સુરત: સચિનમાં 5 મહિના પહેલા માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય (Rape) આચરી હત્યા (Murder) કરનાર 23 વર્ષીય આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશનલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. એટલું જ નહીં પણ ફાંસીની સજાનો હુકમ કરી ઘટનાને ગંભીર ગણાવી હતી. સરકાર પક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને આરોપીને મહત્તમ ફાંસીની સજા,દંડ તથા ભોગ બનનાર બાળકીના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા માંગ કરવામાં આવી હતી.
નયનભાઈ સુખડવાલા (મુખ્ય સરકારી વકીલ) એ જણાવ્યું હતું કે, મૂળ નવસારીના જિલ્લાના ચીખલી તાલુકાના આલીપુરના વતની અને છુટક મજુરી કરી માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહેતા 23 વર્ષીય આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત(રે.સરદાર ફળીયું, કપ્લેથા તા.ચોર્યાસી)ને પીડિત માસુમ બાળકીના પિતા સાથે મિત્રતાના સંબંધ હતા. ઘરે અવર-જવર રહેતી હોવાથી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત મિત્ર ની દોઢ વર્ષની માસુમ બાળકીને રમાડવા બહાર લઈ જતો હતો.
આરોપી ઈસ્માઈલ હજાત ગઈ તા.27-2-23ના રોજ ફરિયાદીના ઘરે જતાં તેની એક વર્ષ, નવ મહીના અને 17 દિવસની દીકરી રડતી હોવાથી માસુમ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો. ત્યારબાદ કપ્લેથા ગામના તળાવ નજીક એક અવાવરુ મકાનના વાડામાં લઈ જઈને બાળકીની નાભિના ભાગે બચકાં ભરી ઈજા કરીન દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યા બાદ હત્યા કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર ક્યાં છે તેવું આરોપીને પુછતાં હું હમણાં લાઉં છું તેવું કહીને આરોપી દોડીને ભાગી જતો હોવાનું સીસીટીવી ફુટેજ મળ્યા હતા. શોધખોળમાં ઘટના સ્થળેથી બાળકી મૃત્ત હાલતમાં મળી આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, સચીન પોલીસે માસુમ બાળકીને વાલીપણાના કબજામાંથી બદકામ કરવાના ઈરાદે લઈ જઈ દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને ગંભીર ઈજા પહોંચાડી હત્યાના ગુનામાં આરોપી ઈસ્માઈલ હજાતની ગઈ 28મી ફેબુ્રઆરીએ ધરપકડ કરી જેલ ભેગા કરી નિયત સમય પહેલાં જ ચાર્જશીટ રજુ કરી દીધું હતુ. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી વિરુધ્ધ ચાર્જફ્રેમ થયા બાદ માત્ર પાંચ જ મહીનના ટુંકાગાળામાં સ્પીડી ટ્રાયલ ચલાવીને કુલ 59 સાક્ષીઓ તથા 70 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
પોક્સો કેસોની ખાસ અદાલતે આરોપી ઈસ્માઈલ હજાતને એટ્રોસીટી એક્ટના ભંગના ગુના સિવાય તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો.જેથી મોડી સાંજે દોષી ઠરેલા ઈસ્માઈલ હજાતની વિરુધ્ધ માસુમ બાળકી પર દુષ્કર્મ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય તથા હત્યા જેવા ગંભીર ગુના આચર્યા હોઈ સરકારપક્ષે આરોપી વિરુધ્ધના કેસને રેરેસ્ટ ઓફ રેર ગણીને કેપીટલ પનીશમેન્ટની મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારના પરિવારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા પણ માંગ કરી હતી.
આરોપીના બચાવપક્ષે લીગલ એઈડના વકીલ પંચોલીએ આરોપી યુવાન વયના હોવા ઉપરાંત માતા-પિતા તથા એક બહેનનું ભરણ પોષણ કરતા હોઈ ગુનાઈત ઈતિહાસ ન હોઈ મહત્તમને બદલે ઓછી સજા કરવા માંગ કરી હતી.જેથી બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે ચુકાદો આપતા કોર્ટે દુષ્કર્મીને ફાંસીની સજા ફટકારી છે.
ઈસ્માઈલ હજાતના મોબાઈલમાંથી 251 ક્લીપ્સ મળી હતી. કપ્લેથા ગામમાં માત્ર દોઢ વર્ષની બાળકીનું અપહરણ-દુષ્કર્મ,હત્યા કરી પોક્સો એક્ટના ભંગ કરવાના ગુનામાં કોર્ટે દોષી ઠેરવેલા ઈસ્માઈલ હજાતના મોબાઈલ ડેટા મેળવવામાં આવ્યા હતા. સરકારપક્ષે FSLના અધિકારીઓના રિપોર્ટને રજુ કરીને આરોપીના મોબાઈલમાંથી કુલ 215 જેટલી નાની ઉંમરના બાળકો પર હિંસા આચરવા, તેની હત્યા કેવી રીતે કરવી,નાભિના ભાગે ઈજા કરવા સહિતની આપત્તિજનક ઈમેજ અને ક્લીપ્સ મળી આવી હતી. જેનો અમલ કરતો હોય તેમ ઈસ્માઈલ હજાતે ભોગ બનનાર બાળકીની નાભિના ભાગે બચકાં ભરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા મેડીકલ એવીડન્સમાં પુરવાર થયું હતુ. તદુપરાંત 23 વર્ષીય આરોપી ઈસ્માઈલે દોઢ વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યા પહેલાં પણ પોતાની વયથી 10-15 વર્ષ મોટી વયની મહીલા સાથે પણ સંબંધો હોવાનું મોબાઈલ ડેટાની વિગતોમાં બહાર આવ્યું હતુ.