ગાઝિયાબાદ: ફિલ્મોમાં વિદેશની મોટા કાચની વિન્ડોવાળી ટ્રેનો જોઈએ ત્યારે મનમાં સવાલ થાય કે ક્યારે વિદેશ જઈશું અને આવી ટ્રેનમાં બેસીશું. પરંતુ હવે કાચની વિન્ડોવાળી ટ્રેનોમાં બેસવા માટે વિદેશ જવાની જરૂર નથી. ભારતમાં જ ટૂંક સમયમાં આવી ટ્રેનો દોડતી થશે. ગુજરાતમાં વિદેશી સ્ટાઈલની આવી ટ્રેન બની ચૂકી છે. રેપિલ રેલ કોરિડોર માટે બનાવાયેલી આ ટ્રેનની પહેલીવાર તસવીરો સામે આવી છે. આજે ગાઝિયાબાદના દુહાઈ ખાતે આ ટ્રેનને પ્રદર્શન માટે રજૂ કરાઈ હતી.
- ટ્રેનની અંદર વિમાન જેવી સીટ, 1500 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકશે
- આ રેપિડ રેલ દિલ્હી-NCR રૂટ પર પ્રતિ કલાક 100 કિ.મી.ની સ્પીડમાં દોડશે
- દિલ્હી-મેરઠ વચ્ચેનું અંતર ટ્રેન 1.10 કલાકમાં કાપશે, ત્રણ ગણી સ્પીડમાં મંઝિલ પર પહોંચાડશે
- આ હાઈટેક-હાઈસ્પીડ ટ્રેન 2023માં સાહિબાબાદથી દુહાઈ વચ્ચે દોડાવવાની તૈયારી
આ ટ્રેન દિલ્હી-એનસીઆરના રૂટ પર દોડશે. દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે ના નિર્માણ બાદ હવે એનસીઆર (NCR)ના લોકોને દેશની પ્રથમ રિજનલ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ની સુવિધા મળશે. આ રેપિડ રેલ 100 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનની અંદર વિમાન જેવી બેઠક વ્યવસ્થા રહેશે. ટ્રેનમાં કુલ 6 કોચ છે, જે સમય જતા 9 કરવામાં આવી શકે છે. ટ્રેનમાં હાલ કુલ 1500 મુસાફરો મુસાફરી કરી શકશે. માર્ચ 2023 સુધીમાં સાહિબાબાદથી દુહાઈ વચ્ચે આ રિજનલ રેપિડ ટ્રેન દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે. આ ટ્રેન શરૂ થયા બાદ દિલ્હી મેરઠ વચ્ચેનું 82 કિ.મી.નું અંતર 1 કલાકથી ઓછા સમયમાં કાપી શકાશે. હાલમાં બસમાં આ અંતર કાપવામાં 2 કલાકનો સમય લાગે છે. આ ટ્રેન મેટ્રો કરતા સારી સુવિધા સાથે ત્રણ ગણી સ્પીડમાં મુસાફરોને મંઝિલ પર પહોંચાડશે.
NCRTC એ બુધવારે 82 કિમી લાંબા રેપિડ રેલ કોરિડોર (Rapid Rail Corridor ) માટે તૈયાર કરાયેલા પ્રથમ અત્યાધુનિક રેલ કોચની ઝલક આપી હતી. ગુજરાતના (Guajart) સાવલીમાં બોમ્બાર્ડિયર પ્લાન્ટમાં તૈયાર કરાયેલો પહેલો કોચ રેપિડના ગાઝિયાબાદ સ્થિત દુહાઈ ડેપો ખાતે પહોંચ્યો હતો. રેપિડ કોચ અનેક સુવિધાઓથી સજ્જ છે. રેપિડ રેલમાં પણ ઘણી એવી સુવિધાઓ છે જે વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનોમાં પણ નથી. આ સાથે તેમાં મુસાફરી કરતા લોકોના અંતર અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણી એવી સુવિધાઓ આપવામાં આવી છે, જે પ્રવાસને ખૂબ જ સરળ બનાવશે. તસવીરોમાં જુઓ રેપિડ રેલ અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓ જે ઘણી હાઈટેક ટ્રેનોમાં પણ નથી.
રેપિડ રેલ બહારથી જેટલી સ્ટાઇલિશ લાગે છે જેટલી અંદરથી ખાસ છે. આ ટ્રેનમાં જનરલ અને પ્રીમિયમ એમ બે પ્રકારના કોચ હશે. પ્રથમ છ કોચની વચ્ચે ટ્રેનમાં એક પ્રીમિયમ કોચ હશે. જનરલ કોચમાં એક તરફ ત્રણ ગેટ હશે અને પ્રીમિયમ કોચમાં બે ગેટ હશે.
રેપિડ રેલમાં મુસાફરો તેમનો સામાન મૂકી શકે તે માટે ખાસ રેક બનાવવામાં આવ્યા છે. આમાં અન્ય ટ્રેનોની સરખામણીમાં સામાન રાખવા માટે એક મોટી રેક બનાવવામાં આવી છે, જેમાં વધુને વધુ સામાન રાખી શકાય છે.
ડ્રાઇવરના કોચને પણ અત્યાધુનિક સુવિધાઓથી પણ સજ્જ કરાયો છે. ઈમરજન્સી સ્થિતિમાં ડ્રાઈવર સાથે સંપર્ક સાધી શકાય તેવા તમામ પ્રકારના આધુનિક ઉપકરણો ડ્રાઈવરની કોચમાં રાખવામાં આવ્યા છે.
પ્રીમિયમ ક્લાસની બ્લુ સીટોમાં રિક્લાઈનિંગની સુવિધા હશે. આ સુવિધા વંદે ભારતની જનરલ કોચ સીટોમાં નથી જ્યારે તે લાંબા અંતરને આવરી લે છે. એક કોચમાં કુલ છ ઓટોમેટિક એન્ટ્રી-એક્ઝિટ દરવાજા અને બહારથી જોવા માટે મોટી કાચની બારીઓ હશે.
દરેક કોચની દરેક સીટ પર મોબાઈલ, લેપટોપ ચાર્જિંગ સોકેટ અને વાઈફાઈની સુવિધા આપવામાં આવી છે. રેપિડ રેલના પ્રથમ કોચ દુહાઈ પહોંચ્યા બાદ મીડિયાને કવરેજ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. અહીં NCRTCના મેનેજિંગ ડિરેક્ટર વિનય કુમાર સિંહે પત્રકારોને રેપિડ કોરિડોર વિશે માહિતી આપી. વિકલાંગ લોકો માટે દરવાજા પાસે વ્હીલચેરની જગ્યા અને સ્ટ્રેચર આપવામાં આવ્યું છે. આ ટ્રેનમાં ઊભેલા મુસાફરો માટે બે હેન્ડલ હશે, જેને તેઓ પકડીને સવારી કરી શકશે. એક માથાની ઉપર હશે અને બીજી પણ સીટ પર હશે.