ભારતમાં નિર્ભયા કેસના (Nirbhaya Case) આરોપીઓને ફાંસીની સજા થયા પછી એવી આશા હતી કે ન્યાયતંત્રનો આ ચૂકાદો હવસખોરોમાં ડર પેદા કરશે અને દેશમાં બળાત્કાર, રેપના કેસ ઓછા થશે. પણ લાગે છે કે દેશમાં બળાત્કારીઓમાં ડર પેદા કરવામાં આપણે એક દેશ, સમાજ અને વ્યવસ્થા બધી રીતે નિષ્ફળ ગયા છીએ.
16 જાન્યુઆરીએ, ભોપાલના કોલાર વિસ્તારની (Bhopal, MP) 24 વર્ષીય યુવતી પર બળાત્કારની કોશિશ કરવામાં આવી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેના માથા પર પથ્થર મારી દીધો હતો. આ માર એટલો ગંભીર હતો કે યુવતીની કરોડરજ્જુ તૂટી ગઈ. ત્યારપછી તેનું ઓપરેશન કરવામાં આવ્યું તેને 42 ટાંકા આવ્યા. પરંતુ હવે આ યુવતી જીવનમાં આગળ વધી શકી રહી નથી. આ કિસ્સામાં યુવતીનો બળાત્કાર થયો નથી. આરોપી બળાત્કાર કરી શક્યો નહોતો. પણ જે રીતે યુવતી સાથે વર્તન થયુ તેની આપવીતી સાંભળીને કોઇના પણ રૂંવાટા ઊભા થઇ જશે. વળી પોલીસની નફ્ફટાઇ એવી છે કે પોલીસ મહિના પછી પણ સક્રિયપણે આરોપીની શોધખોળ કરવાને બદલે બહાનાબાજી કરી રહી છે.
એક ટોચના અખબારે આ કિસ્સાનો પર્દાફાશ કર્યો છે. અખબાર સાથેની વાતચીતમાં યુવતીએ ખુલાસો કર્યો કે, ‘હું 16 જાન્યુઆરીએ સાજે 7.30 વાગ્યેની આસપાસ વૉક માટે નીકળી હતી. અચાનક સામેથી એક છોકરો આવ્યો તેણે મને રસ્તાની બાજુમાં પાંચ ફૂટ ઊંડી ઝાડીઓમાં ફેંકી દીધી. નીચે પડતા જ મારી કરોડરજ્જૂ તૂટી ગઇ. મેં બચવાના પ્રયાસ કર્યા તો તે મને જાનવરની જેમ મારવા લાગ્યો, મને બચકા ભરવા લાગ્યો. મેં મદદ માટે બૂમો પાડી તો તેણે મારા માથા પર પથ્થરથી ઘા કરવાનું શરૂ કર્યુ, મને લાગ્યુ હું મરી જઇશ એટલે મેં એની પાસે ભીખ માંગી. મેં એને કહ્યુ રેપ કરી લે, પણ મને માર નહીં. આ સાંભળીને એણે પથ્થર બાજુ પર ફેંક્યો. એ મારા શરીરને પીંખી રહ્યો હતો. દરમિયાન મેં મદદ માટે ચીસો પાડી તો દૂરથી બે લોકો આવ્યા. તેમને આવતા જોઇ આ શખ્સ ભાગી ગયો. મારો બચાવ કરવા આવેલા લોકો મને એઇમ્સ લઇને આવ્યા..’
આ યુવતીના કહેવા પ્રમાણે તેની કરોડરજ્જૂમાં લોખંડનો સળિયો મૂકાયો છે. તે હજી ઓછામાં ઓછા 6 મહિના પલંગ પરથી ઊઠી સકશે નહીં. તેની નોકરી છૂટી ગઇ છે. તેના કહેવા મુંજબ પોલીસને અનેકવાર વિનંતી કરવા છતાં પોલીસ આરોપીને શોધી લાવી નથી. તેણે કહ્યુ કે, ‘પોલીસને ઘટના સ્થળ નજીક મળેલા CCTV કેમેરામાં દેખાયુ છે કે તેણે મને ધક્કો માર્યો છે. ઘટનાના 20 દિવસ પછી એક શખ્સની ધરપકડ કરી હતી, પણ આજ સુધી ઓળખ માટે તેને મારી સામે લાવ્યા નથી. પોલીસ આને સામાન્ય મારપીટનો કેસ ગણે છે. ન્યાય માટે મારી માતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાસે જશે.’.