં છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના ઘરની અંદર વરસાદી પાણી ભરાતા જોવા મળી રહ્યા છે. જો કે, વિડીયો સાથેના કેપ્શનમાં, ડ્રેકએ મજાકમાં લખ્યું, “આ એસ્પ્રેસો માર્ટીની હોવી જોઈએ!”
ડ્રેકએ આ હવેલી 2018માં ખરીદી હતી અને તે એ વિસ્તારમાં છે જેને ‘મિલિયોનેર રો’ એટલે કે મિલિયોનેર લેન કહેવામાં આવે છે. તેણે તેનું સંપૂર્ણ રિનોવેટ કરાવ્યું અને તેને ‘ધ એમ્બેસી’ નામ આપ્યું હતું. અહેવાલો સૂચવે છે કે ડ્રેકના આ ભવ્ય ઘરની કિંમત 100 મિલિયન ડોલર એટલે કે 800 કરોડ રૂપિયા કરતાં વધુ છે.
કેનેડામાં વરસાદનો કહેર
ટોરોન્ટોમાં ત્રણ તોફાન બાદ રેકોર્ડ વરસાદ થયો છે અને શહેરમાં વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના અહેવાલ છે. અહેવાલો દર્શાવે છે કે ટોરોન્ટોમાં જુલાઈના વીતેલા 15 દિવસમાં જેટલો વરસાદ પડયો તેના કરતાં માત્ર 4 કલાકના સમયગાળામાં વધુ વરસાદ પડ્યો છે.
આ મુશળધાર વરસાદને કારણે રાજમાર્ગો અને રસ્તાઓને ઘણું નુકસાન થયું છે અને હજારો લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે. ટોરોન્ટો સ્ટારનો અહેવાલ જણાવે છે કે ટોરોન્ટો, કેનેડામાં મંગળવારે 1938 પછીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે અને ત્યાં વધુ વરસાદની અપેક્ષા છે.
મંગળવારે તા. જુલાઈ 16ના રોજ સત્તાવાર રીતે ટોરોન્ટોના ઇતિહાસમાં પાંચમો સૌથી ભીનો દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. ટોરન્ટોની સાથે અન્ય ઘણા વિસ્તારો પણ વરસાદને કારણે ખરાબ હાલતમાં છે. અનેક વિસ્તારોમાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસે ચેતવણી જારી કરી છે.