Vadodara

રણુજા દર્શન કરી પરત ફરી રહેલા 4 હોમગાર્ડ જવાનોને કાળ ભરખી ગયો

કાવઠ પાટીયા નજીક શુક્રવારના રોજ વહેલી સવારે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ આઈશર અને આઈ૨૦ કાર સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ હોમગાર્ડ જવાનો પૈકી ચારના કરૂણ મોત નિપજ્યાં હતાં, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક જવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કપડવંજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતાં રમેશભાઈ મોતીભાઈ ઝાલા (ઉં.વ ૫૫), મહેશભાઈ રઈજીભાઈ ઝાલા (ઉં.વ ૪૮), નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉં.વ ૩૫), શૈલેષભાઈ કેદરસિંહ રાઠોડ (ઉં.વ ૩૩) અને દિલીપભાઈ અભયસિંહ સોલંકી (ઉં.વ ૨૯) ગત તારીખ ૨૭ સપ્ટેમ્બરના રોજ આઈ૨૦ કાર નં જીજે ૦૭ ડીએ ૮૩૧૮ લઈને રણુજા ખાતે આવેલ શ્રી રામદેવપીરના મંદિરે દર્શન કરવા માટે ગયાં હતાં.

જ્યાં દર્શન કરી બે દિવસ રોકાયાં બાદ તેઓ ગાડી લઈને પરત આવવા નીકળ્યાં હતાં. શુક્રવારના રોજ વહેલી સવારના સમયે તેઓ કપડવંજ તાલુકાના કાવઠ પાટીયા નજીકથી પસાર થઈ રહ્યા હતાં. તે વખતે માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી આઈશર નં આરજે ૦૬ જીબી ૧૪૩૩ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આઈશર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બંને વાહનના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં જ ગંભીર ઇજાઓને કારણે રમેશભાઈ ઝાલા, મહેશભાઈ ઝાલા, નરેન્દ્રભાઈ રાઠોડ અને શૈલેષભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગાડીમાંથી જીવીત બહાર નીકળેલા દિલીપ સોલંકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

નડિયાદ નજીક આઈશર પાછળ એસ.ટી બસ ઘુસી જતાં ૬ મુસાફરો ઘાયલ

મોરબી-દાહોદ રૂટની એસ.ટી બસ નં જીજે ૧૮ ઝેડ ૧૭૧૫ ગત મોડી રાત્રીના સમયે નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન આગળ જતી આઈશર નં જીજે ૨૪ એક્સ ૦૯૫૨ ના ચાલકે ઓચિંતી બ્રેક મારતાં તેની પાછળ એસ.ટી બસ ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એસ.ટી બસમાં સવાર ૬ મુસાફરોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં એક્સપ્રેસ હાઈવે પેટ્રોલીંગની ટીમ તેમજ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બીજી બાજુ અકસ્માતને પગલે વડોદરા તરફની લેન પર વાહનોની ૩ કિલોમીટર લાંબી કતર લાગી હતી. જોકે, એક્સપ્રેસ વે પેટ્રોલીંગની ટીમે ક્રેઈનની મદદથી આઈશરને રોડની સાઈડમાં કરી ટ્રાફિક પૂર્વરત કર્યો હતો.

હલદરવાસ ચોકડી નજીક રીક્ષાની અડફેટે બાઈક પર સવાર મહિલાનું મોત

કપડવંજ તાલુકાના ફુલચંદની મુવાડીમાં રહેતાં ભલસિંહ રામસિંહ ચૌહાણ ગુરૂવારના રોજ સવારે બાઈક નં જીજે ૦૭ સીએન ૭૬૨૦ પાછળ પત્નિ રમીલાબેનને બેસાડી હિરાચંદની મુવાડી ગામે જવા નીકળ્યાં હતાં. સવારે સાડા નવ વાગ્યાના અરસામાં તેઓ મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ચોકડી નજીકથી પસાર થતાં હતાં, તે વખતે માર્ગ પર સામેથી પુરપાટ ઝડપે આવતી એક સીએનજી રીક્ષાના ચાલકે ભલસિંહના બાઈકને ટક્કર મારતાં પત્નિ રમીલાબેન બાઈક પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે અજાણ્યાં રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એરબેગ ખૂલી પણ જીવ ન બચાવી શકી

રણુજાથી પરત ફરી રહેલા હોમગાર્ડ જવાનોની કારને કપડવંજ નજીક અકસ્માત થયો તે સમયે કાર પૂરપાટ ઝડપે જતી હતી. જોકે, કારની એરબેગ તો ખૂલી હતી પણ તે કોઇનો જીવ ન બચાવી શકી ન હતી. કારની સ્થિતીને જોતાં બંને વાહનોની ગતિ વધુ હોવાનું સ્પષ્ટ થયું હતું.

Most Popular

To Top