Business

રાંક અમે નસીબથી, નથી રાંક મનના અમે

અલી જરાક પગ ઉપાડ આમ મલપતી હાલશે તો કે‘દાડે પહોંચવાની?‘ સવિતાએ એની દીકરી આરતીને કહ્યું. હજુ સવારના છ જ વાગ્યા હતાં અને નાનકડી દસ વર્ષની આરતીની આંખમાં ઊંઘ ભરી હતી. ‘ બિચારી છોકરી!’ સવિતાની નજર આરતી ઝોંકા ખાતી હતી તેના પર પડી.  શાકભાજીનો ધંધો જ એવો. વહેલાં ઊઠો તો જ કામ થાય, બે પૈસા મળે. બાકી ઘર ચલાવવું અઘરું થઇ જાય.  ‘ચાલ ચા સાથે બિસ્કુટ લઇ આપું…પે‘લાં હટ દઇને કામ પતાવી લઇએ…’ ચાના નામથી આરતીના મોઢાં પરથી રહી સહી ઊંઘ ઊડી ગઇ. માને સારા મૂડમાં જોઇ બોલી, ‘મમ્મી, આ વખતે આઠમના મેળામાં જાઇ ત્યારે મને ચંપલ લઇ આપજે…‘

‘હોવે…દીકુ સારી કમાણી થઇ તો ચોક્કસ લઇ આપું. લે પેલી રિક્ષાને હાથ કર…જલદી મોટી માર્કેટ લઇ જાશે.’ આરતીએ હાથ કર્યો એટલે રિક્ષા ઊભી રહી. સવિતાના ઘરથી મોટી માર્કેટ દૂર હતી, એટલે આવતાં જતાં મા–દીકરીના વીસ રૂપિયા ખરચવા પડતાં. ઉપરથી ચા–પાણીના બીજા દસ થાય. પણ મોટી માર્કેટ શાક સસ્તુ મળતું. પાંચ શેરી માર્કેટ કહેવાય એટલે બધું પાંચ શેર જ મળે. સવિતા ચાર–પાંચ શાક, કચુબંરમાં ગણાય તેવા ટમેટા–કાકડી, મસાલામાં આવે તેવા ધાણા–મરચાં બધું થઈને રોજ હજારનું શાક લેતી.

સવારમાં વહેલાં ઘરેથી મોટી માર્કેટથી મોટા બે સૂંડલાં ભરીને શાક લઇને મા–દીકરી ઘરે આવતાં. એ પછી ઘરનું કામકાજ પતાવી–રસોઇ કરીને દસ વાગે ત્યાં આરતીને નિશાળે મૂકીને સવિતા શાકની રેંકડી લઇને સોસાયટીમાં ફરતી. સવિતા સ્વભાવથી મિલનસાર હતી, સોસાયટીમાં એના ઘણાં બાંધેલાં ઘરાક હતાં. બંગલાવાળી શેઠાણીઓના ખબર–અતંર પૂછે, મીઠો લીમડો કે ધાણાં મફત પણ આપી દે, એટલે સાંજ પડે, રોજ બસો–ત્રણો કમાઇ લેતી. દિવસ સારો જાય ત્યારે તો પાંચસો પણ મળી જાય. મા–દીકરીનો ગુજારો શાંતથી થઇ જતો.

શ્રાવણ મહિનો ચાલે એટલે સવિતા શાક સાથે કેળા અચુક રાખતી. જેથી કરીને ઉપવાસ વાળાને કારણે વેચાય જાય. ફળના ધંધામાં નફો સારો મળે પણ બધું બગડી જલદી જાય એટલે સવિતાને શાકભાજી વેચવા ફાવે. આરતીને પાંચશેરી માર્કેટ પહોંચીને ચા–બિસ્કિટ અપાવીને સવિતા શાકભાજી સાથે કેળાની ખરીદી કરી બે ટોપલાં ભરીને પછી આરતીને બોલાવી. કેળા સહેજ મોંધા મળ્યાં કારણ કે ઉપરથી માલ જ ઓછો આવ્યો અને ઉપાડ વધુ!

મા–દીકરી માથે ટોપલા લઇને ટેમ્પો મળે તે માટે મેઈન રોડ પર રાહ જોતી ઊભી રહ્યાં. રિક્ષા પોસાય નહી કારણ કે રિક્ષાવાળો ટોપલાંને કારણે વધુ ભાવ માંગે. અડધો–પોણો કલાક ઊભા રહ્યાં ત્યારે માંડ માંડ ટેમ્પો મળ્યો. રોજ તો સાત વાગ્યામાં સવિતા ઘરે પહોંચી જાય એના બદલે આજ આઠ થવા આવ્યા હતાં. સવિતાએ ઘરનું કામ ફટાફટ પતાવીને આરતીને નિશાળે મૂકીને લારી લઇ સોસાયટીમાં પહોંચી ત્યારે સાડાદસ થવા આવ્યાં હતા. એણે બૂમ પાડી, ‘શાક લઇ લો….‘ રોજના ધરાક આવવા લાગ્યાં. શાક વેંચતી વેચતી છેક છેલ્લાં બંગલા સુધી આવી. છેલ્લા બંગલાની શેઠાણી જરા કંજૂસ હતી, કસીને ભાવ કરતી, પણ શાકનો ઉપાડ વધુ હતો એટલે સવિતા એને વેચતી હતી. સવિતાની બૂમ સાંભળી શેઠાણી બહાર આવી, ‘આજ તો કેળા અને બટેટા જ જોઇએ છે. બધાંને ઉપવાસ છે….’ ‘તે કાં‘ઇ નહિ..લઇ લો..બેન…હું તમારા માટે જ કેળા લાવી છું.’

શેઠાણીએ બે ડઝન કેળા લઇ લીધાં એટલે સવિતા ખુશ થઈ ગઇ. એક તો કેળા મોંધા મળ્યાં હતાં અને આજે જોઇએ તેવો ઉપાડ ન હતો. કેળા બીજે દિવસે તો ફેંકવાના જ રહે, કાં મહોલ્લાંના લોકને પાણીના ભાવે વેચી દેવા પડે. ‘બેન…જરા પાણી પાવ ને…’ સવિતા બંગલાને પગથિયે બેસી પડી. પરસેવાથી લથબથ ચહેરાને એણે સાડીના પાલવથી લૂછયો. બપોરના બાર થયા હતાં, અને એમાં ય શ્રાવણમાં ભાદરવા જેવો તાપ. જરાક પોરો ખાદ્યો. શેઠાણી અંદરથી પાણી લાવ્યા તે પીધું. અને સવિતા ઊભી થઇ,

‘આજે એકલાં જ લાગો છો.’ એણે પૂછયું. ‘હા..બધાં વહુને પિયર ગયા છે. એમના ભાઇ બારથી આયા છે તે મળવા ગયા.’ શેઠાણી ઘરમાં જઇને પાકીટ લઇ આવ્યા. એમણે સો રૂપિયા આપ્યાં એ લઇને સવિતાએ બ્લાઉઝના ખાનામાં મૂક્યાં એટલે શેઠાણી બોલી, ‘વીસ પાછા આપવાના ને!’ ‘ના..બેન આજે કેળાં બહુ મોંધા મળ્યાં છે. એટલે બે ડઝનના સો રુપિયાં થશે.’ પણ શેઠાણીએ બહુ રકઝક કરી ત્યારે સવિતાએ કમને દસ પાછા આપ્યાં. તો ય કેટલો બડબડાટ કર્યો તે સવિતાથી બોલાય ગયું,

‘બેન ન જોતા હોય તો પાછાં આપી દો…પણ મને ન‘ઇ પોસાય..ખરીદી જ ઊંચી થઇ છે તે..‘ એટલે શેઠાણી ભડક્યાં, ‘તારો તો બહુ રોફ વધી ગયો છે. ગરજ છે એટલે ભાવ ખાય છે.’ સવિતા વધું કશું બોલ્યા વિના લારી લઇને નીકળી ગઇ. સોસાયટીના નાકે પહોંચી ત્યાં સુધી પેલાં શેઠાણીનો કકળાટ સંભળાતો હતો. સવિતાનો જીવ તો બળ્યો કે મોટા લોકને દુભાવ્યાં. પણ ઘરે જઇને મન વાળી લીધું કે કાલે જરા કહી દઇશ, ‘બેન, બોલ્યું ચાલ્યું માફ કરજો.’ બીજે દિવસે સવિતા સોસાયટીના ગેટ પર પહોંચી તેવા જ વોચમેને એને ઊભી રાખી,

‘તને સોસાયટીમાં જવાની મનાઇ છે.‘ સવિતા ડઘાઇ ગઇ, ‘પણ મારો કાંઇ વાંક ગુનો?’ ‘છેલ્લાં બંગલાવાળા મેડમની કાનની કડી ચોરાઇ ગઇ છે. અને છેલ્લે તું જ એમને ત્યાં ગઇ હતી. સવિતા તો ચોરીના આરોપથી હેબતાઇ ગઇ.  ‘હું તો એમના ઘરમાં ય નથી ગઇ..પછી ચોરી ક્યાં કઇરી?’ ‘એ અમને નથી ખબર…એ શેઠાણી સારાં છે તે પોલિસ નથી બોલાવી. નહીં તો જેલમાં નાંખી દેતે’ સવિતાની હાલત કાપો તો લોહીના નીકળે એવી થઇ ગઇ. આટલાં વર્ષોના ગ્રાહક અને તે આમ ગરીબ જાણી ચોરીનો આરોપ લગાવે? સવિતા એના જાણીતાં સોસાયટીના ગ્રાહકો પાસે બહુ કરગરી. પણ કોઇએ એને અંદર આવવાની રજા ન આપી. છેવટે સવિતા લારી લઇને બીજી સોસાયટી તરફ વળી. રોજ તો બપોરે બે વાગે ઘરે પહોંચી જતી. પણ આજે સાંજના પાંચ થયા ત્યારે શાક વેચીને એ ઘરે આવી. ખાધા વિના જ ખાટલાંમાં પડી. આરતી સ્કૂલેથી આવી ત્યારે એણે પચાસની નોટ આપી,

‘જે ખાવું હોય તે લઇ આવ..આજ નથી રાંધવુ.’ આરતી ખુશ થતી ગઇ. થોડીવારમાં ભજિયા–જલેબી–ફાફડાં એવો નાસ્તો લઇને પાછી આવી. પણ સવિતાને ખાવાનું મન ન થયુ. આરતીએ બહુ કહ્યું ત્યારે એણે બે દાણાં ભજિયા ચાખ્યા. પેલી સોસાયટી પાસેથી પસાર થતી બીજી સોસાયટીઓમાં સવિતા શાક વેંચવા જતી. પણ ભૂલ ચૂકે ય કોઇ દિવસ કોઇના આંગણામાં ય પગ ન મૂકતી. એક દિવસ એ પસાર થતી હતી ત્યાં પેલી સોસાયટીમાંથી એક શેઠાણી એને ઊભી રાખી, ગેટ બહાર શાક લેવા આવ્યા,  ‘છેલ્લાં બંગલાવાળાને સોનાની કડી પછી ઘરમાંથી જ મળી ગઇ.’ સવિતા બોલી, ‘બેન જે હોય તે..પણ હું હવે આ સોસાયટીમાં પગ ન મૂકુ.’

Most Popular

To Top