SURAT

પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ કરનાર એક દિવસના રિમાન્ડ પર

પાંડેસરામાં 10 વર્ષની બાળકીની સાથે બળાત્કાર થતો રહી ગયો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે તેલ લગાવીને બળાત્કારનો પ્રયાસ કરાયો હતો. જો કે, બાળકીએ બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આરોપી સુરજને ઝડપી કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ પાંચ દિવસ પહેલા પાંડેસરામાં એક મજૂર પરિવારના સભ્યો કામે ગયા હતા. ત્યારે તેની 10 વર્ષની બાળકીને ટાર્ગેટ કરીને વડોદ ગામમાં રહેતા સુરજ પાંડેએ તેણીને રૂમના પાછળના ભાગે લઇ જઇને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બાળકીને રૂમમાં લાવીને તેના કપડા કાઢી ગુપ્તાંગના ભાગે તેલ લગાવીને બળાત્કાર કરવાનો પ્રયાસ થયો હતો.

બાળકીએ સમયસર બુમો પાડતા આજુબાજુમાંથી લોકો ભેગા થઇ જતા સુરજ પાંડે ભાગી ગયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં લઈને છોડી દીધો હતો. ત્યારબાદ બાળકીને ગુપ્તાંગના ભાગે દુ:ખાવો થતા તેને નવી સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે છેડતીનો ગુનો નોંધીને સુરજ પાંડેની ધરપકડ કરી લીધી હતી.

જો કે, બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ થયો હોય પોલીસે પોક્સો એક્ટ ઉમેરવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ સાથે જ પોલીસે સુરજ પાંડેના ચાર દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકાર તરફે વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને વધુમાં વધુ રિમાન્ડ આપવા કહ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ સુરજ પાંડેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સાથે જ પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવી હતી.

પોલીસે રજૂ કરેલા રિમાન્ડના મુદ્દાઓ

  • બાળકીને ક્યાં ક્યાં લઇ ગયો છે તેની સાથે રાખીને તપાસ કરવાની છે
  • વિકૃત માનસિકતા ધરાવતો હોય, ભૂતકાળમાં ક્યારેય કોઇની સાથે દુષ્કર્મ કર્યું છે કે નહી..? તે તપાસવાનું છે
  • આરોપી કોઇ બાળમજૂરી કરાવતી ગેંગ સાથે સંકળાયેલો છે કે નહી..? તે તપાસવાનું છે

ન્યાય નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની સહાયની ખાતરી
નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ૧૦ વર્ષની બાળકી અને તેના પરિવારને આજે સવારે આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા કોપોરેટર ધર્મેશ ભંડેરી, ઉપાધ્યક્ષ સુરત શહેર સહીતના પદાધિકારીઓ મળ્યા હતા. સૌથી પહેલા તેઓએ પરિવારને ‘તમે ઘબરાશો નહી, અમે તમારી સાથે છીએ’ તેવી સાંત્વના અને હિમ્મત આપી હતી.

ધર્મેશ ભંડેરીએ કહ્યું હતું કે અમે અને પાર્ટી પીડિત પરિવાર સાથે છે. આ સિવાય વધુમાં તેમને જણાવ્યું હતું કે પાંડેસરા પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ માત્ર અટકાયતી પગલાં લઈને છોડી દેવામાં આવ્યો હતો. જ્યારે બાળકીને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા ત્યારે ડોક્ટરોએ પણ ઘણા દિવસો થઇ ગયા છે તેમ કહી સારવાર આપવામાં આનાકાની કરી હતી. આરોપીના પરિવાર તરફથી પણ પીડિતાના પરિવારને કેસ પાછો ખેંચી લેવા માટે ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. જેથી પોલીસે પરિવારને જરૂરી સહાય અને સુરક્ષા આપે તેવી માંગ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top