સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા અને ભાજપના કાર્યકતા (bjp worker) વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલ (Vishal patil)ની સામે વધુ એક બળાત્કારની ફરિયાદ (rape fir) નોંધાઇ છે. વિશાલ પાટીલે યુવતીની સાથે કીસ કરતા ફોટા પાડી લીધા હતા અને તેને વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર પણ ગુજાર્યો હોવાની ફરિયાદ ઉધના પોલીસ (Udhna police)ના ચોપડે નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉધનામાં રહેતા વિશાલ ઉર્ફે ભુષણ વિજય પાટીલે સોસાયટીમાં જ રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવી હતી. સોસાયટીમાં જ આ યુવતી રહેતી હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા હતી. બંને એકબીજાના ઘરે આવ-જા કરતા હતા અને મુલાકાત પણ કરતા હતા. દરમિયાન વિશાલે યુવતીની સાથે કીસ કરતા અને ગળે મળતા ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ ફોટાને વાઇરલ કરી દેવાની ધમકી આપીને બેથી ત્રણ વાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ બાબતે યુવતીએ પોતાના પરિવારને જાણ કરી હતી. ત્યારે વિશાલે યુવતીના પરિવાર સાથે ઝઘડો કરીને રૂા. 20 હજાર પણ પડાવી લીધા હતા. વારંવારના ત્રાસથી યુવતીએ આખરે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિશાલ પાટીલની સામે બળાત્કારનો ગુનો નોંધીને તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં આ કેસની તપાસ એસસીએસટી સેલના એસીપી કરી રહ્યા છે.
વિશાલ પાટીલ સામે દોઢ મહિના અગાઉ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાઇ હતી
પોલીસના જણાવ્યા પ્રમાણે વિશાલ ભાજપનો કાર્યકતા છે અને વિકૃત માનસિકતા ધરાવે છે. દોઢ મહિના પહેલા પણ વિશાલે અન્ય એક યુવતીની છેડતી કરી હતી અને તે બાબતે ઉધના પોલીસમાં જ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો હતો. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઇલ પર સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો હતો.
આ છેડતીની ફરિયાદ નોંધાઇ ત્યારબાદ વિશાલે અન્ય એક પરિવારને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે પણ વિશાલની સામે ધમકીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાં હવે વિશાલે યુવતીને બ્લેકમેઇલ કરીને બળાત્કાર ગુજાર્યાની ઘટના બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. હાલમાં વિશાલ પાટીલની સામે ત્રણ જેટલી ફરિયાદ નોંધાઇ છે.